Abtak Media Google News

જૂનાગઢ નજીક આવેલા પવિત્ર ગરવા ગિરનાર એટલે તેત્રીસ કરોડ દેવતાનો જયાં વાસ થાય છે અને સિદ્ધ પુરુષો, સંતો, ઓલીયાઓ જ્યાં બિરાજે છે અને જગત જનની માં અંબાજીના બેસણા છે તેમજ ભગવાન ગુરુદત્તની જ્યાં પવિત્ર ભૂમિ આવેલી છે તેવા ગિરનાર ક્ષેત્રમાં આવતીકાલે મંગળવારે દત્ત જયંતિના પવિત્ર પ્રસંગે માં અંબાજીની મહાપૂજા અને દત્ત યજ્ઞના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.પવિત્ર યાત્રાધામ ગિરનાર પર્વત ઉપર બિરાજમાન અંબાજી શક્તિપીઠ ખાતે આવતીકાલે મંગળવાર તા. ૨૯/૧૨/૨૦ ના રોજ માગશર સુદ પૂર્ણિમા દિવસે દત્ત જયંતિની ઉજવણીના પવિત્ર પ્રસંગે માં અંબાજી ની મહાપૂજા તથા જીર્ણોદ્વાર કરવામાં આવેલી નૂતન યજ્ઞશાળામાં દત્ત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.આ અંગે વિગત આપતા મહંત મોટાપીર બાવા તનસુખગીરી મહારાજ અને મહંત નાના પીર બાવા ગણપતગીરી મહારાજ જણાવે છે કે, આ ધાર્મિક અનુષ્ઠાનનો પ્રસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ સ્વરૂપે મોકલવામાં આવશે આ ધાર્મિક સમારંભમાં ઉપસ્થિત રહેનાર તમામ શ્રદ્ધાળુઓને  કોવિડ ૧૯ ના નિયમ મુજબ ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે. આ સમારંભ સવારે ૯:૩૦ થી બપોરના ૧૨:૩૦ દરમિયાન અંબાજી મંદિર ગિરનાર જૂનાગઢ ખાતે યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.