રાજકોટ કોર્પોરેશનના ઢોર ડબ્બામાં લમ્પી વાયરસનો પગ પેસારો: ગાયોને વેક્સિન આપવાની ઉઠતી માંગ

ઢોર ડબ્બામાં રહેલી 700 ગાયો પૈકી 15 જેટલી ગાયમાં લમ્પી વાયરસના લક્ષણો: રણજીત મુંધવા

લમ્પી વાયરસે રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો છે. કચ્છમાં તેની વધુ અસર જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં પણ લમ્પી વાયરસના કેટલાક કેસ જોવા મળ્યા છે. 80 ફૂટ રોડ પર આવેલા કોર્પોરેશનના ઢોર ડબ્બામાં પણ લમ્પીએ પગ પેસારો કર્યો હોવાની પ્રબળ શંકા જણાઇ રહી છે. ઢોર ડબ્બે વસવાટ કરતી 700 પૈકી 15 જેટલી ગાયોમાં લમ્પીના લક્ષણો જોવા મળી રહ્યા છે. અન્ય પશુધન આ રોગનો શિકાર ન બને તે માટે તાત્કાલીક અસરથી વેક્સિનેશન ઝુંબેશ શરૂ કરવાની માંગણી કોંગ્રેસ સેવા દળના પ્રમુખ રણજીત મુંધવાએ કરી છે.

તેઓએ મ્યુનિ.કમિશનર અમિત અરોરાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે માલધારી સમાજ અને કોંગ્રેસના આગેવાન તરીકે તાજેતરમાં મેં 80 ફૂટ રોડ પર આવેલા ઢોર ડબ્બાની મુલાકાત લીધી હતી. જ્યાં વસવાટ કરતી 700 જેટલી ગાય અને ખૂટીયા પૈકી આશરે 15 જેટલી ગાય અને ખૂટીયામાં લમ્પી વાયરસના સામાન્ય લક્ષણ જોવા મળ્યા હતા. આ વાયરસથી પશુધનને બહુ મોટું નુકશાન થાય તેવી સંભાવના રહેલી હોય, તાત્કાલીક અસરથી કોર્પોરેશન દ્વારા ઢોર ડબ્બે વસવાટ કરતી ગાયોને વેક્સિન આપવાનું શરૂ કરવું જોઇએ.