Abtak Media Google News

ચાલુ વર્ષે વરસાદે ખૂબ જ રાહ જોવડાવી છે. ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે જુલાઈ માસમાં પણ સૌથી ઓછો વરસાદ પડ્યો છે.રાજ્યમાં અત્યારસુધીમાં 25.45 ટકા વરસાદ થયો છે. ગત વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36 ટકા વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 13 ટકા ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 39 ટકાની ઘટ છે. રાજ્યમાં 33માંથી 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે.

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં શનિવારથી ચાર કે પાંચ દિવસ સાર્વત્રિક સારા વરસાદની આગાહી: 27મીએ ઉત્તર બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનશે

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ વલસાડના કપરાડામાં સાડા પાંચ ઈંચ વરસાદ, ડાંગ, તાપી અને નવસારીમાં 1 થી 2 ઈંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં માત્ર ઝાપટાં

9 જિલ્લામાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 6 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે. જો કે હવે આજથી દક્ષિણ ગુજરાત અને આવતીકાલથી સૌરાષ્ટ્રમાં મેઘો જામશે તેવા એંધાણ છે. ત્યારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાયું છે. જેથી શનિવારથી સૌરાષ્ટ્રમાં ચાર કે પાંચ દિવસ મેઘો જામશે. ત્યારબાદ 27મી જુલાઈથી ઉત્તર બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનશે અને તેની અસર કેવી રહેશે એ આવતા અઠવાડિયામા નક્કી થશે ત્યારબાદ વરસાદ કેવો આવશે તે જોવાનું રહેશે.

રાજ્યના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં આગામી 23મી જુલાઈએ ફરી એક વાર લો પ્રેશર સર્જાશે. જે બાદ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો, રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તૌ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી શકે છે. આ સિવાય રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની મહેર જોવા મળશે.

ઉત્તર ગુજરાતમાં સામાન્ય હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, મહેસાણા, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળશે. તો મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં આગામી 23 જુલાઈએ લો પ્રેશર સર્જાવાને લઈને હવામાન વિભાગે ચાર દિવસ માટે માછીમારોને દરિયા ના ખેડવા માટે પણ સૂચના આપી છે.

રાજ્યમાં વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લાં 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવે તો વલસાડના કપરાડામાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વલસાડના ધરમપુરમાં 2 ઈંચ, ડાંગમાં 2 ઈંચ, તાપીના ડોલવાણમાં દોઢ ઈંચ, નવસારીના ખેડાગામમાં 1 ઈંચ, તાપીના વ્યારામાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથમાં ઝાપટાં જોવા મળ્યા હતા જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનું વાતવરણ વાદળછાયું રહયું હતું. ગરમીથી પણ હવે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વાદળછાયા વાતાવરણને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

એનડીઆરએફની 8 અને એસડીઆરએફની 11 ટીમ એલર્ટ મોડ પર

રાજ્યમાં વરસાદની આગાહીના પગલે SDRFની 11 ટીમ અલર્ટ મોડ પર રાખવામાં આવી છે. જ્યારે NDRFની કુલ 15 ટીમમાંથી 8 ટીમ ડિપ્લોય કરી દેવામાં આવી છે. જેમાં વલસાડ, સુરત, નવસારી, ગીરસોમનાથ, જૂનાગઢ, કચ્છ, મોરબી ખાતે એક એક ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. સાથે જ વડોદરામાં 6 ટીમ અને ગાંધીનગર ખાતે 1 ટીમ રીઝર્વ રાખવામાં આવી છે.

મુંબઈમાં આજે ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે મુંબઇ સાથે થાણે, પાલઘર અને રાયગઢના પણ મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હેઠળ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પહેલા હવામાન વિભાગે મુંબઇ, થાણે અને પાલઘરને લઇને ગુરુવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. પરંતુ અતિ ભારે વરસાદી હવામાન જોતાં IMDએ ઓરેન્જ એલર્ટને બદલે હવે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, 22 જુલાઇ દરમિયાન મુંબઇ સહિત થાણે, પાલઘર અને રાયગઢમાં તોફાની પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.