Abtak Media Google News

પ્રદેશ ચૂંટણી ઇન્ચાર્જને પણ બોલાવાયા: ભાજપ કાર્યાલય ખાતે બપોરે ચૂંટણીલક્ષી બેઠક, ઉમેદવારોની પસંદગી અંગે સમીકરણોની ચર્ચા કરાશે

આગામી એક પખવાડિયામાં રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તારીખોની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.રાજ્યભરમાં ફરી કેસરિયો  લહેરાઈ તે માટે સત્તાધારી પાર્ટી ભાજપે જોરશોરથી ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. તમામ શહેર તથા મહાનગરોથી લઈ તાલુકા પંચાયત સુધી પેજ પ્રમુખો અને સમિતિની વરણીમાં આવી રહી છે. પ્રદેશ ભાજપ દ્વારા પણ તમામ જિલ્લા માટે ચૂંટણી ઇન્ચાર્જ નિમણુક પણ કરી દેવામાં આવી છે. હવે ઉમેદવારોની પસંદગી માટે અનામત તથા જ્ઞાતિ-જાતિના સમિકરણોના આધારે ચોગઠા ગોઠવવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. દરમિયાન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આજે રાજ્યભરના મહાનગર અને જિલ્લા ભાજપ પ્રમુખ,ચૂંટણી ઇન્ચાર્જ તથા પ્રદેશ દ્વારા નિયુક્ત કરાયેલા પ્રદેશ ચૂંટણી ઈન્ચાર્જ સાથે બપોરે એક બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મહિનાઓ પૂર્વે જ તૈયારીઓ આરંભી દીધી છે. ચૂંટણી ત્રણ મહિના પાછી ઠેલાતા તૈયારી માટેનો વધુ સમય મળ્યો હોવાનું ભાજપના નેતાઓ જણાવી રહ્યા છે. દરમિયાન આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજ્યભરના તમામ મહાનગરોના પ્રમુખ તથા ચૂંટણી ઇન્ચાર્જ તમામ જિલ્લાના પ્રમુખ તથા ચૂંટણી ઇન્ચાર્જ આ ઉપરાંત પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા ચૂંટણી ઇન્ચાર્જ સાથે કમલમ ખાતે એક ચૂંટણીલક્ષી બેઠક બોલાવવામાં આવી છે.જેમાં ભાગ લેવા માટે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ નીતિનભાઈ ભારદ્વાજ, જામનગર જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ ધનસુખભાઇ ભંડેરી, જૂનાગઢ જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જ રમેશભાઈ રૂપાપરા અને શહેર ભાજપ દ્વારા શહેરના ૧૮ વોર્ડ માટે નિયુક્ત કરાયેલા ચૂંટણી ઇન્ચાર્જ જીતુભાઈ કોઠારી,દેવાંગ માકડ અને કિશોરભાઈ રાઠોડ આજે ગાંધીનગર ગયા છે. બપોરે તેઓ પ્રદેશ ભાજપ દ્વારા બોલાવવામાં આવેલી ચૂંટણીલક્ષી બેઠકમાં હાજરી આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકાની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ શહેર ભાજપે લગભગ પૂર્ણ કરી દીધી છે હવે ઉમેદવારોની પસંદગી ની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે.

ચૂંટણીપંચ દ્વારા ૧૮ વોર્ડની ૭૨ બેઠકો માટે અનામત  જાહેર કર્યા બાદ હવે અનામત મુજબ જ્ઞાતિ-જાતિના સમિકરણોના ચોગઠા ગોઠવી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. મહાપાલિકાની ગત ટર્મમાં ભાજપના ૪૦ કોર્પોરેટરો હતા. અનામતમાં જબરા ફેરફાર આવવાના કારણે એક ડઝનથી પણ વધુ ગત ટર્મમાં ચુંટાયેલા કોર્પોરેટરોએ પર ટિકિટ આપવાનું જોખમ ઝળુંબી રહ્યું છે. ઉમેદવારોની પસંદગી મામલે આગામી દિવસો પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવશે અને ત્યારબાદ ચુટણી માટે  ઉમેદવારી ફોર્મ ભરવાના બે ચાર દિવસ પહેલા ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. ક્યાં પૂર્વ કોર્પોરેટરને હવે ટિકિટ નહીં મળે કે કોને વોર્ડ ફેરવવો પડશે તે સમીકરણોના ચોકઠા ગોઠવાયા બાદ ખબર પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.