Abtak Media Google News

કોહલી, હાર્દિક પંડ્યા અને ઈશાંત શર્માની ટીમમાં વાપસી : ટી નટરાજન બહાર

ઇજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલને સ્થાન મળ્યું

ઓસ્ટ્રેલિયન ટીમને ઘૂંટણિયે વાળી દીધા બાદ હવે ભારતીય ટીમનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે થનાર છે.  ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝની જીતની અમુક કલાક બાદ ઈંગ્લેન્ડ સામે રમાનાર પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે. વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને ઈશાંત શર્માની ટીમમાં વાપસી થઈ છે. નટરાજનની ટીમમાં પસંદગી થઈ નથી. ઇજાગ્રસ્ત રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલને સ્થાન મળ્યું છે.

ચેતન શર્માની અધ્યક્ષતામાં આજે મળીલી પસંદગી સમિતિની વર્ચ્યુઅલ બેઠક બાદ ટીમની જાહેરાત કરાઈ હતી. પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાશે. ઓસ્ટ્રેલિયાના ગાબામાં જીત અપાવનાર ટીમના ૯ ખેલાડીઓની આ ટીમમાં પસંદગી કરાઈ છે. મેચ દરમિયાન ઘાયલ નવદીપ સૈનીને સ્થાન મળ્યું નથી. હાર્દિક પંડ્યાની ૨૯ મહીના બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. હાર્દિકે છેલ્લી ટેસ્ટ ઓગસ્ટ ૨૦૧૮માં ઈંગ્લેન્ડમાં રમી હતી.

પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં કેપ્ટન તરીકે વિરાટ કોહલી રહેશે. ઉપરાંત ટીમમાં અજિંક્ય રહાણે, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કે.એલ. રાહુલ, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુરના નામ પર મહોર લગાવવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ જીત્યા બાદ નવોદિતો માટે તો ચોક્કસ તક સાંપડી છે પરંતુ જુના અને પીઢ ખેલાડીઓના અસ્તિત્વ પર જોખમ ઉભું થયું છે તેવું કહેવું પણ અતિશયોક્તિ નહીં ગણાય. જે રીતે ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ટેસ્ટ મેચ એકલા હાથે જીતી બતાવી છે ત્યારે ટીમ ઇન્ડિયાની પરિસ્થિતિ હાલ ’મઢુંલી નાની અને બાવા જાજા’ જેવી થઈ છે. કોને ટીમમાં રાખવા અને કોને બહારનો રસ્તો બતાવવો તે અંગે સિલેક્ટર્સ પણ મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે.

હાલ વીરેન્દ્ર સહેવાગ માફક ભારતીય ટીમને શુભમન ગિલ મળ્યો છે ઉપરાંત યુવા ખેલાડી મયંક અગ્રવાલનું પ્રદર્શન પણ દિન પ્રતિદિન નિખરી રહ્યું છે જેના કારણે ટેસ્ટ મેચ માટે ચેતેશ્વર પુજારા જોખમમાં મુકાઈ ગયો છે. રોહિત શર્મા માટે પણ હાલ જોખમ ઉભું થયું છે. કારણ કે, જે રીતે અંતિમ ટેસ્ટમાં શર્માએ જેવું પ્રદર્શન કરવાની જરૂરિયાત હતી તેનાથી બિલકુલ વિપરીત અને નબળું પ્રદર્શન રહ્યું હતું સામે શુભમ ગિલનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું. ઉપરાંત મિડલ ઓર્ડરમાં પણ હરીફાઈ ઉભી થનારી છે. હાલ સુધી ભારત પાસે મિડલ ઓર્ડરમાં ફક્ત એક હાર્દિક પંડ્યા જ હતો પરંતુ હવે મિડલ ઓર્ડરમાં મજબૂત પ્લેયર તરીકે શાર્દુલ ઠાકુર, રિષભ પંત અને વોશિંગટન સુંદર પ્રકાશમાં આવ્યા છે. વિકેટ કિપર તરીકે પણ હરીફાઈ ઉભી થાય તો નવાઈ નહીં કારણ કે, હવે કે એલ રાહુલની સાથોસાથ રિષભ પંત પણ મજબૂત વિકેટ કિપર તરીકે ઉભરી આવ્યો છે. સામે ટીમમાં બે સ્પિનરની પણ જરૂરિયાત હોય છે ત્યારે બેટ્સમેનોને પ્રાધાન્ય આપવું કે બોલરોને તે અંગે પણ મૂંઝવણ ઉભી થઈ શકે છે.

