રાજકોટમાં કુપોષણનું પ્રમાણ ઘટયુ: 11  માસમાં કુપોષિત બાળકોની સંખ્યા 342 ઘટી !!

કોર્પોરેશન તથા મહિલા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આંગણવાડી વર્કર બહેનોનો સન્માન કાર્યક્રમ યોજાયો

રાજકોટ મહાનગરપાલિકા તથા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે  આંગણવાડી વર્કર બહેનોનુ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન શ અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે  અંજલીબેન રૂપાણીએ  એમ કહ્યું હતું કે, દેશને અને સમાજને મજબુત અને સક્ષમ ભાવી પેઢી મળે તે માટે પાયારૂપ ભૂમિકા નિભાવી રહેલા આંગણવાડીના બહેનો ખુબ જ અભિનંદનને પાત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણને જન્મ દેવકી માતાએ આપેલ પરંતુ તેને ભગવાન બનાવવાનો શ્રેય પાલક માતા યશોદાને મળેલ અને એટલા માટે જ આંગણવાડીના બહેનોને યશોદા માતા તરીકે ઓળખ આપવામાં આવી છે. ગર્ભાધાન પછી બાળકના 1000 દિવસ તેના બૌદ્ધિક વિકાસ માટે ખુબ જ મહત્વના હોય છે. જેથી આંગણવાડીના બહેનોનુ યોગદાન ખુબ જ મહત્વનું બંને છે.  જેમાં આંગણવાડીના વિકાસ પર ભાર મુકવામાં અવ્યો હતો જ્યાં ગર્ભવતી બહેનોને પોષક આહાર માંડીને બાળકોની તંદુરસ્તી તેમજ શારીરિક માનસિક વિકાસ માટે પોષણયુક્ત આહાર સાથે તેઓની કાળજી લેવામાં આવે છે. આ જ સીલસીલો આગળ ધપાવતા રાજ્યના  મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ પણ બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે કુપોષિત બાળકોની યાદી તૈયાર કરાવી તે બાળકો પોષણયુક્ત બનાવવાનુ અભિયાન હાથ ધર્યું હતું.

આ અભિયાન અંતર્ગત રાજકોટમાં આંગણવાડીમાં જાન્યુઆરી 2020માં 575 કુપોષિત બાળકો હતા. આ સંખ્યા નવેમ્બર 2020માં ઘટીને 233 રહી છે. આ ઉપરાંત .મુખ્યમંત્રીએ 2019માં વહાલી દીકરી યોજના લોન્ચ કરી જેનો હેતુ દીકરીનો જન્મદર વધારવા અને શિક્ષિત બંને તેમજ બાળવિવાહ બંધ થાય તે હતો. આ યોજના હેઠળ દીકરીને શિક્ષણ માટે ધોરણ 1માં પ્રવેશ વખતે રૂ.4000 અને ધોરણ 9માં પ્રવેશ વખતે રૂ.6000 તથા દીકરીના લગ્ન વખતે રૂ.1,00,000ની સહાય કરવામાં આવે છે. આજે તો દીકરીઓ ફાઈટર પ્લેન ઉડાવી રહી છે અને અવકાશ યાત્રા પણ કરી ચુકી છે. જો દીકરી ભણે તો જ સમાજ આગળ આવશે. રાજકોટમાં આંગણવાડીની સુંદર કામગીરી બદલ મહાનગરપાલિકાના શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ અભિનંદનને પાત્ર છે. આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યે જણાવ્યુ હતું કે,મહિલા અને બાળ વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ  અમલમાં મુકાયેલી છે. અંજલીબેન રૂપાણીના પ્રયાસો અને પ્રેરણાથી કુપોષિત બાળકોના પોષણ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે આંગણવાડીના બાળકોને દતક લેવા સમાજમાં નવી પહેલ થઇ છે. દેશની મજબુત ભાવી પેઢીનો આધાર તંદુરસ્ત બાળક છે અને તેમનો યોગ્ય ઉછેર થાય તે માટેના આ અભિયાન બદલ અંજલીબેન રૂપાણીને અભિનંદન પાઠવું છું. હાલ, સમગ્ર દેશ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ લોકોને કોરોનાથી બચાવવા અને જાગૃત રાખવા પ્રશાસન દિવસ-રાત જોયા વગર કામગીરી કરી રહ્યું છે.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, દેશમાં 135 કરોડની વસતી છે. જેમાં 0 થી 6 વર્ષના બાળકો અંદાજીત 16 કરોડ છે. એક રીસર્ચ પ્રમાણે બાળકમાં 2.5 વર્ષની વય સુધીમાં 85 % બ્રેન ડેવલોપમેન્ટ અને 3 વર્ષની વય સુધીમાં 90 % બ્રેન ડેવલોપમેન્ટ થાય છે. 0 થી 6 વર્ષની ઉંમરમાં બાળકોનો જે બૌધિક વિકાસ થાય છે તેના પર દેશનુ ભાવી નિર્ભર છે. આંગણવાડી યશોદા માતા દ્વારા પહેલા 3 વર્ષ સુધી બાળકના મગજનું ડેવલોપમેન્ટ થાય તે ખુબ જ અગત્યનું છે. તંદુરસ્ત બાળક તંદુરસ્ત સમાજનો પાયો છે.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ડી.એમ.સી. બી.જી. પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શિશુ કલ્યાણ સમિતિ ચેરમેન રૂપાબેન શીલુ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, આઈ.સી.ડી.એસ. વિભાગના સી.ડી.પી.ઓ. હીરાબેન રાજશાખા, મનીષાબેન, કોર્પોરેટરો, સ્થાનિક હોદેદરો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમાણપત્ર અને શાલ દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમાં ભાવનાબેન ભટ્ટ, કોમલબેન કાનાણી, સીમાબેન પંડ્યા, ફાલ્ગુનીબેન ઠુમ્મર, પન્નાબેન ખરાડી, પૂનમબેન ડોબરીયા, મેઘનાબેન ખાંભલીયા, હંસાબેન મહીડા, ભાવિકાબેન ચાઉ, ચંદનબેન હરણેસા, પારૂલબેન શુક્લા, દેવ્યાનીબેન જોષી, શીતલબેન કસોટીયા, રશ્મીબેન વોરા, શહીદાબેન ગુંદાલીયા સહીત અન્ય કુલ આંગણવાડી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

વ્હાલી દીકરી યોજના હેઠળ લાભાર્થીઓ નેહાબેન ગૌસ્વામી, શાયરાબેન રાઠોડ, ઉર્મિલાબેન શ્રીમાળીને સહાયના હુકમ પત્ર મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી  કિરણબેન મોરીયાણી દ્વારા બેટી બચાઓ, બેટી પઢાઓ વિષય પર સૌને શપથ લેવડાવ્યા હતા.  કરવામાં આવી. કાર્યક્રમના અંતે આભાર વિધિ શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન રૂપાબેન શીલુ દ્રારા કરવામાં આવ્યું હતું.