- નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખે લીધી ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત
- હોળાષ્ટક ઉતર્યા બાદ પ્રદેશમાંથી સૂચના મળતાની સાથે જ શહેર ભાજપની નવી સંગઠન ટીમ જાહેર કરાશે જેમાં તમામને આવરી લેવાના પ્રયાસો થશે: પ્રમુખ
- સંગઠન અને સત્તા વચ્ચે યોગ્ય સંકલન રહે તે રીતે કામગીરી કરીશ, જરૂર પડ્યે પક્ષના વરિષ્ઠ નેતાઓનું પણ માર્ગદર્શન લેતો રહીશ: માધવ દવે
- શહેર ભાજપમાં જૂથવાદ જેવું કશું જ નથી, રાજનીતિમાં તમામ લોકોને અપેક્ષાઓ હોય છે ભાજપમાં એકવાર ઉમેદવાર કે હોદ્ેદારનું નામ જાહેર થઇ જાય પછી કોઇ વિવાદ રહેતો નથી બધા સાથે રહી પક્ષને મજબૂત કરવા કામે લાગી જાય છે: દવે
રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણીને આડે હવે એક વર્ષથી પણ ઓછો સમયગાળો બચ્યો છે. હાલ મહાપાલિકામાં સત્તાધારી પક્ષ ભાજપનો સુવર્ણ યુગ ચાલી રહ્યો છે. કારણ કે શહેરના 18 વોર્ડની 72 બેઠકો પૈકી ભાજપ પાસે 68 બેઠકો છે. દરમિયાન આગામી ચુંટણીમાં રાજકોટને કોંગ્રેસ મુક્ત કરી દેવાનો ઇરાદો નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આજે ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન વ્યક્ત કર્યો હતો. તમામ 18 વોર્ડની 72 બેઠકો પર ભાજપના ઉમેદવાર જીતે તેવા લક્ષ્યાંક સાથે પ્રથમ દિવસથી જ સંગઠનલક્ષી કામગીરી હાથ પર લેવામાં આવશે.
નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ વધુમાં જણાવ્યું હતું કે મને છેલ્લા ઘણા વર્ષોથી પક્ષમાં સંગઠનલક્ષી કામ કરવાનો વ્યાપક અનુભવ છે. જેને આધારે હાઇકમાન્ડ દ્વારા ઘણી ચર્ચા-વિચારણાના અંતે મને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકેની ખૂબ મોટી જવાબદારી સોંપવા માટે લાયક ગણવામાં આવ્યો તેના માટે હું પક્ષના શિર્ષ નેતૃત્વનો આભાર માનું છું. શહેર ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે હું પરીશ્રમની પરાકાષ્ઠા સર્જી દઇશ. મારો પૂર્ણ સમય આજથી ભાજપને સમર્પિત કરૂં છું. પક્ષે સોંપેલી જવાબદારીમાં હું સવાયો સાબિત થાઉં તેવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે.