ગરૂદ્વારામાં રહેતો બાળક આજે શ્રેષ્ઠ ખેલાડી બન્યો

બ્રિસબેન ટેસ્ટની બીજી ઈનિંગમાં નંબર ૫ પર બેટિંગ માટે ઉતરેલા રૂષભ પંતે શુભમન ગિલ જેવા જ તેવર દેખાડ્યા અને આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. જેનાથી ભારત આ મેચને જીતવામાં સફળ રહ્યું. રૂષભ પંતે અણનમ રહિને ૮૯ રનની શાનદાર ઈનિંગ રમી અને પોતાના દમ પર ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. રિષભ પંત દેશની શ્રેષ્ઠ એન્જીનીયરીંગ કોલેજ આઇઆઈટીનો વિદ્યાર્થી છે.  ૧૨ વર્ષની ઉંમરે પંત તેની માતા સાથે દિલ્લી આવી ગયો હતો અને ત્યાં રહેવાની વ્યવસ્થા નહીં હોવાથી તેઓ ગુરુદ્વારા ખાતે રહતા હતા. ગુરુદ્વારા ખાતે રહીને આ ખેલાડી આગળ વધ્યો છે.

નવોદિતોનું પ્રદર્શન જોઈ  પોન્ટિંગ આશ્ર્વચર્યચકિત

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું હતું કે, નવોદિતોએ કંઈ રીતે બાજી મારી લીધી તે વાત ખૂબ આશ્ચર્ય પમાડે તેવી છે. ભારતીય ટીમના ૯થી વધુ પ્લેયર્સ ઇજાગ્રસ્ત હોવા છતાં યુવાન ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયાના પીઢ ખેલાડીઓને ઘૂંટણિયે વાળી દીધા તે બાબત પણ અચંબો પમાડે છે. પોન્ટીન્ગે કહ્યું હતું કે, પ્રથમ ટેસ્ટમાં આખી ટીમ ફક્ત ૩૬ રનમાં ઓલ આઉટ થઈ ગઈ ત્યારે કલ્પના પણ ન હતી કે આ સિરીઝનો અંત આ પ્રકારનો આવશે. સૌ કોઈ ઓસ્ટ્રેલિયાની જિતની આશા રાખીને બેઠા હતા ત્યારે નવોદિતોએ બાજી મારી લીધી તે બાબત તો ખૂબ જ આશ્ચર્યજનક છે.

Huj

ગુરૂએ આપેલા નામને આજે રોશન કરવા સુંદર તૈયાર

નાની ઉંમરમાં આર્થિક ખેંચતાણનો અનુભવ લરી ચુકેલો ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે પોતાના ડેબ્યૂ મેચમાં તે કમાલ દેખાડી જે ભાગ્યે જ જોવા મળે છે. ટીમને જ્યારે રનની સૌથી વધુ જરૂર હતી ત્યારે વોશિંગ્ટને પોતાની ઉત્કૃષ્ટ ફટકાબાજીનું શાનદાર ઉદાહરણ પુરું પાડ્યું હતું. આ મેચમાં સુંદરે ૬૨ રન બનાવ્યા અને કુલ ૪ વિકેટ પણ લીધી. જેમાં સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા દિગ્ગજ બેટ્સમેનની વિકેટ પણ સામેલ હતી. વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે મળીને સાતમી વિકેટ માટે ૧૨૩ રનની પાર્ટનરશિપ કરી અને ભારતને પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના સ્કોરની નજીક પહોંચાડી દિધો. સુંદરે બીજી ઈનિંગમાં પણ જરૂરી ૨૨ રન બનાવ્યા. તેણે તેના શરૂઆતી જીવનમાં જ ખૂબ નાણાકીય ખેંચતાણ અનુભવી હતી. તેના ગુરુ પી.ડી. વોશિંગટને તેને વોશિંગટન સુંદર નામ આપ્યું હતું.

રીક્ષાચલાકનો પુત્ર ભારતના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરો પૈકી એક

એક સામાન્ય રીક્ષા ડ્રાઇવરનો પુત્ર આજે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમી રહ્યો છે તે બાબત ગળે ઉતરે તેવી નથી પરંતુ હા આ બાબત સાચી છે. ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર મોહંમદ સીરાજના પિતા એક સામાન્ય રીક્ષા ચાલક છે. સીરાજના પિતાએ રીક્ષા ચલાવીને પુત્રને તમામ ટ્રેનિંગ અપાવી હતી.  ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે બ્રિસબેન ટેસ્ટની બીજી ઈનિંગમાં પહેલી વખત ૫ વિકેટ ઝડપી. બ્રિસબેન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગમાં સિરાજે ૭૩ રન આપીને ૫ વિકેટ લીધી હતી. આ સાથે જ તે ગાબાના મેદાન પર એક ઈનિંગમાં ૫ કે તેથી વધુ વિકેટ લેનાર ભારત બોલર્સના લિસ્ટમાં સામેલ થઈ ગયો. આ રીતે સિરાજે ઓસ્ટ્રેલિયાને બીજી ઈનિંગમાં રોકી રાખ્યા અને મોટો સ્કોર ન કરવા દિધો. મોહમ્મદ સિરાજ પાસે ગતિ, લય છે જેના કારણે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનના નાકે દમ આવી ગયો હતો

