Abtak Media Google News

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે ઉત્તરીય રાજયોમાં હિમવર્ષાના પગલે ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીનું મોજુ: ૨૬મી સુધી કોલ્ડવેવની આગાહી ઠંડાગાર પવનો ફુંકાતા જનજીવન ધ્રુંજયું

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કારણે જમ્મુ-કાશ્મીર સહિત ઉતર ભારતના રાજયોમાં જોરદાર હિમવર્ષાના કારણે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આગામી ૨૬મી જાન્યુઆરી સુધી રાજયમાં કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે. તાપમાનનો પારો નીચો પટકાયો છે. સાથોસાથ ઠંડાગાર પવનો ફુંકાતા સૌરાષ્ટ્રમાં દેખો ત્યાં બેઠા ઠાર જેવી પરિસ્થિતિ સર્જાય જવા પામી છે. જનજીવન રિતસર થર-થર ધ્રુજી રહ્યું છે. કચ્છનું નલીયા ફરી એક વખત ૬.૮ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે ગુજરાતનું કાશ્મીર બની ગયું હતું.

છેલ્લા ત્રણેક દિવસથી રાજયમાં જાણે શિયાળાની સીઝને વિદાય લઈ લીધી હોય તેવો માહોલ જોવા મળતો હતો. વહેલી સવારે અને મોડીરાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થતો હતો. બપોરના સમયે તાપમાનનો પારો ૩૫ ડિગ્રી આસપાસ પહોંચી જતો હોય લોકો ઉનાળા જેવા આકરા તડકાનો અનુભવ કરતા હતા. દરમિયાન ઉતર ભારતના રાજયોમાં પડી રહેલા સતત હિમવર્ષાના કારણે ફરી રાજયમાં શિયાળાની સીઝને ફરી જમાવટ કરી છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતમાં સોમવારે કમોસમી વરસાદના કારણે રાજયમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સુસવાટા મારતા ઠંડાગાર પવનોના કારણે હાડ થ્રીજાવતી ઠંડીમાં લોકો થર-થર ધ્રુંજી રહ્યા છે.

કચ્છના નલીયામાં આજે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. નલીયાનું લઘુતમ તાપમાન આજે ૬.૮ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા અને પવનની સરેરાશ ઝડપ શાંત રહેવા પામી હતી. રાજકોટમાં પણ આજે લઘુતમ તાપમાનનો પારો નીચો પટકાયો હતો. રાજકોટનું લઘુતમ તાપમાન ૧૧.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. સવારે ૮:૩૦ કલાકે તાપમાનનો પારો ૧૪.૮ ડિગ્રીએ પહોંચ્યો હતો.

શહેરમાં ૧૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા શહેરીજનો ઠંડાગાર પવનમાં ધ્રુજી ઉઠયા હતા. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને ગઈકાલનું મહતમ તાપમાન ૨૪.૭ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. અમરેલીનું લઘુતમ તાપમાનઆજે ૧૩.૭ ડિગ્રી, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૬.૬ કિમી રહેવા પામી હતી. જુનાગઢનું લઘુતમ તાપમાન આજે ૧૫.૨ ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૩ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૫.૯ કિમી રહેવા પામી હતી.ઉતર ભારતના રાજયોમાં પડી રહેલી હિમવર્ષાના કારણે રાજયમાં આગામી ૨૬મી જાન્યુઆરી સુધી કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.