Abtak Media Google News

મીડિયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં કાલે ક્વાર્ટર ફાઈનલમાં 6 ટીમો ટકરાશે

આગામી 1લી એપ્રિલે સેમી ફાઇનલ અને 8મી એપ્રિલનો ફાઇનલ રાત્રી પ્રકાશમાં રમાશે

પ્રથમ મેચમાં મીડિયા-11 હેડલાઈન સામે ટકરાશે, બીજા મેચમાં કાઠિયાવાડ પોસ્ટ અને આજકાલ, અબતક-એ અને દિવ્ય ભાસ્કર વચ્ચે મુકાબલો

રાજકોટ મીડિયા ક્લબ દ્વારા છેલ્લા 17 વર્ષથી મીડિયાના કર્મચારીઓને રોજિંદી કામગીરીમાંથી અલગ વાતાવરણ પૂરું પાડવા માટે ઇન્ટર પ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી થયું છે. જેનો આ રવિવાર સુપર સિક્સમાં પ્રવેશ થવા જઈ રહ્યો છે. ટુર્નામેન્ટમાં લીગ મેચ પૂરા કરી બંને ગૃપમાંથી ત્રણ ત્રણ ટીમે સુપર સિક્સમાં પ્રવેશ કર્યો છે.આવતીકાલે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર બપોરે અબતક અને દિવ્ય ભાસ્કર વચ્ચે ક્વાટર ફાઇનલ મુકાબલાનો જંગ જામશે. મક્કમ શરૂઆત બાદ અબતક દ્વારા છેલ્લા બે મેચમાં વિજય મેળવી સુપર સિક્સમાં પ્રવેશ કર્યો છે.

વિજયરથને જાળવવા માટે આવતીકાલે અબતક-એ સુપર સિક્સમાં દિવ્ય ભાસ્કર સાથે જુસ્સા ભેર ટકરાશે.ગત તા.15મી જાન્યુઆરીથી મીડિયા ક્રિકેટ ક્લબ દ્વારા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઇન્ટર પ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મીડિયા -11 અને રાજકોટ સીટી પોલીસ -11 વચ્ચે પ્રારંભિક મેચ રમાયો હતો. જેમાં રસાકસી બાદ રાજકોટ સિટી પોલીસનો વિજય થયો હતો. ત્યાર બાદ ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે ગ્રુપમાં નવ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં મીડિયા -11, દિવ્ય ભાસ્કર, અબતક-એ, અબતક – બી, આજકાલ, કાઠિયાવાડ પોસ્ટ, કદમ, હેડ લાઈન અને ફૂલછાબની ટીમોએ ભાગ લીધો હતો.

પ્રથમ રાઉન્ડમાં લીગ મેચમાં તમામ ટીમો દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી ગ્રુપ-એ માંથી મીડિયા -11, કાઠિયાવાડ પોસ્ટ અને અબતક-એ ટીમે સુપર સિક્સમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે ગ્રુપ-બી માંથી દિવ્ય ભાસ્કર, આજકાલ અને હેડ લાઈન સુપર સિક્સમાં પ્રવેશ કર્યો છે.

આવતી કાલે રવિવારના રોજ ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં નોક આઉટ મુકાબલા રમાશે. જેમાં સવારે પહેલો મેચ મીડિયા -11 અને હેડ લાઈન વચ્ચે રમાશે, જ્યારે બીજો મેચ કાઠિયાવાડ પોસ્ટ અને આજકાલ વચ્ચે અને ત્રીજો મેચ અબતક-એ અને દિવ્ય ભાસ્કર વચ્ચે જંગ જામશે.

મીડિયા ટુર્નામેન્ટ માટે 19મી ફેબ્રુઆરી બ્લેક સન-ડે રહ્યો

ઇન્ટર પ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં લીગ મેચ દરમિયાન 19મી ફેબ્રુઆરીના રોજ એક દુર્ઘટના બની હતી. જેમાં સવારે પહેલો મેચ અબતક બી અને હેડ લાઈન વચ્ચે રમાઇ રહ્યો હતો. જેમાં હેડ લાઈન તરફથી રમતા જીગ્નેશભાઈ ચૌહાણનું મેચ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નિપજ્યું હતું. જેની સ્મૃતિમાં ઇન્ટર પ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટને તેની શ્રદ્ધાંજલિને જીજ્ઞેશ ચૌહાણ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે રમાડવામાં આવશે.

ક્વાર્ટર ફાઇનલ મેચ

મીડિયા-11 V/S હેડ લાઈન – સવારે 8:00 વાગ્યે
કાઠિયાવાડ પોસ્ટ V/S આજકાલ – સવારે 11:00 વાગ્યે
અબતક-એ V/S દિવ્ય ભાસ્કર – બપોરે 2:00 વાગ્યે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.