Abtak Media Google News

આજે મહાત્મા ગાંધીજીની ૭૧મી પૂણ્યતિથી છે. એમના જન્મનું ૧૫૦મું વર્ષ ચાલી રહ્યું છે. અનેક રીતે એમને અંજલી અપાઇ રહી છે. બાપુના અનુયાયી, અનુગામી દેશમાં તો લાખો હતા. પરદેશમાં પણ એ સંખ્યા સારી હતી. દિનબંધુ એન્ડ્રુઝનું નામ એમાં જાણીતું છે. પણ એક વ્યક્તિ મીરાંબહેન એ તો બાપુના જીવન અને કાર્યનો અગત્યનો હિસ્સો છે. મીરાંબહેનનું સમર્પણ,સ્નેહ જોઇને કોઇ પણ એમ કહી શકે કે એ બાબત સરહદથી પાર અને પર છે.

મીરાંબહેનનું મૂળ નામ તો મેડેલીન સ્લેડ હતું. એમના પિતા એડમન્ડ સ્લેડ બ્રિટીશ રોયલ આર્મીના ઉચ્ચ અધિકારી હતા. મેડેલીનનું બાળપણ એ રીતે એ વાતાવરણમાં, શિસ્તમાં વિત્યું હતું. પશ્ચિમી ઢબનું એમનું જીવન હતું. સંગીતનો એમને શોખ. વિખ્યાત સંગીતકાર બિથોવનનું  સંગીત સાભળતાં. અને એમાંથી એમને એ સંગીતકાર વિશે જાણવાનું મન થયું. બિથોવનનું જીવન લખનાર ફ્રેન્ચ નવલકથાકાર રોમાં રોલા પાસે એ ગયા. રોમારોલાએ એમને વધુ આંતરિક સમૃધ્ધિ માટે પ્રવાસ ખેડવાની સલાહ આપી અને વાત વાતમાં પૂછ્યું કે ભારત વિશે કંઇ જાણે છે, મહાત્મા ગાંધી વિશે કંઇ ખબર છે.

મેડેલીને કહ્યું હું નાની હતી ત્યારે મારા પિતાની નોકરી ભારતમાં થઇ હતી પણ એ વસવાટ મને જરાય ગમ્યો નહોતો.

ભારતમાં રહેવું નહોતું ગમ્યું અને ગાંધીજી વિશે તો મને કંઇ ખબર નથી. કોણ છે એ, અને રોમાં રોલાંએ કહ્યું એ તો બીજા જીસસ ક્રાઇસ્ટ છે. આ શબ્દોની મેડેલીનના મન પર ઘેરી અસર પડી. ગાંધીજી વિશે એમણે જાણ્યું. સત્ય ,અહિંસા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે બાબતે ગાંધીજી જે કામ કરતા હતા એમાં એમને રસ પડ્યો. એમણે ઇંગ્લેન્ડથી બાપુને પત્ર લખ્યો અને ભારત આવવા માટે પરવાનગી માંગી.

પોતાના ઘરે રહી એમણે બાપુના માર્ગે ચાલવા-રહેવાની પ્રેક્ટિસ કરી. જમીન પર ઊંઘવું, ઉર્દૂ શીખવું, કાંતતા શીખવું એ બધું એમણે એક વર્ષ સુધી ઇંગ્લેન્ડમાં,પેરિસમાં કર્યું. અને ૧૯૨૫ના નવેમ્બર માસમાં એ ભારતમાં આવ્યા. સાબરમતિ આશ્રમમાં રહ્યા. આશ્રમની પ્રાર્થનામાં પણ જોડાય, સંડાસ પણ સાફ કરે, રસોઇ પણ બનાવે. બાપુના આંદોલનોમાં જોડાય. ગાંધીજીની આત્મકથાનું અંગ્રેજી ભાષાંતર મહાદેવ દેસાઇએ કર્યું એની કોપી ચકાસવાનું કામ પણ મીરાંબહેન કરતાં. એમનું સમર્પણ જોયા પછી ગાંધીજીએ એમને મીરાં નામ આપ્યું.

દાંડીકુચ વખતે મીરાંબહેન આશ્રમમાં રહ્યાં હતા. ગાંધીજીના આંદોલન વખતે એ જેલમાં પણ ગયા. અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય કર્યું. લાહોર અધિવેશન હોય કે કાનપુરની બેઠક હોય કે પછી એવા અનેક પ્રવાસમાં એ એમની સાથે રહ્યા. મીરાંબહેને ગાંધીવિચારને સપૂર્ણપણે અપનાવ્યો. ખાદી અપનાવી. બાપુ સાથે અનન્ય સદભાવથી જોડાયા. એમના જીવનમાં ઉતાર ચડાવ પણ આવ્યા. ક્યાંક લાગણી જોડાઇ, ક્યાંક ઘવાઇ એવું બધું પણ થયું. ગાંધીજીની લડતના સમાચાર ઇંગ્લેન્ડની સરકાર સુધી પહોંચે એ માટે મીરાંબહેન પત્રકાર પણ બન્યા અને અહીંના  સમાચાર ઇંગ્લેન્ડના છાપામાં મોકલતા. બાપુની સેવા કરવાની નાની પણ તક મળે તો એ આનંદિત થઇ ઉઠતાં.

ભારતના સ્વતંત્રતા સંગ્રામની અત્યંત અગત્યની લડાઇ-ભારત છોડો આંદોલનનો ઠરાવ લઇને પણ મીરાંબહેન જ દિલ્હી ગયાં હતા. કુલ ૩૪ વર્ષ એ ભારતમાં,ભારતના થઇને રહ્યાં. ગાંધીજીના અવસાન પછી પણ ૧૧ વર્ષ એ અહીં રહ્યાં. પહાડી વિસ્તારમાં પશુપાલન અને ગૌસેવાનું કામ કર્યું. લોકોની સેવા કરી. મેડેલીન માંથી મીરાં થઇને એ રહ્યા. ભારતના સ્વતંત્રતા સંગ્રામની અનેક વાતો આપણા સુધી આવી છે. મીરાંબહેનની વાત થોડી વિસરાઇ ગઇ છે. ૮મી ફેબ્રુઆરીએ રાજકોટમાં આ જ વિષય પર નાટકનો એક પ્રયોગ થવાનો છે. મીરાંબહેનના જીવન પર સરસ પુસ્તક મીરાં અને મહાત્મા એક અનન્ય મૈત્રી ગાંધીજીના પ્રપૌત્રી સોનલ પરીખે લખ્યું છે. અને મીરાંબહેનની આત્મકથા પણ સરસ છે. એમના અને ગાંધીજીના પત્રોનું સંકલન બીલોવ્ડ બાપુ પણ સરસ છે તેવું વરિષ્ઠ પત્રકાર જ્વલંત છાયા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.