૧૩ વર્ષની ઉંમરે ૬ બોલમાં ૬ છગ્ગા મારી શાર્દુલે કૌશલ્ય પ્રદર્શન કર્યું હતું

૧૩ વર્ષની ઉંમરે શાર્દુલ ઠાકુરે બોરીવલી ખાતે સ્કુલ ટુર્નામેન્ટમાં છ બોલમાં છ સિક્સ મારી હતી. બ્રિસબેન ટેસ્ટમાં શાર્દુલ ઠાકુર અસલી હીરો બનીને સામે આવ્યો. આ મેચમાં શાર્દુલ ઠાકુરે કુલ ૭ વિકેટ લીધી અને બેટિંગની સાથે ૬૭ રન પણ બનાવ્યા. આ ઉપરાંત શાર્દુલે બે શાનદાર કેચ પણ પકડ્યા. પહેલી ઈનિંગમાં બેટિંગ કરતા શાર્દુલે ત્યારે મોરચો સંભાળ્યો જ્યારે ૧૮૬ ના સ્કોર પર ભારતની ૬ વિકેટ પડી હતી. તે સમયે ઓસ્ટ્રેલિયાના સ્કોરથી ભારત ૧૮૩ રન પાછળ હતું. શાર્દુલે જો ૬૭ રન ન બનાવ્યા હોત તો ઓસ્ટ્રેલિયાની વધુ લીડ મળત અને ભારતને હારનો સામનો કરવો પડ્યો હોત.

મજૂરી કામે જતા પિતાના પુત્રે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ઘૂંટણિયે વાળી દીધા

ટી. નટરાજનના પિતા એક સામાન્ય મજૂર છે. તેમણે દરરોજ મજૂરી મળતી તેમાંથી તેમને પુત્રનસ બધી ટ્રેનિંગ પુટી પાડી હતી. તમિલનાડુના એક નાના ગામમાંથી આજે આ ખેલાડી પ્રકાશમાં આવ્યો છે. ભારતના ફાસ્ટ બોલર ટી. નટરાજન માટે ઓસ્ટ્રેલિયાની ટૂર લકી સાબિત થઈ છે. વનડે અને ટી-૨૦માં ડેબ્યૂ પછી તેને ટેસ્ટ રમવાની પણ તક મળી. બ્રિસબેન ટેસ્ટમાં ડેબ્યૂ કરતા નટરાજને પહેલી ઈનિંગમાં ૩ વિકેટ લીધી અને પોતાની ઘાતક બોલિંગથી તમામનું દિલ જીતી લીધું. નટરાજનની પાસે સટીક યોર્કર અને જોરદાર બાઉન્સર્સ છે, જેનાથી તેને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનને હેરાન કરવામાં કોઈ જ કસર બાકી રાખી ન હતી. આ મેચમાં નટરાજનની બોલિંગ પણ ભારત માટે મહત્વની સાબિત રહી.

ખેડૂત પરિવારમાં જન્મેલો ગિલ વિશ્ર્વ ફલકે છવાઈ જવા તત્પર

પંજાબના સામાન્ય કૃષિ પરિવારમાં જન્મેલા યુવા બેટ્સમેન શુભમન ગિલે પોતાની બેટિંગથી તમામનું દિલ જીતી લીધું છે. શુભમન ગિલે બ્રિસબેન ટેસ્ટની ચોથી ઈનિંગમાં ઓપનિંગ કર્યું, જે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં શાનદાર ૯૧ રન બનાવ્યા. શુભમન ગિલની ઈનિંગમાં ૮ ચોગ્ગા અને ૨ છગ્ગા સામેલ હતા. ગિલે પુજારાની સાથે મળીને ૧૧૪ રનની પાર્ટનરશિપ કરી. શુભમન ગિલે આ ઈનિંગ રમીને જણાવ્યું કે તે આવનારા સમયમાં ભારતનો સુપર સ્ટાર ખેલાડી બની શકે છે. શુભમન ગિલના દાદાએ તેના માટે ખેતરમાં પિચ બનાવી હતી જેના પર અભ્યાસ કરીને આજે ગિલ વિશ્વ ફલકે પહોંચવા તતપર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.