માઈ ભક્તો આનંદો…..૨ વર્ષ બાદ આ તારીખે યોજાશે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો

કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજાયો હતો ત્યારે માઈ ભક્તો માટે આનંદના સમાચાર છે. આગામી પાંચથી દસ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે ભાદરવી પૂનમનો મેળો. ભાદરવા મહિનામાં અરવલ્લીના ડુંગરાઓમાં અખંડ શ્રધ્ધા, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો તા. ૫ થી ૧૦ સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન યોજાનાર છે.

આ મહામેળાના સુચારૂ આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટરશ આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં અત્યારથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ભાદરવી પૂનમના મેળાની વ્યવસ્થા જાળવવા માટે કલેક્ટર આનંદ પટેલ દ્વારા સ્વચ્છતા, કાયદો અને વ્યવસ્થા સહિત જુદી જુદી ૨૮ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ પૈકી અગત્યની સમિતિઓની બેઠક અંબાજી ખાતે યોજાઇ હતી જેમાં મેળા સંદર્ભે કરવાની કામગીરીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કલેકટર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ અંબાજીમાં મેળા દરમિયાન પાર્કિગ, એસ.ટી. બસ સેવા અને તેનું પાર્કિગ, યાત્રાળુઓની સુરક્ષા માટે અંબાજી આસપાસના વિસ્તારોની જાત મુલાકાત લઇ સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પ્રાંત અધિકારી સુશીલ પરમાર સહિત વિવિધ સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.