ભાજપમાં સત્તાથી વધુ સંગઠનને મહત્વ આપવામાં આવે છે. આ વિષયે આપનું શું અભિપ્રાય છે? તેવા સવાલના જવાબમાં માધવ દવેએ જણાવ્યું હતું કે ભાજપ હમેંશા સંગઠનને જ મહત્વ આપે છે. તે વાત સાચી છે. કારણ કે સત્તા સુધી પહોંચવા માટે મજબૂત સંગઠન ખૂબ જ જરૂરી છે. સંગઠન પાંખ અને સત્તા પાંખ વચ્ચે યોગ્ય સંકલન રહે અને લોકહિતકારી નિર્ણયો લેવામાં આવે તેવા પ્રામાણીક પ્રયાસો કરવામાં આવશે. એક સંગઠનના વડા તરીકે કાર્યકરોને તમારી પાસે ખૂબ જ મોટી અપેક્ષા છે. હાલ કોર્પોરેશનની 72 પૈકી 68 બેઠકો ભાજપ પાસે છે. હવે પક્ષને મજબૂત બનાવવા તમે કંઇ રીતે આગળ વધશો? તેના જવાબમાં નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું હતું કે ભાજપ માત્ર ચુંટણીલક્ષી પાર્ટી નથી. 365 દિવસ ચાલતી પાર્ટી છે. પક્ષનો કાર્યકર હમેંશા ચાર્જ જ હોય છે. એટલા કાર્યક્રમો આવતા હોય છે કે કાર્યકર સતત પ્રજાની વચ્ચે જ રહેતો હોય છે. છતાં મારી કાર્યપ્રણાલી મુજબ હું એકપણ કાર્યકર છૂટી ન જાય તે વાત પર પુરતું ધ્યાન કેન્દ્રિત કરીશ. બૂથ લેવલ સુધી સંપર્કમાં વધારો કરવામાં આવશે. જેના કારણે અત્યારથી જ ચુંટણીલક્ષી માહોલ બંધાઇ જાય. તમામ 18 વોર્ડની 72 બેઠકો જીતવાનો લક્ષ્યાંક સાથે અમે આગળ વધીશું.
મજબૂત સંગઠન માટે જેનું ઉદાહરણ આપવામાં આવતું હતું તે રાજકોટ શહેર ભાજપમાં હાલ જૂથવાદ જોવા મળી રહ્યો છે. જેના જવાબમાં માધવભાઇ દવેએ જણાવ્યું હતું કે પક્ષમાં જૂથવાદ જેવું કશું જ નથી. રાજકારણમાં હોય તે વ્યક્તિને કોઇ હોદ્ો મળે તેવી ઇચ્છા હોય છે. ભાજપમાં લોકશાહી છે. જેમાં તમામ નેતા અને કાર્યકર હોદ્ો માંગવાનો પૂરતો અધિકાર છે. પરંતુ જ્યારે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવે અથવા હોદ્ેદાર જાહેર કરવામાં આવે ત્યારે કોઇ જ જૂથવાદ રહેતો નથી. તમામ લોકો પક્ષને મજબૂત કરવાની કામગીરીમાં લાગી જાય છે. શહેર ભાજપની નવી સંગઠન ટીમ ક્યારેય જાહેર કરવામાં આવશે તે અંગેના સવાલનો જવાબ આપતા માધવભાઇ દવેએ જણાવ્યું હતું કે હાલ હોળાષ્ટક ચાલી રહ્યા છે. જે ઉતર્યા બાદ પ્રદેશ ભાજપમાંથી સૂચના મળતાની સાથે જ નવી સંગઠન ટીમ જાહેર કરી દેવામાં આવશે. જેમાં જ્ઞાતિ-જાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી તમામનો સમાવેશ કરવામાં આવશે. જરૂર જણાશે તો સંગઠનલક્ષી કામગીરી માટે પક્ષના વરિષ્ઠ આગેવાનોનું માર્ગદર્શન પણ લેવામાં આવશે. તમામને સાથે રાખીને ચાલવાનો મારો નમ્ર પ્રયાસ રહેશે.
ગત વર્ષે શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટના બાદ કોર્પોરેશનમાં પ્રજાલક્ષી કામો ઠપ્પ થઇ ગયા છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ સમસ્યાના ઉકેલ માટે શું કરશો? જેના જવાબમાં માધવભાઇ દવેએ જણાવ્યું હતું કે ભાજપના કોર્પોરેટરો અને સંગઠનના હોદ્ેદારો સતત લોકોની વચ્ચે રહે છે. મહાપાલિકામાં એકપણ પ્રજાલક્ષી કામ અટકે નહિં તેવા પ્રયાસો કરવામાં આવશે. જરૂર જણાશે તો યોગ્ય મોનિટરીંગની પણ વ્યવસ્થા ઉભી કરાશે. ટૂંકમાં જનતા હેરાન ન થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન નવ નિયુક્ત શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે સાથે પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઇ મોલીયા અને વિરેન્દ્રસિંહ ઝાલા ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ પણ ઉપસ્થિત રહ્યા હતા.
