Abtak Media Google News

ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સુરેન્દ્રનગરના સાયલા ચૂંટણી સભાને સંબોધી કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા રાજકોટ મતદાન કરવા પણ આવ્યા હતા

કોઈપણ પદ હોય ભવિષ્યમાં એક દિવસ તેની આગળ પૂર્વ શબ્દ લાગી જાય છે પણ કાર્યકતા એક માત્ર પદ એવું છે જે કયારેય પૂર્વ કે ભૂતપૂર્વ બનતુ નથી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વર્ષોથી આવું કંઈક કહેતા આવ્યા છે. આજે ગુજરાતનાં નાથ હોવા છતાં વિજયભાઈએ પોતાની જાતને એક કાર્યકર તરીકે જાળવી રાખી છે. જેનું જીવતું-જાગતું ઉદાહરણ તાજેતરમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણી દરમિયાન જોવા મળી છે. કોરોનાના સંકજામાં સપડાયા બાદ પોતાના અડગ ઈરાદાથી કોરોનાને મ્હાત કરનાર વિજયભાઈએ કોરોનાને નાથ્યા બાદ પાંચ દિવસમાં અર્ધો ડઝન ચૂંટણી સભાઓ ગજવી હતી. આજે પ્રચારના અંતિમ દિવસે તેઓએ સુરેન્દ્રનગરનાં સાયલામાં ચૂંટણી સભા સંબોધી હતી. વડોદરામાં એક ચૂંટણી સભા સંબોધતી વેળાએ ૧૪મી ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્ટેજ પર ઢળી પડયા હતા તેઓએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છ દિવસની સઘન સારવાર બાદ તેઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા હતા અને કોરોનાને મ્હાત કર્યાના બીજા જ દિવસે ૨૧મી ફેબ્રુઆરીએ પોતાના નાગરિક ધર્મ બજાવવા માટે રાજકોટ ખાતે મતદાન કરવા પણ આવ્યા હતા. મુખ્યમંત્રી તરીકે પક્ષ પ્રત્યેની નિષ્ઠામાં તેઓ જરા પણ ઉણા ઉતર્યા ન હતા અને કોરોનાને હરાવ્યાના બીજા દિવસે જ તેઆએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલીકાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો હતો. ૨૪મીએ અમદાવાદના બાવળા તાલુકાના દેવધોલેરામાં ચૂંટણી સભા સંબોધી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. તેઓ બુધવારે સાંજે રાજકોટવાસીઓનો આભાર માનવા માટે આવી પહોચ્યા હતા. અને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૭૨ બેઠકોમાંથી ૬૮ બેઠકો ભાજપને આપનાર રાજકોટવાસીઓનો આભાર માન્યો હતો. શરીરમાં નબળાય હોવા છતાં તેઓએ ખૂરશી પર બેસીને સભા સંબોધી હતી અને લોકોનો આભાર માન્યો હતો. આજ દિવસે તેઓએ રાજકોટ જિલ્લા પંચાયતની ત્રંબા બેઠક પર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર ભુપતભાઈ બોદરનાં સમર્થનમાં ચૂંટણીસભા સંબોધી હતી. ગઈકાલે મુખ્યમંત્રીએ છોટા ઉદેપૂર જિલ્લાનાં સંખેડામાં ચૂંટણી સભા સંબોધી હતી. અને આજે પ્રચારનાં અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા ખાતે એક ચૂંટણી સભા ગજવી હતી કોરોનાને હરાવ્યા બાદ આરામની આવશ્યકતા હોવા છતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એવું માન્યું હતુ કે મારા શરીરને જેમ આરામની જરૂર છે. તેના કરતા હાલ ચૂંટણીમાં પક્ષને મારી વધુ જરૂરિયાત છે.જેથી તેઓએ છેલ્લા ત્રણ દિવસમાં છ જેટલી ચૂંટણી સભાઓ સંબોધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.