Abtak Media Google News

આપણે સૌ જાણીએ છીએ તેમજ સ્વીકારીએપણ છીએ કે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવ, જેની પૂજા વૈદિક સમયથી જ્યોતિર્લિંગ સ્વરૂપે કરવામાં આવે છે, તે શ્રી રામ-શ્રી કૃષ્ણના, બ્રહ્માવિષ્ણુ-શંકર જેવા ત્રિદેવના, દેવોના ગુરુ બૃહપતિ તેમજ દૈત્યોના ગુરુ શુક્રાચાર્યના, રાવણ જેવા રાક્ષસના તેમજ સર્વ ધર્મસ્થાપકોના હમેશાં આરાધ્ય રહ્યા છે. સર્વ મનુષ્ય આત્માઓના પરમપિતા પરમાત્મા શિવને દેહાતિત, અજન્મા, અકર્તા, અભોક્તા અને અવ્યક્ત સ્વરૂપે સ્વીકાર કરવામાં આવ્યાં છે.એટલે જ તેમનું  કોઈ દૈહિક સ્વરૂપ નથી. તેથી કરીને જ્યોતિના પ્રતિકસમાન લિંગ ની સ્થાપના કરી તેમની  પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મહાજયોતિ સ્વરૂપ શિવ પરમાત્માના અવતરણના સંધર્ભમાં ઉજવાતી શિવજયંતીને મહાશિવરાત્રી રૂપે મનાવવામાં આવે છે.

શિવરાત્રિમાં રાત્રિ શબ્દ ખુબજ સૂચક છે. અર્થાત શિવ અવતરણને રાત્રિ સાથે કોઈ સંબંધ છે. આ રાત્રિ  તે કઈ રાત્રિ?આ સમજવા આપણે પૃથ્વી ધરા પર ભજવાઈ રહેલા અનાદિ, અવિનાશી વિશ્વ નાટકના ચક્રને સમજવું પડશે. આ ચક્ર બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત્રિ  એમ બે ભાગમાં વહેચાયેલું છે. બ્રહ્માના દિવસના બે ભાગ એટલે સતયુગ અને ત્રેતાયુગ અને બ્રહ્માની રાતના બે ભાગ એટલે દ્વાપરયુગ અને કળયુગ. એમ ચાર યુગનું  સૃષ્ટિચક્ર અનાદિ સમયથી ચાલતું આવ્યુંછે અને અનંત સુધી ચાલતું રહેશે.

આ ચક્રમાં બ્રહ્માનો દિવસ અર્થાત સતયુગ,ત્રેતાયુગ તે જ્ઞાનરૂપી પ્રકાશ અથવા ઉજાસ નું પ્રતિક છે તેમજ બ્રહ્માની રાત્રિ અર્થાત દ્વાપરયુગ, કળયુગ તે અજ્ઞાન રૂપી અંધકારનું પ્રતિક છે. તેમાં પણ કળયુગનો અંતિમ સમય એટલે ઘોર અંધકારનો સમય અતિ ધર્મગ્લાનિનો સમય.આ સમયે સમગ્ર વિશ્વમાં દુ:ખ, અશાંતિ, ભય, ચિંતા, હિંસા,પાપચાર દુરાચાર ભ્રષ્ટાચાર વ્યાપેલો હોય છે.

આવા સમયે સ્વયં શિવ પરમાત્મા,ગીતામાં પોતે આપેલા વચન અનુસાર, સૃષ્ટિ પરીવર્તન અર્થે દિવ્ય અવતરણ કરે છે અને કળયુગી દુનીયાનો વિનાશ કરાવી નવી સતયુગી દુનિયાની સ્થાપના કરે છે. અજ્ઞાન રૂપી ઘોર અંધકાર ના સમયે પરમાત્મા શિવનું બ્રહ્મા તનમાં અવતરણ થતું હોવાથી શિવરાત્રિ કહેવાય છે.

શિવ પરમાત્માના પ્રતિકસમ શિવલિંગ પર ચંદનથી કરવામાં આવતી ત્રણ આડી રેખાઓ, જે ત્રિપુંડ કહેવાય છે, તેનું પણ રહસ્ય છે. સૃષ્ટિચક્રના કળયુગના અંતિમ સમયે અવતરિત થઈ પરમાત્મા શિવ ત્રણ દેવતા દ્વારા ત્રણ કર્તવ્યો કરે છે. શંકર દ્વારા કળયુગી તમોપ્રધાન સૃષ્ટિનો વિનાશ,બ્રહ્મા દ્વારા નુતન સતયુગી દુનિયાની સ્થાપના તેમજ વિષ્ણુ દ્વારા નવી સતયુગી દુનિયની પાલના. ત્રિપુંડ એ પરમાત્મા શિવ દ્વારા ત્રણ દેવતાઓના માધ્યમ દ્વારા કરવામાં આવતા આ ત્રણ કર્તવ્યોની પ્રતિકાત્મક યાદગાર છે.

શિવનું  અર્ચન-પૂજન ત્રણ પાનવાળા બિલીપત્રો ચઢાવી કરવામાં આવે છે. આ પણ પ્રતિકાત્મક તેમજ સાંકેતિક છે. વાસ્તવમાં જે વ્યક્તિ તનમનધનથી શિવ પરમાત્માને સમર્પિત થાય છે તેના પર શિવજી પ્રસન્ન થાય છે. જો આ ભાવનાથી બિલીપત્ર ચઢાવમાં આવે તો શિવ પરમાત્માના વધુ કૃપાપાત્ર બનીશું.

શિવલિંગ ઉપર જળાધારીમાંથી વહેતી  જળધારા એ બ્રહ્મા મુખ દ્વારા પરમાત્મા શિવે વહાવેલી જ્ઞાનધારાનું પ્રતિક છે. આ જ્ઞાનબિંદુઓનાં સ્મરણ દ્વારા શિવ પરમાત્માનું મહિમાગાનકરવાનું રહસ્ય છુપાએલું છે. દૂધ દ્વારા સ્નાન કરાવવાનો અર્થ સ્વચ્છ તેમજ પવિત્ર મન દ્વારા શિવને સમર્પિત થવાનો સંકેત છે.મહાશિવરાત્રિના ઉપરોક્ત રહસ્યોને સમજીને પર્વની ઉજવણી કરીશું તો વધુ સાર્થક તેમજ લાભદાયક રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.