Abtak Media Google News

બેંકોના મર્જર બાદ હવે ઓઇલ કંપનીઓનું પણ મર્જર કરવા સરકારના પ્રયાસો,  1 વર્ષ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરી દેવાય તેવી શકયતા

મોદી સરકારે દેશની 10 સરકારી બેંકોને મર્જ કરીને 4 મોટી બેંકો બનાવવાનું કામ કર્યું હતું.  હવે ફરી સરકારી પેટ્રોલિયમ કંપનીઓના મર્જર માટે સરકારે પ્રયાસો શરૂ કર્યા છે.  પેટ્રોલિયમ મંત્રાલય બે સરકારી ઓઈલ કંપનીઓના મર્જરના પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે.

આ કંપનીઓ મેંગલુરુ રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ છે.  શેરબજારમાં લિસ્ટેડ આ બંને કંપનીઓ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશનની સબસિડિયરી કંપનીઓ છે.

આ બાબતથી વાકેફ અધિકારીએ જણાવ્યું કે એમઆરપીએલએ અને એચપીસીએલના મર્જરનો વિચાર 5 વર્ષ પહેલા આવ્યો હતો જ્યારે ઓએનજીસીએ એચપીસીએલને હસ્તગત કરી હતી.  ત્યારે સરકારના આ પ્રસ્તાવ પર ઓછું કામ થયું હતું, પરંતુ હવે સરકાર તેને આગળ લઈ રહી છે.  આ શેર-સ્વેપ ડીલ હોઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, એચપીસીએલ મર્જર હેઠળ એમઆરપીએલ શેરધારકોને નવા શેર ઇશ્યૂ કરી શકે છે.  આમાં કોઈ રોકડ વ્યવહાર થશે નહીં.  પેટ્રોલિયમ મંત્રાલય ટૂંક સમયમાં આ પ્રસ્તાવિત મર્જર પર કેબિનેટની મંજૂરી લઈ શકે છે. એમઆરપીએલમાં ઓએનજીસી અને એચપીસીએલ  પ્રમોટર કંપનીઓ છે.  આમાં ઓએનજીસીનો 71.63 ટકા અને એચપીસીએલનો 16.96 ટકા હિસ્સો છે.  જ્યારે 11.42 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ છે.

આવી સ્થિતિમાં જો આ મર્જર થશે તો એચપીસીએલમાં ઓએનજીસીનો હિસ્સો વધી જશે, જે હાલમાં 54.9 ટકા છે.  જોકે,ઓએનજીસી, એચપીસીએલ અને એમઆરપીએલ અને મંત્રાલયે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.

જો કે આ મર્જરને પૂર્ણ થવામાં લગભગ 1 વર્ષનો સમય લાગી શકે છે.  તેનું કારણ સેબીના નિયમો છે.  આ મુજબ, કંપનીના બે મર્જર વચ્ચે ઓછામાં ઓછું 2 વર્ષનું અંતર હોવું જોઈએ.  એમઆરપીએલએ ગયા વર્ષે તેની પેટાકંપની ઓએમપીએલનું મર્જર પૂર્ણ કર્યું છે.

આ મર્જર પ્લાનનો હેતુ ઓએનજીસી ગ્રુપની વિવિધ પેટાકંપનીઓને એક જ બ્રાન્ડ એચપોસીએલ હેઠળ લાવવાનો છે.  તેનાથી કંપનીને કેટલાક ટેક્સ લાભ પણ મળશે.  હિન્દુસ્તાન પેટ્રોલિયમ દેશભરમાં વિશાળ રિટેલ નેટવર્ક ધરાવે છે.  આ મર્જર બાદ કંપનીને એમઆરપીએલ સંપત્તિ પણ મળશે.  એમઆરપીએલ કર્ણાટકમાં મોટું નેટવર્ક ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.