Abtak Media Google News

ઘરેલું ધોરણે ખાદ્યતેલનું ઉત્પાદન વધારવા માટે કૃષિ ક્ષેત્રે તેલીબીયાના વાવેતરને પ્રોત્સાહન આપી તલ, સૂર્યમુખી, એરંડા, મગફળી, રાયડાના પાકનું વાવેતર વધારવા સહિતના પગલાઓનો રોડપેમ તૈયાર

મોદી સરકાર હવે આયાતી તેલની જગ્યાએ ખાદ્યતેલમાં આત્મનિર્ભર બનવા નિર્ધાર કરી ચૂકી છે અને તે દિશામાં કામ કરવાનું શરૂ થયું છે. મોદી સરકાર દ્વારા હવે ખાદ્યતેલમાં આયાતી તેલની પરાવલંબીતા ઘટાડીને અને ઘરેલું ઉત્પાદન વધારી ખાદ્યતેલમાં આત્મનિર્ભર બનવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો છે. સામાજિક જાગૃતિ અને લોકોના અભિગમ બદલાવીને ઘરેલુ ખાદ્યતેલના ઉપયોગથી અર્થતંત્રને આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યું છે. નિષ્ણાંતોના મતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના આત્મનિર્ભરના સાર્થક બનાવવા માટે ખાદ્યતેલની આયાતથી વિદેશી હુડીયામણનો બોજ  ઘટાડવા માટે ઘરેલું તેલને અવેજી તરીકે વાપરવામાં આવશે તો આયાતનું ભારણ ઘટશે અને હુડીયામણની બચત થશે તે દેશના વિકાસમાં કામ આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નીતિ આયોગને છઠ્ઠી બેઠકમાં જણાવ્યું હતું કે, કૃષિ પ્રધાન દેશમાં ભારત ૬૫ થી ૭૦ હજાર કરોડનું ખાદ્યતેલ આયાત કરે છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આયાત પાછળનો આ ખર્ચનો બચાવ કરીને દેશમાં અર્થતંત્રને સધ્ધર બનાવી શકાય. અમે એ વાત ઉપર પણ વિચાર કરી રહ્યાં છીએ કે, રાષ્ટ્રીય તેલીબીયા અભિયાન પાછળ ૧૯ હજાર કરોડ રૂપિયાના પાંચ વર્ષના આયોજનમાં કેન્દ્રીય કૃષિ મંત્રી અને ખેડૂત વિકાસ મંત્રાલયે તેલની આયાત ઓછી થાય તેવા પગલાઓ માટે એપ્રિલ ૧થી આવનાર નાણાકીય વર્ષમાં જબ્બર આયોજન કર્યું છે.

ભારત અત્યારે ૧૫૦ લાખ ટનનું દર વર્ષે ખાદ્યતેલ આયાત કરે છે. જ્યારે ઘરેલું ધોરણે ૭૦ થી ૮૦ લાખ ટનનું ઉત્પાદન થાય છે તે વધારી વધુમાં વધુ આત્મનિર્ભર બનવું છે. તેમણે જણાવ્યું કે, તેલીબીયાના ઉત્પાદનમાં વધારો કરી ખાદ્યતેલ વધારવું જોઈએ. દેશમાં ૧૧૦ લાખ હેકટર જમીન ઉપર થતું વાવેતરમાં તેલીબીયાનું પ્રમાણ વધારવાની જરૂર છે. અત્યારે ઘઉ, જવ અને શેરડીનું વાવેતર થાય છે. તેલીબીયાની વિવિધ જાતનો વિકાસ કરીને ભારતમાં દર વર્ષે તેલીબીયાનું ઉત્પાદન વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. સોયાબીન, એરંડા, મગફળી, સૂર્યમુખી, તલ જેવા તેલીબીયાના ઉત્પાદન વધારવાના કારણે ખેડૂતોની આવક પણ વધશે અને ઘરેલુ તેલનું ઉત્પાદન વધતા આયાત ઘટશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.