અનેક રાજ્યોમાં ‘ગેરકાયદે’ ઠરેલ મહુડો ફ્રાન્સમાં ઠલવાયો!!!

અબતક, છત્તીસગઢ

કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીએ છત્તીસગઢમાંથી નિર્જલીકૃત મહુડાના ફૂલો અને ઉત્તરાખંડથી હિમાલયન બકરીના માંસની નિકાસ અનુક્રમે ફ્રાન્સ અને યુએઈમાં કરી છે. પ્રથમ વખત, નિર્જલીકૃત મહુઆ ફૂલોનો માલ છત્તીસગઢથી દરિયાઈ માર્ગે ફ્રાન્સમાં નિકાસ કરવામાં આવ્યો હતો. આ ઉત્પાદન છત્તીસગઢના કોરબા જિલ્લાના જંગલોમાંથી ખરીદવામાં આવ્યું હતું અને એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટીના રજિસ્ટર્ડ એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રક્રિયા કરવામાં આવી હતી.

છત્તીસગઢે નિકાસ શરૂ કરી: ગુજરાત પણ ઝંપલાવશે ?

જ્યારે છત્તીસગઢ મહુડો ફ્રાન્સમાં નિકાસ કરી રહ્યું છે ત્યારે ગુજરાત પણ આ માર્ગ પર ચાલી શકે તેમ છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યમાં મહુડાને કેફી પદાર્થ ગણી તેના સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગુજરાતમાં મહુડો એટલે એક પ્રકારની શરાબ ગણવામાં આવે છે અને તેના સેવન બદલ પ્રોહીબિશનનો કેસ પણ કરવામાં આવે છે ત્યારે મહુડો ગુજરાત માટે બિલકુલ બિનપયોગી બની ગયો છે. તેવા સમયમાં જો ગુજરાત પણ છત્તીસગઢવાળી કરે તો મહુડો ટંકશાળ સર્જી શકે છે.

મહુડાનું વૃક્ષ વટ, વાયુ, પિત્ત અને કફને શાંત કરે છે અને લોહી વધારે છે. તે જખમો ઝડપથી મટાડે છે. તે પેટના વિકારો પણ દૂર કરે છે.તે રક્ત વિકૃતિઓ, શ્વસન રોગો, ક્ષય રોગ, નબળાઇ, ઉધરસ, અનિયમિત માસિક સ્રાવ, ખોરાકમાં અપચો, સ્તનોમાં દૂધનો અભાવ અને લો-બ્લડ પ્રેશર જેવા રોગોને મટાડે છે. મહુડો કેલ્શિયમ, આયર્ન, પોટાશ, ઉત્સેચકો, એસિડ વગેરેથી ભરપૂર છે.

ફ્રાન્સમાં નિકાસ કરાયેલા મહુડાના ફૂલો મોટાભાગે છત્તીસગઢના કોરબા, કાઠઘોરા, સુરગુજા, પાસન, પાલી, ચુરીના જંગલોમાંથી અનુસૂચિત જનજાતિના લોકો દ્વારા એકત્રિત કરવામાં આવ્યા હતા. નિર્જલીકૃત મહુડાના ફૂલોનો ઉપયોગ દારૂ, દવા અને ચાસણી બનાવવા માટે થાય છે.

એક માટે ‘ઝેર’ બીજા માટે ‘અમૃત’ સાબિત થયું!!

ખૂબ જ મીઠો-જાડો, ચીકણો રસ તેના ફૂલોની અંદર સમૃદ્ધ રહેલો છે. મધુરતાને કારણે, મધમાખીઓ તેને ઘેરી લે છે. ફૂલોની અંદર જીરા જેવા ઘણા બીજ છે જે નકામા હોય છે.તેનું વૃક્ષ ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, ગુજરાત અને મહારાષ્ટ્રમાં જાતે જ ઉગે છે અને કેટલાક લોકો તેની ખેતી પણ કરે છે. જ્યાં મહુડાના વૃક્ષો વધારે પ્રમાણમાં હોય છે ત્યાં ફૂલો પુરતા પ્રમાણમાં જોવા મળે છે. ગરીબ અને આદિવાસી લોકો તેમને એકત્રિત કરે છે. સુકા તેનો ઉપયોગ ખોરાક અને અન્યમાં ઘણા સ્વરૂપોમાં થાય છે. સ્થાનિક વેપારીઓ આ લોકો પાસેથી સૂકા ફૂલો અને બીજ ખૂબ સસ્તામાં ખરીદે છે, અને તેને દારૂ અને દવામાં ઉપયોગ કરે છે.

ગુજરાત નિકાસ શરૂ કરે તો મહુડો ટંકશાળ સર્જી શકે!!

જે રીતે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મહુડો જોવા મળે છે. હાલ રાજ્યમાં મહુડાના પાનનો ઉપયોગ રંગ બનાવવા માટે થાય છે પરંતુ મહુડાના રસને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે ત્યારે તેની નિકાસ શરૂ કરવામાં આવે તો આર્થિક ઉપાર્જન, રોજગારી અને વિદેશી હૂંડિયામણ આવવાથી આર્થિક ક્ષેત્રે ખૂબ ફાયદો થનાર છે. રાજ્યમાં મહુડો ટંકશાળ સર્જી દેવાની ક્ષમતા ધરાવે છે. એક રીતે બિનઉપયોગી મહુડો ભારે ઉપયોગી સાબિત થઈ શકે છે. વિદેશમાં મહુડાનો ઉપયોગ દવા સહિતની વસ્તુઓ બનાવવા માટે થાય છે ત્યારે ભારે માંગ રહેતી હોય છે જેનો સીધો લાભ ગુજરાતને મળી શકે છે.