મહારાષ્ટ્ર: વિકલાંગ અને વયોવૃદ્ધોને ઘરેબેઠા રસી આપવા હાઇકોર્ટના દ્વાર ખખડાવતા વકીલો!!

વેક્સિન કેન્દ્ર પર જવા અસમર્થ લોકોને ઘરે બેઠા રસી આપવા એડવોકેટ ધ્રુતી કાપડિયા અને કૃણાલ તિવારી મેદાને 

દેશમાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને બોમ્બે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે.  જેમાં કેન્દ્ર, મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ને કોવિડ-19 રસીની ઉપલબ્ધતા 75 વર્ષની ઉંમરે અને પથારીમાંથી બહાર નીકળવામાં અસમર્થ અથવા વિકલાંગોને ઘરે બેઠા વેકસીન આપવા માટે વિનંતી કરવામાં આવી છે.

શુક્રવારે એડવોકેટ ધૃતી કાપડિયા અને કૃણાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, આવા લોકો રસીકરણ કેન્દ્રોમાં જઈ શકતા અસક્ષમ  હોવાથી તેમના માટે વૈકલ્પિક કરવી જરૂરી છે. અરજીમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકારે ડોર-ટુ-ડોર રસીકરણ શરૂ કરવાની જરૂર છે. જેથી વૃદ્ધ નાગરિકો અને ખાસ કરીને અપંગ (શારીરિક અને માનસિક રીતે) નાગરિકો ઘરે બેઠા જ રસી મેળવી શકે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ડોર ટુ ડોર ઇમ્યુનાઇઝેશન સુવિધા આપવા માટે અધિકારીઓ લગભગ 500 રૂપિયા ફી નક્કી કરી શકે છે.  અરજદારોએ બીએમસી દ્વારા રાજ્ય સરકારને લખેલા એક પત્રને ટાંકીને લાભાર્થીઓની સંખ્યા વધારવા માટે મુંબઇમાં રસીકરણ અભિયાનને ઘરે ઘરે લઈ જવાની પરવાનગી મંગાઈ હતી.  જો કે, આ વિનંતીને તે ધોરણે નકારી કાઢવામાં આવી હતી. અરજી ફગાવતા કહેવામાં આવ્યું હતું કે, કોવિડ-19 માટે ડોર-ટુ-ડોર રસીકરણ માટે આવી કોઈ નીતિ નથી.  હાલ જે અરજી દાખલ કરવામાં આવી છે તે મુદ્દે મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠ આ અરજીની સુનાવણી આવતા સપ્તાહમાં કરી શકે છે.

આ વર્ષે માર્ચમાં મુંબઇમાં કોવિડ-19ના કુલ 88,710કેસ નોંધાયા છે.  તે જ સમયે, શહેરમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં 18,359 કેસ નોંધાયા હતા, જાન્યુઆરીમાં આ આંકડો 16,328 હતો.  આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, માર્ચમાં કોરોના ચેપને કારણે 216 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ફેબ્રુઆરીમાં 119 લોકોનાં મોત થયાં હતાં.  આ વર્ષે માર્ચ મહિનામાં સમગ્ર રાજ્યમાં કોવિડ-19 ના કુલ 6,51,513 કેસ નોંધાયા છે. જે ચિંતાનો વિષય છે. હાલ આ મુદ્દે રાજ્યની ઉદ્ધવ સરકાર પણ ચિંતીત છે.

રાજ્યની ઉદ્ધવ સરકાર વધતા જતા કોરોના કેસને કારણે મૂંઝવણ અનુભવી રહી છે. અગાઉ જ રીતે મહારાષ્ટ્રમાં લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. તેના કારણે મહારાષ્ટ્રની પ્રજાથી માંડીને સરકારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આર્થિક, સામાજિક અને રાજકીય ધોરણે પણ સરકારને ખૂબ મોટી ખોટ પડી હતી. મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેનો બંધ કરાતાં પ્રજામાં પણ ક્યાંક રોષનો માહોલ જોવા મળી રહ્યો હતો. અગાઉ કોરોના સંક્રમણ

ઘટતા બે મહિના પૂર્વે જ લોકલ ટ્રેનો શરૂ કરી ફરીવાર દેશની આર્થિક નગરી મુંબઈને ધમધમતી કરવામાં આવી હતી પરંતુ ફરી એકવાર કોરોના સંક્રમણ ખૂબ ઝડપે વધી રહ્યું છે. દિન-પ્રતિદિન કોરોનાનો કહેર મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે તેવા સમયે ફરી એકવાર લોકડાઉન કરવું કે કેમ ? તે અંગે ઉદ્ધવ સરકાર મૂંઝવણ અનુભવી રહી છે. હાલ ઉદ્ધવ સરકારની પરિસ્થિતિ ’ન કહેવાય ન રહેવાય’ જેવી બની છે. જો લોકડાઉન ન કરે તો સંક્રમણ ખૂબ ઝડપે વધી જવાની દહેશત છે, બીજી બાજુ જો લોકડાઉન કરે તો લોકોમાં રોષ ભભુકી ઉઠવાની શકયતા છે. જો પ્રજામાં રોષ વ્યાપે તો શિવસેના અને એનસીપીનું ગઠબંધન તૂટે તો ભાજપ ખેલ પાડી મહારાષ્ટ્રમાં એનસીપી સાથે ગઠબંધન કરીને ભાજપ સરકાર બનાવી શકે છે. ત્યારે ઉદ્ધવ સરકાર પાણી પૂર્વે પાળ બાંધી નટચાલની ભૂમિકામાં આવી છે.