વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર શ્રી ભગવાન કલ્કીની જયંતી, પુરાણો અનુસાર અહી થશે ભગવાન કલ્કીનો જન્મ

નીતા મહેતા

શ્રીમદ ભાગવત પુરાણ પ્રમાણે ભગવાન કલ્કીનો અવતાર કળિયુગ નો અંત અને સતયુગની શરૂઆતના સંધિ કાળમાં થશે. એ દિવસ શ્રાવણ સુદ પાંચમ હશે. વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર અંતિમ અવતાર હશે, જે કલ્કી અવતાર તરીકે શ્રાવણ માસની શુક્લપક્ષની પંચમીના દિવસે જન્મશે. હળાહળ કળિયુગમાં દરેક પાપી નો નાશ કરવા માટે ભગવાન કલ્કી જન્મ લેશે.

વિષ્ણુ ભગવાનના દસ અવતાર માંથી એ એક જ અવતાર એવો છે કે જે અવતર્યા પહેલા તેની પૂજા થવા માંડી છે. દેશમાં અનેક જગ્યાએ ભગવાન કલ્કીનાં મંદિર આવેલા છે. પુરાણો અનુસાર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ પાસે સંંભલ ગામમાં ભગવાન કલ્કી અવતાર લેશે. તે દેવદત્ત નામના ઘોડા પર બેસીને તલવારથી દૃષ્ટોનો સંહાર કરશે, ત્યાર પછી સતયુગ નો પ્રારંભ થશે. ભગવાન વિશેનો આ અંતિમ અવતાર “નિષ્કલંક” ના નામથી આખા વિશ્વમાં પ્રસિદ્ધ થશે.

ભગવાન કલ્કીનાં પિતા વેદ અને પુરાણના જ્ઞાતા હશે. તેમનું નામ વિષ્ણુયશ અને માતાનું નામ સુમતિ હશે. ભગવાન રામની જેમ જ તેઓ ચાર ભાઈ હશે સુમંત, પ્રજ્ઞા અને કવિ તેમના ત્રણ ભાઈ હશે. ભગવાન કલ્કી ને બે પત્ની હશે પહેલી પત્ની નું નામ લક્ષ્મીરૂપી પદ્મા અને બીજી પત્નીનું નામ વૈષ્ણવી શક્તિ રૂપારમાં હશે. માં વૈષ્ણોદેવી જે રામ અવતાર ના સમયથી ભગવાન સાથે વિવાહ કરવા તપ કરી રહ્યા છે તેમની તપસ્યા હવે ભગવાન કલ્કી સાથે લગ્ન કરીને પૂર્ણ થશે. તેમને ચાર પુત્ર હશે જેના નામ જય, વિજય, મેઘમાલ તથા બલાહક હશે. ભગવાન કલ્કીના ગુરુ ભગવાન પરશુરામ હશે.

આજનો દિવસ ભગવાન કલ્કીની જયંતીનો દિવસ છે. અત્યાર સુધી આપણે જેમનો જન્મ થઈ ગયો હોય તેમની જયંતિ ઉજવીએ છીએ. પરંતુ ભગવાન કલ્કી હજુ અવતાર લેવાના બાકી હોવા છતાં આ પૃથ્વી પર તેમની જયંતિ ઉજવાય છે. આ એક પૃથ્વી પરનો સૌથી મોટો અપવાદ છે.