સાંસદે કરજણમાં મામલતદારને ગાળો ભાંડતા રાજ્યભરમાં પડઘા સાંસદ વસાવાની હરકતથી મામલતદાર એસો. લાલઘૂમ: આંદોલનની જાહેરાત

રાજ્યભરના મામલતદારો 3 માર્ચે કાળી પટ્ટી બાંધી ફરજ બજાવશે, 4 માર્ચે માસ સીએલ અને ત્યારબાદ હડતાલની જાહેરાત

અબતક, રાજકોટ

વડોદરાના કરજણ તાલુકામાં સાંસદે મામલતદારને જાહેરમાં ગાળો ભાંડતા મામલતદાર એસો. અને મહેસૂલી કર્મચારી મંડળમાં રોષ પ્રવર્તી ગયો છે. વધુમાં મામલતદાર એસો.એ રાજ્યભરમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. જેમાં મામલતદારો 3 માર્ચે કાળી પટ્ટી બાંધી ફરજ બજાવશે. 4 માર્ચે માસ સીએલ અને ત્યારબાદ હડતાલ ઉપર ઉતરશે.

આવેદનમાં જણાવ્યું હતું કે સાંસદ મનસુખભાઇ વસાવા અને માજી ધારાસભ્ય સતીષ નિશાળીયા આ બન્નેએ મોજે. માલોદ ગામે તા.21ના રોજ અકસ્માત થયેલ જેની શ્રધ્ધાંજલી આપવા માટે તા.22ના રોજ તેઓની સાથે મામલતદાર અને નાયબ મામલતદાર બન્ને પ્રોટોકોલ મુજબ ગયેલ હતા.

રાજકોટ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળે પણ ઘટનાના વિરોધમાં કલેક્ટરને આવેદન પાઠવ્યુ

અકસ્માતના સ્થળે સાંસદ મનસુખભાઇ વસાવા તરફથી સ્થળ ઉપર ગામ લોકો અને સરકારી અધિકારીઓની વચ્ચે જાહેરમાં ખોટી રીતે ઉશ્કેરાટમાં આવી સાંસદ મનસુખભાઇ વસાવા તરફથી બિભત્સ ગાળો બોલી અશોભનીય વર્તન કરેલ છે. તથા ધમકી ભર્યા સ્વરમાં મામલતદાર સાથે એક પદાધિકારીને શોભે નહી તેવુ અશોભનીય વર્તન કરેલ છે. જેના કારણે મામલતદાર અને તેઓની સાથેનો સ્ટાફ આઘાતવશ થઇને ઘોર નિરાશામાં પડી ગયેલ છે. સમગ્ર ઘટના દરમ્યાનની વિડીયો ક્લીપ જોતા મામલતદાર તથા સ્ટાફ દ્વારા સાંસદ અન્ય પદાધિકારી સામે એકદમ સંયમપૂર્વક વર્તન કરેલ છે. તથા અકસ્માત ઘટનાની વિગતો જોતા મામલતદાર કે તેઓના સ્ટાફને આવી ઘટનાઓ સંબંધે જવાબદારી હોતી નથી. જે બાબતે પોલીસ વિભાગની ફરજ બનતી હોય છે.

ઉપરોક્ત ઘટના સમગ્ર વહીવટી તંત્ર માટે કલંકરૂપ ઘટના છે તથા આ ઘટનાના સમગ્ર રાજ્યના તમામ અધિકારીઓ અને કર્મચારીઓમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ છે. જેથી સમગ્ર ઘટના પરત્વે સંબંધિત પદાધિકારી વિરૂધ્ધ યોગ્ય કાનૂની પગલા લેવા જરૂરી છે.

ગુજરાત રાજ્ય મામલતદાર એસોસિએશન અને રાજકોટ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ કડક શબ્દોમાં ટીકા કરે છે તથા સંબંધિત પદાધિકારી જાહેરમાં સંબંધિત મામલતદારની માફી માંગે તેવી માંગણી કરીએ છે તથા તેઓની વિરૂધ્ધ એક સરકારી અધિકારી વિરૂધ્ધ જાહેરમાં અશોભનીય વર્તન કરવા માટે કાનૂની પગલાં લેવા માટે સંબંધિતોને સરકાર તરફથી આદેશ થાય તેવી અમારી માંગણી છે.

જો આ બાબતે તા.02 માર્ચ સુધીમાં સંબંધિત સાંસદ તથા અન્ય પદાધિકારી વિરૂધ્ધ કોઇ પગલાં લેવામાં નહી આવે તો સમગ્ર રાજ્યના તમામ મામલતદારો દ્વારા તેઓના વિરોધમાં આગામી સમયમાં આંદોલનાત્મક પગલા લેવામાં આવશે તેમજ તા.03 માર્ચના રોજ તમામ મામલતદારો કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે અને તા.04 માર્ચના રોજ માસ સી.એલ. ઉપર જશે અને ત્યારપછી હડતાલ ઉપર જવાની ફરજ પડશે.