- બાથરૂમ જવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બની: છોટુ શંકર અને વિજય ગુપ્તાએ આડેધડ છરી ઝીંકી બેવડી હત્યાને અંજામ આપ્યો હત્યારા છોટુ શંકર અને વિજય ગુપ્તા વતન તરફ નાસી જાય તે પૂર્વે જ રાઉન્ડ અપ કરી લેતી બી ડિવિઝન પોલીસ
- રાજકોટના સંત કબીર પર ડબલ મર્ડર
રાજકોટ શહેરના સંત કબીર રોડ પર ડબલ મર્ડરના બનાવથી ચકચાર મચી જવા પામી છે. ગત રાત્રીના સમયે એક જ મકાનમાં ભાડેથી રહેતા પરપ્રાંતિયો વચ્ચે બાથરૂમ જવા મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા છોટુ શંકર અને વિજય ગુપ્તાએ અમિત જૈન અને વિક્કી જૈનને છરીના ઘા ઝીંકી દેતા બંનેના મોત નીપજતા બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. જે મામલે બી ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારા વતન તરફ નાસી જાય તે પૂર્વે જ બંનેને રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
સમગ્ર મામલામાં આર્યનગર શેરી નંબર 1/6, ગોવિંદબાગ શાક માર્કેટ નજીક રહેતી પરિણીતા અમીનાબેન અમીતભાઈ જૈને બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમાં દિપકભાઈ નાગજીભાઈ ઊંધાડના મકાનમાં ભાડેથી રહે છે અને તેઓ મુળ રાજીભડેપથ્થર ગામ, જબલપુર, મધ્યપ્રદેશના વતની છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, અમારા પરિવારમા મારા પતિ અમીતભાઈ (ઉ.વ.29) વાળા કે જેઓ પેડક રોડ પર આવેલ ડી.એસ.એ. કંપનીમા ચાંદીની મજૂરી કામ કરતા હતા. મારે સંતાનમાં દિકરો રાજ ઉ.વ.7 અને તેનાથી નાની દિકરી સ્વીટી (ઉ.વ.11 માસ) ની છે. મારા પતિને બે ભાઈઓ છે, જેમા સૌથી મોટા મારા પતિ અમીતભાઇ છે. તેમજ તેનાથી નાનાભાઈ આકાશ ઉ.વ.28 વર્ષ વાળો છે. તેના પત્ની અનુબેન છે. તેમજ આકાશથી નાનાભાઈ વીક્કી (ઉ. વ.26) વાળો હતો, તેમજ મારા સસરા રાજુભાઈ છે જેઓ હાલ નિવૃત જીવન ગુજારે છે. અમે જે મકાનમા રહીએ છીએ ત્યાં અમારા સામેના ભાગે વિજયભાઈ ગુપ્તા તેના પરિવાર સાથે રહે છે તેમજ નીચેના માળે વિજયના કૌટુંબિક છોટુ શંકર ઉર્ફે સંજય તેના પરિવાર સાથે રહે છે. તેમજ અમારા મકાન માલીક દિપકભાઈ નાગજીભાઈ ઊંધાડ પણ નીચેના માળે તેના પરિવાર સાથે રહે છે. અમારા આ ચારેયના મકાન વચ્ચે એક જ સંડાસ-બાથરૂમ છે જે નીચેના માળે છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈ કાલ તા.10/02/2025 ના રોજ બપોરના આશરે બારેક વાગ્યાના સુમારે મારા દિયર આકાશની પત્ની અનુ તેમને કાંઈ પણ કહ્યા વગર ઘરેથી પોતાના પીયર જવા નીકળી ગયેલ હોય જેથી મારા દિયર બે દિવસથી ખુબ જ ગુસ્સામા હતા અને આ ગુસ્સામા તેઓ ઘરે જોરજોરથી બૂમો પાડતા હતા. તે વખતે અમારી સામે