નજર હટી, દુધર્ટના ઘટી: ચેતજો… ચૂંટણીમાં ‘ભાગી ગયેલો’ કોરોના ફરી સક્રિય!!

મહારાષ્ટ્રમાં કોરોના કહેરથી ગુજરાતમાં મોટું જોખમ સતત છઠ્ઠા દિવસે 450થી વધુ કેસ નોંધાયા

ચૂંટણી દરમિયાન બેફામ રીતે નિયમોનો ઉલાળીયો હવે ‘ભાન’ કરાવશે!!

કોરોનાના કપરાકાળમાથી ઉગરવા ભારત સહિત વિશ્ર્વભરના દેશો પ્રયત્નોમાં જુંટાયા છે. ભારતમાં થોડા દિવસોનાં વિરામ બાદ કોરોનાએ ફરી માથું ઉંચકતા સતત 16મા દિવસે કોરોનાના કેસમાં તીવ્ર ગતિએ વધારો થયો છે. એમાં પણ મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટયો હોય તેમ પરિસ્થિતિ અનિયંત્રીત બની છે. જેનાથી ગુજરાતમાં વાયરસનું મોટુ જોખમ ઉભુ થટું છે. એક તરફ કોરોના અને બીજી બાજુ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં નેતાઓ સહિત સામાન્ય લોકો દ્વારા નિયમોનો બેફામ રીતે ઉલાળીયો સરકાર સહિત તમામને હવે પહેલાની જેમ પાછી ‘ભાન’ કરાવે તો નવાઈ નહીં. અત્યાર સુધી ચૂંટણી દરમિયાન કોરોના જાણે ભાગી ગયો હોય, તેમ ઠેર ઠેર મેળાવળા, નિયમભંગ કરી પ્રચાર અને ફૂડ પાર્ટી મનાવાઈ હતી. પરંતુ હવે, ચૂંટણી પૂર્ણ થતા જ નિયમભંગની સજા ‘કોરોના’ જરૂરથી આપશે જ તેમ લાગી રહ્યું છે. કોરોના વાયરસ ફરી સક્રિય થતા ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે 450થી વધુ કેસ નોંધાયા છે.

નજર હટી અને દુઘર્ટના ઘટી… ચૂંટણી પ્રચારમાં નિયમપાલનની ભાનભૂલ્યા અને કોરોનાનો રાફડો ફાટયો, ગઈકાલે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 454 નવા કેસ નોંધાયા છે હાલ, 2522 એકિટવ કેસ છે. એમાં પણ સુરત અને અમદાવાદમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. દેશભરમાં સતત 16માં દિવસે કોરોના કેસનો ઉથલો મારી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે થતો મૃત્યુદર સમગ્ર દેશની સરખામણીએ 50 ટકાએ પહોચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્ર બાદ કેરળ, પંજાબ અને કર્ણાટકમાં પણ કેસ વધી રહ્યા છે.