22 માસના કાર્યકાળમાં સંગઠનલક્ષી કામ કરવાનો વિશેષ આનંદ, અફસોસ કોઇ નથી: મુકેશ દોશી
શહેર ભાજપના પૂર્વ મુકેશ દોશીએ આજે ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે અધ્યક્ષ તરીકે 22 માસના મારા કાર્યકાળમાં સંગઠનલક્ષી કામગીરી કરવાનો મને સવિશેષ આનંદ છે. એકપણ વાતનો અફસોસ નથી. 13 કલાક સુધી મે સતત કામ કર્યું છે અને સંગઠનને મજબૂત બનાવવા માટે અથાગ્ પ્રયાસો કર્યા છે. જ્યારે સંગઠન પર્વનો આરંભ થયો ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મને પૂછ્યું હતું કે રાજકોટ શહેરમાં કેટલા સભ્યો નોંધાશે ત્યારે મે તેઓને પાંચ લાખ સભ્યોની નોંધણી થશે તેવું જણાવ્યું હતું. જેની સામે 5.35 લાખ સભ્યોની નોંધણી કરવામાં આવી હતી. પક્ષ દ્વારા મને ફરી પ્રમુખ પદે રિપીટ ન કરાયો તેનો મને કોઇ જ અફસોસ નથી. કારણ કે ભાજપમાં આ એક વ્યવસ્થા છે. હું નવ નિયુક્ત પ્રમુખ માધવભાઇ દવેને પૂરો સપોર્ટ કરીશ. મારા કાર્યકાળ દરમિયાન અનેક પડકારો આવ્યા છતાં મે હમેંશા સંગઠનને મજબૂત બનાવવાને જ પ્રાધાન્ય આપ્યો અને સતત કાર્યક્રમો પણ આપ્યા. તિરંગા યાત્રા, માંડી ગરબો કે વડાપ્રધાન અથવા મુખ્યમંત્રીની જાહેર સભા હોય તો તેમાં માનવ મેદની એકત્રિત કરવામાં મે ક્યારેય કચાશ રાખી નથી. 16 વર્ષ બાદ હું સંગઠનમાં સક્રિય થયો છતાં મે શહેર ભાજપના પ્રમુખ તરીકે 22 માસના મારા કાર્યકાળમાં મારાથી થતા તમામ પ્રયાસો કર્યા જેનો મને વિશેષ આનંદ છે.
પાણીની કોઇ જ સમસ્યા ઉભી નહીં થાય: દવે-દોશીની બેવડી ખાતરી
આગામી 1-એપ્રિલથી રાજકોટને મળનારા નર્મદાના નીર સતત બે મહિના સુધી બંધ થઇ જવાના છે. જેના કારણે શહેરમાં પાણીની હાડમારી ઉભી થવાના સંજોગો દેખાઇ રહ્યા છે. દરમિયાન શહેર ભાજપ પ્રમુખ માધવ દવે અને પૂર્વ પ્રમુખ મુકેશ દોશીએ આજે ‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત દરમિયાન એવી બેવડી ખાતરી આપી હતી કે રાજકોટવાસીઓ પાણી માટે ચિંતા ન કરે. નર્મદાના નીર ન મળે આવા કિસ્સામાં પાણીની કોઇ જ સમસ્યા ઉભી ન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં આ અંગે સંગઠનના હોદ્ેદારો અને કોર્પોરેશનના પદાધિકારીઓ રાજકોટના સાંસદ અને ધારાસભ્યોને સાથે રાખી પાણી પૂરવઠા મંત્રીને રજૂઆત કરશે. જરૂર જણાશે તો મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે. ટૂંકમાં શહેરમાં પાણીની કોઇ પળોજણ ભર ઉનાળે ન સર્જાય તેવા અમારા પ્રયાસો રહેશે.