Abtak Media Google News
કચ્છ જિલ્લા ભાજપની અગત્યની બેઠક યોજાઈ વિધાનસભા ચૂંટણી પૂર્વે સંગઠનાત્મક કામગીરીને વેગવંતી બનાવવા મનોમંથન કરાયું
અબતક, વારિશ પટ્ટણી, ભૂજ

આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે કચ્છ જિલ્લા ભાજપ સંગઠનને વધુ વેગવાન બનાવવા તેમજ વિવિધ પ્રકારની સંગઠનાત્મક કામગીરીઓનું વિશ્લેષણ કરવા તથા વિભિન્ન જવાબદારીઓ સુનિશ્વિત કરવા માટે આજરોજ સાંજે કે.ડી.સી.સી. બેંક હોલ ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપની અધ્યક્ષ કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ એક અગત્યની બેઠક યોજાઈ હતી.

બેઠકને સંબોધતા જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોની નેત્રદિપક સિધ્ધીઓ અને કાર્યકરોના સંઘબળના સહારે કચ્છમાં આગામી વિધાનસભા ચુંટણીમાં કમળ પૂર્ણ કળાએ ખીલશે અને છ એ છ બેઠકો ભાજપ કબજે કરશે એ તદન નિ:સંદેહ બાબત છે. ચૂંટણી અગાઉ બાકી રહેતી પેજ સમિતિની કામગીરી સવેળાએ પૂર્ણ કરવા તેમણે સૌ ઉપસ્થિત કાર્યકરોને ટકોર કરી હતી અને જણાવ્યું હતું કે, પેજ કમીટી એ કોઈ પણ ચૂંટણી જીતવા માટેનું નિર્ણાયક શસ્ત્ર છે. વધુમાં પટેલે જણાવ્યું હતું કે, આગામી તા.20 જાન્યુઆરીના રોજ ગુજરાતભરના તમામ પ79 મંડલો પર એક સાથે બપોરે 12 થી 2 ના સમયગાળામાં સંગઠનની બેઠકો યોજાશે જે એક અભૂતપૂર્વ પ્રસંગ હશે.

જિલ્લા ભાજપ મહામંત્રી શીતલભાઈ શાહે સર્વે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રદેશની માર્ગદર્શિકા અનુસાર જિલ્લાના હોદેદારો, મોરચાના હોદેદારો તેમજ મંડલના હોદેદારોએ જે તે સમાજના અગ્રણીઓની યાદી બનાવીને તેઓને પક્ષની વિચારધારા અને વિકાસયાત્રા સાથે જોડવાના રહેશે, જેથી સરકારની ઉપલબ્ધિઓ તેમજ અનેક લોકાભિમુખ યોજનાઓને સહજપણે સર્વે સમાજના લોકો સુધી પહોંચાડી શકાય.

જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાહુલભાઈ ગોરે જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના પેજ કમીટીના મોડેલના સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ કચ્છમાંથી શ્રીગણેશ થયા હતા. આગામી દિવસોમાં કચ્છના તમામ 1851 બુથો પર પ્રત્યેક બુથ દિઠ વધુમાં વધુ લોકોને આ કામગીરી હેઠળ આવરી લેવાશે. વધુમાં તેમણે સર્વે ઉપસ્થિતોને હાલમાં રાષ્ટ્રીય ભાજપ દ્વારા ચાલી રહેલા “માઈક્રો ડોનેશન” નમો એપના માધ્યમથી જોડાવવા આહવાન કર્યું હતું.

નમો એપની અગત્યતા અને કાર્ય પધ્ધતિ વિશે કચ્છ જિલ્લા ભાજપ આઈ.ટી. સેલ ઈન્ચાર્જ જીતેનભાઈ ઠકકરે સવિસ્તાર માહિતી આપી હતી, જયારે કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલ અને આભારવિધી ઉપાધ્યક્ષ ડો.મુકેશભાઈ ચંદેએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.