દેશમાં ‘ફોર વ્હીલ’ માટે ફરજીયાત ‘ફાસ્ટેગ’ની મુદત લંબાવાઈ

વાહનચાલકોને અપાઈ દોઢ માસની રાહત

હવે ૧૫મી સુધીમાં વાહન માટે ‘ફાસ્ટેગ’ લેવુ પડશે

દેશભરમાં દરેક ફોર વ્હીલ વાહન માટે ફાસ્ટેગ ફરજીયાતના નિયમના અમલની હવે આગામી ૧૫મી ફેબ્રુઆરી સુધી છુટ અપાઈ છે એટલે કે હવે આ અમલ પહેલા જાન્યુઆરીના બદલે ૧૫ ફેબ્રુઆરીથી થશે. હાઈવે પર ટોલનાકા થતા ટ્રાફિક જામ રોકવા તથા પરિવહન ઝડપી બનાવવા માટે દેશમાં દરેક વાહન માટે ફાસ્ટેગ ફરજીયાત બનાવવામાં આવેલ છે. આ નિયમનો અમલ પહેલી જાન્યુઆરી ૨૦૨૧થી થવાનો હતો પણ સરકારે મુદત લંબાવી છે અને ૧૫ ફેબ્રુઆરીથી આ નિયમ અમલી બનશે. થોડા સમય અગાઉ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ પહેલી જાન્યુઆરીથી હાઈવે પરના ટોલનાકા ઉપર રોકડ ટોલ લેવાનું બંધ કરી ફાસ્ટેગ ફરજીયાત બનાવવાનો નિર્ણય લીધો હતો અને તેનો પહેલી જાન્યુઆરીથી અમલ કરવાનો નિર્ણય લેવાયો હતો તેમાં સરકારે હવે વાહનચાલકોને રાહત આપી દોઢ માસ સુધીનો સમય આપ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં ૨.૨૦ કરોડ ફાસ્ટેગનું વિતરણ કરવામાં આવ્યું છે.

નિષ્ણાતો માને છે કે કોવિડ-૧૯ના લીધે લોકો કેશલેશ વધુ સરળ ગણે છે અને ઓનલાઈન પેમેન્ટ સહિતનો ઉપયોગ કરે છે. હવે ટોલનાકા પર પણ રોકડને બદલે ફાસ્ટેગથી ટોલ ભરવામાં આવે છે અને તેનું ચલણ પણ વઘ્યું છે.