- ગરવા ગીરનારની ગોદમાં કાલથી મહા શિવરાત્રીના મેળાનો મંગલારંભ
- પાંચ દિવસ સુધી ભોળાનાથની આરાધનાનો આધ્યાત્મીક અવસર
- ભજન, ભોજન અને ભક્તિનો થશે ત્રિવેણી સંગમ: હૈયે હૈયું દળાય એટલી મેદની ઉમટશે
- જૂનાગઢમાં પાવનકારી શિવરાત્રી મેળાના આવતીકાલે શનીવાર 22મી ફેબ્રુ. બપોરે ભવનાથ મંદિરે નૌમની ધ્વજા રોપણ સાથે શિવરાત્રી મેળાની વિધીવત પ્રારંભ થશે
નવનાથ ચોસઠ જોગણી ચોર્યાસી સિધ્ધ અને બાવન વીરના જયા બેસણા છે એવા ગીરનારની તળેટીમાં મહાવદ નૌમથી શિવરાત્રી સુધી ભકિત, ભજન, ભોજન, ભાંગ અને ભોળાનાથની આરાધના પર્વ સમા શિવરાત્રી મેળામાં આવા વિક્રમજનક મેદની ઉમટવાની સંભાવનાને લઈ વહીવટી તંત્ર ધર્માલયો સાધુ સંતો, જ્ઞાતી સમાજ ઉતારા જિલ્લા પંચાયત, પોલીસ, વનતંત્ર દ્વારા સઘન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કચરો કચરા પેટીમાં નાખી ભવનાથની પવિત્ર ભૂમિને સ્વચ્છ અને સુંદર રાખવા સંતોની અપીલ
મહાશિવરાત્રીના મેળામા આવતા શ્રદ્ધાળુઓ જ્યાં ત્યાં કચરો ન ફેકે, કચરો ફક્ત કચરાપેટીમાં જ નાખી ભવનાથની આ પવિત્ર ભૂમિને સુંદર અને સ્વચ્છ રાખે તેવી અપીલ ભવનાથના મહંત શ્રી હરિગીરી બાપુએ કરી છે. રાજ્ય સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર સ્વચ્છતા માટે કટિબદ્ધ છે ત્યારે મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકો મેળામાં સ્વચ્છતા જાળવી તંત્રને સહયોગ આપે તેવી અપીલ મહંતએ કરી છે.
ભવનાથમાં 7 સ્થળે મહા શિવરાત્રીના મેળાનું જીવંત પ્રસારણ3000 એલ.ઇ.ડી. ટ્યુબલાઈટ તેમજ ફ્લડ લાઈટથી મહા શિવરાત્રીનો મેળો ઝગમગી ઉઠશે
ગિરનારની ગોદમાં આગામી તા.22 માર્ચથી તા.26 માર્ચ સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે. મેળામા આવતા ભાવિકો જુદી-જુદી સાત જગ્યાએથી મેળાનું જીવંત પ્રસારણ માણી શકશે. જેમા મંગલનાથ આશ્રમ, દતચોક, શનિદેવ મંદિર, અગ્નિ અખડા પાસે, ઇન્દ્રભારતી ગેટ, જિલ્લા પંચાયત અને ભગીરથ વાડી ખાતે તંત્ર દ્વારા એલ.ઈ.ડી. સ્ક્રીન રાખવામાં આવશે. આ ઉપરાંત ત્રણ હજાર એલ.ઇ.ડી. ટ્યુબલાઈટ તેમજ ફ્લડ લાઈટથી મહાશિવરાત્રીનો મેળો ઝગમગી ઉઠશે.
જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવાસીયાના માર્ગદર્શનમાં વિવિધ વિભાગો દ્વારા મેળાના સુચારું આયોજન માટે કામગીરી હાથ ધરી રહ્યા છે. મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યારે રાત્રીના સમયે લોકો મેળાનો આનંદ લઈ શકે તે માટે તંત્ર દ્વારા લાઇટિંગની વિશેષ વ્યવસ્થા માટે ટીમ કાર્યરત કરવામા આવી છે. જેમા 100 જેટલા કર્મચારીઓ લાઈટીંગની કામગીરી માટે જોડાયા છે.
પાંચ દિવસીય મેળામા દરરોજ અનેક શ્રદ્ધાળુઓ ભવનાથમા આવતા હોય, શ્રદ્ધાળુઓ અલગ અલગ જગ્યાએથી એલ.ઈ.ડી. સ્ક્રીન દ્રારા સમગ્ર મેળો જોઈ શકે તે માટે વ્યવસ્થા કરવામા આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંગલનાથ આશ્રમ, દત ચોક, શનિદેવ મંદિર, અગ્નિ અખડા પાસે, ઇન્દ્રભારતી ગેટ, જિલ્લા પંચાયત તથા ભગીરથ વાડી ખાતે એલ.ઈ.ડી. સ્ક્રીન મુકવામા આવતા આ જગ્યાઓ પરથી મેળો લાઈવ જોઈ શકાશે.
