રાજકોટમાં સ્મશાનોમાં લાંબુ વેઇટીંગ: નજીકના ગામોમાં અંતિમસંસ્કાર કરવાની નોબત !!

0
41

દરરોજ સરેરાશ 70થી 80 લોકોના કોરોનાથી મોત, કોરોના માટે 7 સ્મશાન જ કાર્યરત હોય અંતિમસંસ્કારમાં થતો વિલંબ 

રાજકોટમાં સ્મશાનોમાં લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું હોય કોરોનાથી મૃત્યુ થયા બાદ અંતિમસંસ્કાર નજીકના ગામોમાં કરવાની નોબત આવી છે. શહેરમાં દરરોજ સરેરાશ 70થી 80 લોકોના કોરોનાથી મોત થઈ રહ્યા છે. આ ઉપરાંત બીજા અનેક દર્દીના અન્ય કારણોસર પણ મોત થઈ રહ્યા છે. ત્યારે કોરોના માટે 7 સ્મશાન જ કાર્યરત હોય અંતિમસંસ્કારમાં વિલંબ થતો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં કોરોનાનું રૌદ્ર સ્વરૂપ યથાવત રહ્યું છે. જેના કારણે મોતનું તાંડવ ખેલાઈ રહ્યું છે. દરરોજ સરકારી આંકડા મુજબ સરેરાશ 70થી 80 મોત થઈ રહ્યા છે. જો કે વાસ્તવિક મોતના આંકડા હજુ આનાથી પણ વધારે હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ શહેરના 7 સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓની ડેડબોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જ્યાં અંતિમસંસ્કાર માટે પણ લાંબુ વેઇટિંગ હોય ભારે હાલાકી પડી રહી હોવાનું સામે આવ્યું છે.

શહેરમાં અંતિમસંસ્કાર માટે વેઇટિંગ ચાલતું હોય હવે શહેરના નજીકના ગામોમાં ડેડબોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. ગતરાત્રીના સમયે જ રાજકોટ કોવિડ હોસ્પિટલમાં કોરોનાથી દર્દીઓનું મોત થયું હોય સ્મશાનમાં લાંબુ વેઇટિંગ ચાલતું હોય ત્યારે 10 ડેડબોડીને પડધરીના મૌવૈયા ગામે લઈ જવામાં આવી હતી. ત્યાં ગામમાં આવેલા સ્મશાનમાં બાપા સીતારામ મંડળના સેવાભાવી યુવાનોની મદદથી 10 ડેડબોડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોરોનાથી સરેરાશ 70થી 80 લોકો મોતને ભેટી રહ્યા છે. રોજના અંદાજે 40 મોત બીજા કારણોસર થઈ રહ્યા છે. ઉપરાંત બહારગામથી આવતા દર્દીઓ સહિત કુલ અંદાજે 150 લોકોના અંતિમ સંસ્કાર રાજકોટ શહેરમાં થઈ રહ્યા છે. જેના પગલે સ્મશાનોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે.

ગત રાત્રે રાજકોટથી કોરોનાથી મૃત્યુ પામેલા 10 દર્દીઓની ડેડબોડી પડધરીના મૌવૈયા ગામે લઈ જવાય, ત્યાં સ્થાનિક સેવાભાવીઓની મદદથી અંતિમસંસ્કાર કરાયા

 શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણ અને મૃત્યુઆંક ચિંતાનો વિષય બની ગયો છે. કોરોનાથી થતા મૃત્યુ બાદ સ્મશાનમાં મૃતકના અસ્થિ રાખવામાં આવે છે. જોકે કેટલાક પરિવારજનો ડરના કારણે અસ્થિ લેવા પણ આવતા ન હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. સ્મશાન ગૃહોમાં મોટી સંખ્યામાં અસ્થિ એકઠા થઇ ગયા હોવાનું સ્મશાનગૃહના સંચાલકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કોરોનાથી થતા મૃત્યુ બાદ મૃતકના સ્વજનો ડરના કારણે અસ્થિ લેવા ન આવતા હોવાની માહિતી સામે આવી રહી છે. એક માત્ર રામનાથપરા સ્મશાન ગૃહમાં પાછલા વર્ષ 2020માં લગભગ 4000 જેટલા અસ્થિનું વિસર્જન સ્મશાન ગૃહ દ્વારા હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે છેલ્લા 3 મહિનામાં 1000 જેટલા અસ્થિ એકઠા થઇ ગયા છે. જે ગંભીર બાબત સમજી શકાય છે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષ કરતા કોરોનાની બીજી લહેર ગંભીર હોવાનું સ્મશાનમાં અસ્થિના આંકડા પરથી સાબિત થઇ શકે છે. લોકો પોતાના સ્વજનોના અંતિમસંસ્કાર કરી આવે છે પરંતુ કોરોનાના ડરને કારણે અસ્થિ લેવા જતા નથી. આથી ના છૂટકે સ્મશાનગૃહના સંચાલકો દ્વારા આવા અસ્થિને પોતાની રીતે હરિદ્વાર વિસર્જન કરવા જવું પડે છે.

તાજેતરમાં રામનાથપરા સ્મશાનગૃહમાં મૃતદેહોની અંતિમવિધિ કરતા કર્મચારીઓ પૈકી 4 કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ કારણે અંતિમવિધિ કરવા માટે ખાસ મોરબીથી માણસો બોલાવાયા હતા, એ પણ જતા રહેતાં મનપાએ સ્ટાફ ફાળવ્યો હતો, પણ આ સ્ટાફને અંતિમવિધિ અનુકૂળ ન આવતાં એક જ રાતમાં ચાલ્યા ગયા હતા, જેથી નાયબ કમિશનર એ.આર. સિંઘ સ્મશાને પહોંચ્યા હતા અને ટ્રસ્ટી ગુણવંત ડેલાવાળા સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ, અન્ય ત્રણ સ્મશાનમાં પણ કર્મચારીઓ પોઝિટિવ આવવાનું શરૂ થયું હતું. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોરોનાના દૈનિક કેસ દરરોજ નવી ઊંચાઈ બનાવી રહ્યા છે. લોકોને હોસ્પિટલમાં બેડ નથી મળતાં. એની અછત છે, એમ્બ્યુલન્સની અછત છે, ઈન્જેક્શનની અછત છે, કોરોનાને લગતી દવાઓની અછત છે, ટેસ્ટ કિટની અછત છે, સ્મશાનની અછત છે. મૃતાંક અને કોરોનાના કેસ વધી રહ્યા છે, જેના પર તંત્રનો કોઇ કાબૂ રહ્યો નથી. આ જ કારણે લોકોને ટેસ્ટથી માંડીને સ્મશાનગૃહ સુધી કતારમાં ઊભું રહેવું પડે છે.

શહેરમાં ત્રણ નવા સ્મશાન કાર્યરત કરાયા

કોરોનાથી મોતની તાંડવ ખેલાઈ રહ્યું છે. અંતિમસંસ્કાર માટે પણ તંત્ર ટૂંકું પડી રહ્યું છે. અગાઉ રામનાથપરા, મોટામવા, કાલાવડ રોડ, મવડી અને એસી ફૂટ રોડ એ ચાર સ્મશાન ઉપરાંત બેડી ગામ, નવાગામ તથા ન્યારી ડેમ પાસે એમ નવા ત્રણ સ્મશાનમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. અગાઉ ચાર સ્મશાન જ કોવિડ માટે અનામત રખાયા હતા. બાદમાં બેડી ગામ, નવાગામ અને ન્યારી ડેમ પાસેના સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવાનું શરૂ કરાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here