મહામંડલેશ્વર પ.પૂ. ભારતીબાપુને ભારતી આશ્રમમાં સમાધિ અપાઈ

0
93

પૂ.ભારતી બાપુએ 27 વર્ષની વયે બ્રહ્મચારી દિક્ષા લીધી હતી 

જૂનાગઢ શહેરના વિકાસ કામો, ભવનાથ તળેટીમાં આયોજિત ઉત્સવોમાં ભારતીબાપુનું સ્થાન અગ્રેસર રહેતું 

 

જુનાગઢ ભવનાથના 1008 મહામંડલેશ્વર ભારતીબાપુ નાદુરસ્ત તબિયત હોવાને કારણે 93 વર્ષની વયે શનિવારે મોડી રાત્રે અમદાવાદ ખાતે બ્રહ્મલીન થતા મહામંડલેશ્વર ભારતીબાપુને ગઈકાલે જૂનાગઢ ખાતે લાવવામાં આવેલ અને તેમની પ્રિય ભૂમિ ભવનાથ સ્થિત ભારતી આશ્રમ ખાતે તેમના ગુરુની સમાધિ પાસે સમાધિ આપવામાં આવી હતી, ત્યારે ભાવવાહી કરૂણ દૃશ્યો સર્જાયાં હતાં.

સમગ્ર ભારતના સાધુ સમાજમાં ભારતિબાપુનુ નામ ખૂબ જ આદરથી લેવામાં આવતું હતું. ભવનાથ સહિત સમગ્ર ભારત વર્ષના તમામ સાધુ સમાજના અખાડામાં તેઓ પૂજનીય સંત તરીકે મનાતા હતા. સાથોસાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી, કેન્દ્ર અને રાજ્યના ઉચ્ચ અધિકારી સહિત અનેક રાજકીય નેતાઓ સાથે નિકટનો સંબંધ ધરાવતા હતા.

તા. 1-4-1930 ના રોજ ભારતી બાપુનો જન્મ અમદાવાદ જિલ્લાના અરણેજ ગામમાં  પંચાલ જ્ઞાતિમાં થયો હતો. તેમના માતાનું નામ મણિબા અને પિતાનું નામ હરિભાઈ હતું. ભારતી બાપુએ 17 વર્ષની ઉમર સુધી અરણેજ ગામમાં જ અભ્યાસ કર્યો હતો. દરમિયાન એક વર્ષમાં તેમના પૂર્વાશ્રમના 13 માણસો બ્રહ્મલિન થયાં હતા. જેને લીધે તેમને સંસારની અસારતાનો અને બંધી વેદનાનો અનુભવ થયાં બાદ વનથળ નિવાસી પૂજ્ય બ્રહ્મચારી લાલજી મહારાજ અરણેજ મૂકામે પધાર્યા હતા અને તેમના સહવાસમાં આવ્યા બાદ વિરમગામ તાલુકાના વનથળમાં આવેલાં આનંદ આશ્રમમાં 10 વર્ષ તેમની પાસે રહી ભારતી બાપુએ માત્ર 27 વર્ષની વયે બ્રહ્મચારી દીક્ષા લીધી હતી.

સને 1965 ના અલ્હાબાદના કુંભ મેળામાં તેમના ગુરુદેવ શ્રીમદ સૂર્યપ્રકાશ ભારતીજી મહારાજે 14મી જાન્યુઆરીએ ભારતિબાપુને સ્નાન કરાવ્યું હતું, અને સંન્યાસની દીક્ષા આપી હતી. ત્યારથી તેમનું નવું નામ વિશ્વંભર ભારતીજી રાખવામાં આવ્યું હતુ. ત્યારબાદ 21 મે 1971ના રોજ અમદાવાદ ખાતે ભારતી આશ્રમની સ્થાપના કરી હતી, ભારતી બાપુને 1992માં મહામંડલેશ્વર બનાવવામાં આવ્યાં હતાં. ભારતી બાપુ શ્રીમદ દશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રિય અધ્યક્ષ અને મહામંડલેશ્વર હતા. ભારતી બાપુ લોકસાહિત્ય અને સંગીત પ્રેમી હતા.         ભવનાથ તળેટીમાં તા. 17-02-1995 ના મહાશિવરાત્રીના દિવસે મોરારીબાપુના હસ્તે ભારતી આશ્રમ નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી, ચાર વર્ષના ટુંકાગાળામાં ભવનાથ તળેટીમાં શ્રી ભારતી આશ્રમનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું જ્યાં અતિથિગૃહ, ભોજનાલય, ગૌશાળા, સત્સંગ હોલ, સાધના કુટીર સહીતનું નિર્માણ કાર્ય કરીને સેવાયજ્ઞ શરૂ કરાયો છે.

સને 1993માં દરેક સાધુ સંતોએ ઠરાવ કરી નક્કી કર્યું કે ભારતી બાપુની ભવનાથના શિવરાત્રિની શોભાયાત્રામાં પાલખી યાત્રા કાઢવામાં આવશે. ત્યારથી ભારતી બાપુની જૂનાગઢમાં રવેડી યાત્રામાં પાલખી કાઢવામાં આવતી હતી.

ભજન અને ભોજનના સુત્ર સાથે હંમેશા તત્પર રહેતા ભારતીબાપુ માત્ર સાધુ સંતો અને લોકોના પ્રાણ પ્રશ્નો, સેવાકાર્ય કે કોઈ આપત્તિના સમયે સેવા કાર્યનું બીડુ ઝડપી લેતાં અને નિસ્વાર્થ ભાવે સેવાકાર્યમાં લાગી જતાં. જૂનાગઢ શહેરના વિકાસના કામો તથા ભવનાથ તળેટીમાં આયોજન થનારા ઉત્સવો હોય ભારતી બાપુનું સ્થાન અગ્રેસર રહેતું. તંત્ર તથા રાજકીય પક્ષોના નેતાઓ અને સામાજીક આગેવાનો પણ ભારતી બાપુ સાથે ચર્ચા વિચારણા કરતાં અને તે પ્રમાણે ઉત્સવો ઉજવાતા હતા.

ભારતી બાપુ હમેશા લોકોને સંદેશ આપતા હતો કે, સમાજમાં વ્યસનો ખૂબ છે, તમે વ્યસનોથી દુર રહો, શરાબ અને ખોટી ફેશનથી દૂર થઈ, દુર રહેવામાં ભલાઇ છે. કુરિવાજો, ભ્રૃણ હત્યા, ગૌ હત્યાનું, સમાજમાં બેટી બચાવો આંદોલન પણ ના થાય અને દીકરીને દીકરાની સમોવડી ગણવામાં આવે. તેવી મારી વિનંતી છે. ત્યારે જ સમાજનો સર્વાંગી વિકાસ થશે. આજે અમદાવાદ ખાતેથી બ્રહ્મલીન થયેલ ભારતિબાપુના નશ્વર દેહને જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યો હતો, અને સાધુ, સંતો, મહંતો તથા શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ વચ્ચે ભારતી આશ્રમમાં ભારતિબાપૂને સમાધિ આપવામાં આવી હતી ત્યારે ભાવવાહી કરૂણ દૃશ્યો સર્જાયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here