મહા શિવરાત્રીના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની થશે જમાવટ
સ્થાનિક કલાકારોને સ્ટેજ મળશે તેમજ જાણીતા કલાકારો વિવિધ કૃતિઓ ભજન અને શિવ આરાધના પ્રસ્તુત કરશે
જૂનાગઢના ભવનાથમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં જિલ્લા વહીવટી તંત્રના સાંસ્કૃતિક કાર્યક્રમ એક આગવી ઓળખ ધરાવે છે. અહીં આ વખતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોને અગ્રતા અપાતા જાણીતા કલાકારોની સાથે સ્થાનિક કલાકારોની ટીમને પણ સ્ટેજ મળશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્થળ જે અગાઉના વર્ષોમાં સાંસ્કૃતિક કાર્યક્રમનો સ્થાયી મંચ ભવનાથ મંદિરથી આગળ ઝોનલ ઓફિસ પાસે છે તે આ વખતે રહેશે. તા. 22 થી 25 ફેબ્રુઆરી સુધી સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે.
મહા શિવરાત્રીના મેળામાં શ્રદ્ધાળુઓના મેડિકલ કેર માટે આરોગ્યની ટીમ સ્ટેન્ડ બાય
ભવનાથ ખાતે દર વર્ષે પરંપરાગત મહાશિવરાત્રી નિમિત્તે યોજાતા મેળામા શ્રદ્ધાળુઓના મેડિકલ કેર માટે જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલની ટીમ કટિબદ્ધ છે. મેળામાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય તેઓના આરોગ્યની કાળજી રાખવા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં આરોગ્યની ટીમો કાર્યરત છે. ત્યારે સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા ભવનાથ સ્થિત નાકોડા ખાતે એક ઇન્ટેન્સિવ કેર યુનિટ ઊભું કરાયું છે. જેને મેળા સબબ અપગ્રેડ કરવામાં આવ્યું છે. મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડો. કૃપાર્થ બ્રહ્મભટ્ટે મેળા સંદર્ભે કરાયેલ કામગીરીની વિગતો આપી જણાવ્યું હતું કે, ભવનાથ ખાતે યોજાતા મહાશિવરાત્રીના પાંચ દિવસીય મેળામાં શ્રદ્ધાળુઓના મેડિકલ કેર બાબતે સિવિલ હોસ્પિટલની ટીમ કટિબધ્ધ છે. ભવનાથ ખાતે આવેલ નાકોડામાં એક ઇન્ટેન્સિવ કેર યુનિટ ઊભુ કરી તેમાં જરૂરી દવાઓ ઉપરાંત ઓક્સિજન સાથે ઇન્ટેન્સિવ કેર પ્રકારની તમામ વ્યવસ્થા અને 24 કલાક એમ્બ્યુલન્સ તથા ફિઝિશિયન, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, નર્સિંગ સ્ટાફ સહિત આરોગ્ય કર્મચારીઓ શિફ્ટ પ્રમાણે 24 કલાક ફરજ બજાવશે.
દત્ત અને દાતારની પવિત્ર ભૂમિને પ્લાસ્ટિક મુક્ત રાખવા મહંત હરિહરાનંદ બાપુની અપીલ
ગિરનારના સાનિધ્યમાં આગામી તા.22 ફેબ્રુઆરીથી તા.26 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રીનો મેળો યોજાશે. આ મેળાને પ્લાસ્ટિક મુક્ત રાખી વહીવટી તંત્રને સહકાર આપવા સાધુ સંતો અપીલ કરી રહ્યા છે. ભારતી આશ્રમના મહંતશ્રી હરિહરાનંદ બાપુએ મહાશિવરાત્રીના મેળામાં આવતા તમામ સાધુ-સંતો અને ભક્તોને અપીલ કરી દત્ત અને દાતારની ભૂમિ તથા ભવનાથ અને જૂનાગઢને પ્લાસ્ટિક મુક્ત રાખવા તેમજ જ્યાં ત્યાં કચરો ન ફેકી જિલ્લા તંત્રને સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
રાજકોટથી વધારાના કોચ સાથે ટ્રેનો દોડશે
- મહાશિવરાત્રી મેળા” દરમિયાન રાજકોટ ડિવિઝનની 2 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે
- મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રી મેળા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે.
- વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળમાં 22.02.2025 થી 27.02.2025 સુધી અને ગાંધીનગર કેપિટલથી 23.02.2025 થી 28.02020 સુધી 2 વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે.
- પોરબંદર-રાજકોટ-પોરબંદરમાં 22.02.2025 થી 27.02.2025 સુધી અને રાજકોટથી 22.02.2025 થી 27.05.2025 સુધી 2 વધારાના જનરલ કોચ લગાડવામાં આવશે.