રાજકોટ જિલ્લાના મામલતદાર M.M. કવાડિયા સસ્પેન્ડ

  • અગાઉ કચ્છમાં હતા ત્યારનું લેન્ડગ્રેબિંગનું પ્રકરણ નડી ગયું, મહેસુલ વિભાગે ઘરભેગા કરી દીધા
  • બદલીના ઓર્ડર બાદ થોડા દિવસ પૂર્વે જ તેઓએ પડધરીનો ચાર્જ છોડ્યો ’તો, પણ નવો ચાર્જ સંભાળ્યો ન હતો

રાજકોટ જિલ્લાના મામલતદાર એમ.એમ. કવાડિયા સસ્પેન્ડ થયા છે. અગાઉ કચ્છમાં હતા ત્યારનું લેન્ડગ્રેબિંગનું પ્રકરણ નડી ગયું હોય મહેસુલ વિભાગે તેઓને ઘરભેગા કરી દીધા છે.બદલીના ઓર્ડર બાદ થોડા દિવસ પૂર્વે જ તેઓએ પડધરીનો ચાર્જ છોડ્યો હતો પણ નવો ચાર્જ સંભાળ્યો ન હતો એટલે તેઓની હાલની ફરજ રેકોર્ડ ઉપર રાજકોટ જિલ્લાની છે.

રાજકોટ જિલ્લામાં ફરજ ઉપર રહેલા મામલતદાર એમ.એમ. કવાડિયાને મહેસુલ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અગાઉ તેઓ કચ્છમાં ફરજ ઉપર હતા. ત્યારે અધિક ચિટનીસ તરીકે તેઓએ લેન્ડગ્રેબિંગ મામલે કાયદા વિરુદ્ધ જઈને કાર્યવાહી કરી હતી. જે બદલ તેઓને મહેસુલ વિભાગે ઘરભેગા કરી દીધા છે. બીજી તરફ કચ્છથી તેઓ પડધરી તાલુકા મામલતદાર તરીકે મુકાયા હતા. પણ તાજેતરમાં થયેલા મામલતદારોની બદલીના ઓર્ડરમાં તેઓનું પણ નામ હતું.

તેઓની બદલી પડધરી તાલુકામાંથી મેંદરડા તાલુકામાં બદલી કરવામાં આવી હતી. તેઓએ પડધરી તાલુકામાંથી ચાર્જ છોડી પણ દીધો છે. સામેં ભાવનગર જિલ્લાના નાયબ મામલતદાર કે.જી. ચુડાસમાને પ્રમોશન સાથે પડધરી તાલુકામાં મુકવામાં આવ્યા છે. કે.જી. ચુડાસમાએ પડધરી તાલુકાનો ચાર્જ સંભાળી લીધો છે.

બીજી તરફ મામલતદારોની બદલીમાં ઘણી ક્ષતિઓ રહી ગઈ હોય, અંદાજે 40થી 60 જેટલા મામલતદારોની બદલીના સુધારેલા હુકમ ફરી થવાના હોય, માટે એમ.એમ.કવાડિયાએ પડધરી તાલુકા મામલતદારનો ચાર્જ છોડી તો દીધો હતો. પણ સામે મેંદરડા તાલુકાનો ચાર્જ સંભાળ્યો ન હતો. તેઓ હાલ રાજકોટ જિલ્લામાં જ ફરજ ઉપર છે. તેઓના સસ્પેન્સનથી જિલ્લાના મહેસુલ વિભાગમાં સનસનાટી મચી જવા પામી છે.