કેવડિયા કોલોની ખાતે દેશી રજવાડાંના વિલિનીકરણનું મ્યુઝિયમ બનાવવાના મુખ્યમંત્રીના નિર્ણયને સૌરાષ્ટ્ર – કચ્છ, ગુજરાતના રાજવીઓ વતી આવકારતા માંધાતાસિંહ જાડેજા

દેશનો ગૌરવવંતો ઇતિહાસ પુન:સજીવન થશે અને નવી પેઢી એનાથી વાકેફ થશે: ભારતની એક્તા, અખંડિતતાનો પરિચય પરદેશથી આવનારા પ્રવાસીઓને પણ થશે,સરદારની વિરાટ ક્ષમતાની સાથે રજવાડાંની ખેલદિલી પણ દેશ સમક્ષ આવશે

અદ્યતન સંગ્રહાલયમાં દરેક રજવાડાંની ઐતિહાસિક વિગતોનો સમાવેશ કરવાથી ભવ્ય ઇતિહાસની ઝલક એક જ સ્થળે મળી શકશે

રાજ્ય સરકારે કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા- સ્ટેચ્યુ ઓફ યુનિટિના પરિસરમાં રજવાડાંના વિલીનીકરણના ઇતિહાસનું એક મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય જાહેર કર્યો છે એને રાજકોટના ઠાકોરસાહેબ  માંધાતાસિંહ જાડેજાએ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના રજવાડાંઓ વતી આ નિર્ણયને  હ્રદયના ઉમળકાભેર વકાર આપ્યો છે. એમણે કહ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ આ જાહેરાત કરી એને હું આદર સાથે આવકારું છું અને રાષ્ટ્રીય ઐક્યની ભાવના વિશ્વ સમક્ષ ઉજાગર કરવાની એમની અને સરકારની ઉદ્દાત ભાવનાને બિરદાવું છું.

ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે રજવાડાંના ઇતિહાસ અને ખાસ તો ભારત દેશ ૧૯૪૭માં આઝાદ થયો ત્યાર પછી દેશી રજવાડાંઓના ઐક્યીકરણ માટે દેશના પ્રથમ ગૃહપ્રધાન, નાયબ વડાપ્રધાન  સરદાર વલ્લભભાઇ પટેલે જે સઘન સફળ પ્રયાસ કર્યા એ સમગ્ર ઘટનાક્રમને આવરી લઇને એક સંગ્રહાલય એ પરિસરમાં જ બનાવવાની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી  વિજયભાઇ રુપાણીએ આજે કરી હતી. દેશના-રાજ્યના સાંસ્કૃતિક પ્રાચીન વારસાની જાળવણીમાં સતત સક્રિય એવા રાજકોટના ઠાકોર સાહેબ  માંધાતાસિંહ જાડેજાએ  વિજયભાઇના આ નિર્ણયને આવકારતાં જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટિ તો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે જ પરંતુ આ મ્યુઝિયમ સ્ટેચ્યુ ઓફ યુનિટિના પ્રવાસની શોભામાં વધારે અભિવૃધ્ધિ કરશે. જ્યારે સરદાર પટેલની વિરાટ પ્રતિમાનું અનાવરણ, ઉદઘાટન થયું ત્યારે આદરણીય વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ મ્યુઝીયમ બનાવવાનો મનોરથ વ્યક્ત કર્યો હતો. આપણા મુખ્યમંત્રી   વિજયભાઈના સમયમાં એ પૂર્ણ થઈ રહ્યો છે.  માંધાતાસિંહજીએ જણાવ્યું કે દેશ આઝાદ થયો પછી રજવાડાંનું વિલિનીકરણ સરદાર પટેલે કર્યું ત્યારે સૌથી પહેલું રાજ્ય અર્પણ કરનાર ભાવનગરના મહારાજા સ્વ. કૃષ્ણકુમારસિંહજી હતા. એટલે આ આખી પ્રક્રિયાનું સૌરાષ્ટ્ર સાથે મહત્વનું અનુસંધાન છે. એ પછી ૫૬૨ રજવાડાં એક કરીને દેશને અખંડ બનાવવાનું કપરું કાર્ય હતું. આ કાર્યમાં સરદાર વલ્લભભાઇની કુનેહ, એમની કુશળતા અને વિશેષ પ્રતિભા અગત્યની રહી. એટલું જ મહત્વી રજવાડાંના સકારાત્મક વલણનું પણ રહ્યું.

દેશની આઝાદીનો ગૌરવવંતો ઇતિહાસ છે તો એ સમયે જે જે રજવાડાં હતાં એનો પણ ગરિમાપૂર્ણ અને ગૌરવવંતો ઇતિહાસ છે. જે મ્યુઝીયમ બનાવવાની જાહેરાત થઇ છે એના દ્વારા આ ઇતિહાસ પુન:જીવિત થશે. આ સંગ્રહાલયના સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છના, ગુજરાતના રજવાડાં અને ક્ષત્રિય સમાજમાં ખુશીની લાગણી જન્મી છે. એવું એમણે જણાવ્યું હતું.

આ મ્યુઝિયમમાં રજવાડાંઓએ સરદાર પટેલની ઉપસ્થિતિમાં કરેલા કરારના દસ્તાવેજ, એ સમયની તસવીરો રાખવામાં આવશે તે ઉપરાંત રાજવીઓના શસ્ત્ર સરંજામ,  એમના મહેલો કે કિલ્લાની ઝલક પ્રદર્શિત કરવામાં આવશે. આધુનિક ૩-ડી મેપિંગ પ્રોજેક્શન, ઓગમેન્ટેડ રિઆલિટી તથા ઓડિયો- વીડિયો ક્ધટ્રોલ લાઇટ સિસ્ટમથી આ સમગ્ર યોજનાને આધુનિક-અદ્યતન સ્વરુપ અપાશે. દરેક રાજ્યની ઐતિહાસિક વિગતોને અલગ અલગ વિભાગ એના સંદર્ભો સાથે પ્રદર્શિત કરાશે. એવું આજે જાહેર થયું છે.

માંધાતાસિંહજીએ ઉમેર્યું કે દેશના રજવાડાંઓનો ભવ્ય ભૂતકાળ એક જ સ્થળે મુલાકાતીઓને જોવા મળશે એ મોટી ઉપલબ્ધિ છે. ખાસ તો આપણી નવી પેઢી આ વૈભવી વારસાથી અવગત થશે. મુખ્યમંત્રી  વિજયભાઇ રુપાણીએ આ નિર્ણય કર્યો એનાથી રાજવી પરિવારના સદસ્ય અને ક્ષત્રીય સમાજના અગ્રણી તરીકે હું અત્યંત આનંદ અને ગૌરવ અનુભવું છું એવું  માંધાતાસિંહજીએ કહ્યું હતું.