રહેતા વિજય ભાઈ ગુપ્તાનાઓએ અમારી સાથે ઝઘડો કરેલ કે તમારા ઘરમાથી કેમ મોટેમોટેથી અવાજ આવે છે? તેમ કહી ધમકાવવા લાગેલ હતા. તે વખતે અમારા પરિવારે ઝઘડો કરવાનુ ટાળેલ હતું. ત્યારબાદ સાંજના સાત વાગ્યાના સુમારે મારા પતિ અમીત જૈન તથા મારા દિયર વિક્કી જૈન કામ કરી પરત ઘરે ફરેલ અને રાત્રીના સાડા નવેક વાગ્યાના સુમારે મારા પતિ અમીત જૈન પેશાબ કરવા માટે નીચેના માળે ગયેલ હતા. તે સમયે નીચેના માળે રહેતા છોટુ ઉર્ફે સંજય શંકરભાઈ ગુપ્તા પણ પેશાબ કરવા માટે સંડાસ પાસે આવેલ અને તે વખતે તેણે બપોરના થયેલ ઝગડાનો ખાર રાખી જોરજોરથી બૂમો પાડવા લાગેલ અને કહેવા લાગેલ કે ’ કોણ હરામી અંદર ગયેલ છે?’ તેમ કહી મનફાવે તેમ ગાળો બોલવા લાગેલ હતા. બાદમાં જોરજોરથી ડોલ અને અન્ય વસ્તુઓ પછાડવા લાગેલ જેનો અવાજ છેક અમારા ઘરમાં અંદર સુધી આવતો હતો.
જેથી અમે તરત ઘરની બહાર આવેલ તે વખતે મારા પતિ સામેવાળાને કહેતા હતા કે તમો અમારી સાથે ઝઘડો કરશો નહી. ત્યારે આ છોટુ ઉર્ફે સંજય અચાનક જ ઉશ્કેરાઇ ગયેલ અને મારા પતિને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હટકે. જેથી મારા પતિ જોરજોરથી બૂમો પાડવા લાગેલ હતા. ત્યારે અમારા ઘરની સામેના ભાગે રહેતા છોટુના બનેવી વિજય દોડીને ઉપરથી નીચે જતા રહેલ અને આ છોટુ ઉર્ફે સંજયને મારપીટ કરતો જોઇ તેની સાથે મળી મારા પતિ સાથે મારપીટ કરવા લાગેલ હતા.
મારા પતિની બુમો સાંભળી મારા દિયર વિક્કી અને આકાશ પણ નીચે દોડી ગયાં હતા. આ મારપીટમાં છોટુ ઉર્ફે સંજયએ છરી કાઢી મારા પતિ અમીત અને મારા દીયર વિક્કીને પેટ તથા પગના ભાગે આડેધડ મારી દીધેલ હતા. જેથી પતિ અને દિયર લોહીલોહાણ હાલતમાં નીચે ફસડાઈ પડેલ હતા અને તે સમયે આસપાસના લોકો એકત્ર થતા છોટુ અને વિજય ભાગી ગયેલ હતા. જેના લીધે વિક્કીએ સ્થળ પર અને અમિતે ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.
જે બાદ બી ડિવિઝન પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયાં હતા. ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ પણ દોડી ગયાં હતા. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખો શરૂ કરતા બંને હત્યારા વતન તરફ નાસી જાય તે પૂર્વે જ બંનેને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા હતા.
વિજયની પુત્રીની છેડતી કર્યાનો આરોપી પક્ષે આક્ષેપ
સમગ્ર મામલામાં મળતી માહિતી મુજબ આરોપીના પરિજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, મરણજનાર દ્વારા વિજયની પુત્રીની છેડતી કરવામાં આવી હતી જે બાબતે બોલાચાલી થઇ હતી અને તે બોલાચાલી ઉગ્ર બનતા હત્યાનો બનાવ બનવા પામ્યો હતો.