મંત્ર શકિત અણુબોમ્બ જેવી પ્રચંડ હોય છે..!!

મન-નાત ત્રાયતે ઈતિ મંત્ર:

મંત્ર એટલે, મનના કાટ ખાઈ ગયેલ તાળાની કુંચી,

મંત્ર એટલે, સાધના માટે નો શબ્દ, સિધ્ધિનું વાકય,

મંત્ર એટલે, મન-વિચારવું મુકત કરવું.

એક વિચાર જે (બંધન) મુકત કરે છે. મંત્ર એટલે, મનન કરવું, એક વસ્તુનો જાપ કરવો, રટણ કરવું, જે સંસારના બંધનોથી મુકત કરનાર વિજ્ઞાન છે, જે બંને કાર્યો સિધ્ધ કરે છે, તેથી તે મંત્ર કહેવાય છે.મનને ત્રાણે એટલે, મંત્ર કહેવાય. જે ઉચ્ચારણ દ્વારા, આદેશનો ભાવ ઉત્પન્ન કરી સજીવ કે નિર્જીવ પર પ્રભાવ પાડે એ મંત્ર. જે મનની ધર્મથી પૂર્ણ અહંતા સાથે અનુસંધાન કરીને આત્મામાં સ્ફુર્ણાને ઉત્પન્ન કરે છે, તથા સંસારનો ક્ષય કરનાર ત્રાણ એટલે કે, તારક ગુણવાળો છે તે મંત્ર કહેવાય. જે આધિ એટલે કે, માનસિક બિમારી, વ્યાધિ એટલે શારીરિક બિમારી અને ઉપાધિ એટલે, દુન્યવી કે, ગુપ્ત મુશ્કેલીઓથી તારે છે. પ્રાણ અને મનનું ઐકય સધાય ત્યારે જ સ્પંદન ઉત્પન્ન થાય. વાણી અને વર્તન મનની સ્થિતિનું જ પ્રતિબિંબ છે. દરેક સાચુ યા ખોટુ કાર્ય મનની પ્રેરણાથી જ થાય છે. એટલે જ માનસિક સ્થિતિના વિકાસનું અદકે મહત્વ છે, મન મજબૂત હોય એ કશમાં અને વશમાં હોય તો ધાર્યું કાર્ય સિધ્ધ થાય, સાધના ફળે, સિધ્ધિ સાંપડે.

જપ એટલે

‘જ’ જન્મો-જન્મના ફેરા યાને આવા -ગમનને ટાળનાર.

‘પ’ પાપોનો નાશ કરનાર.

‘યંત્ર’ એટલે મશીન (આકૃતિ)

‘તંત્ર’ એટલે, આયોજન-સીસ્ટમ

આ તંત્ર અને મંત્ર મળે એટલે, અજબ શકિત સરવળે, એમાં યંત્ર ભળે એટલે કે, યંત્ર-મંત્ર અને તંત્રનો સમન્વય સંધાયતો, ગઝબ સિધ્ધિ ઝળહળે.  પ્રકૃતિની કાયાએ કિરતારની તંત્ર વિદ્યાનું મંત્ર દ્વારા સર્જાયેલ અજોડ એવું એક યંત્ર છે. માનવીના હાથ અને પગમાં પણ, કર્મ અને કાયાની છાયાનો અદભૂત નકશો અખિલેશ્ર્વરે અંકિત કરી આપ્યો છે.આકૃતિ દ્વારા રચાતી જન્મકુંડળી પણ મંત્ર-તંત્ર, અને યંત્ર વિદ્યાનાં ગણિત શાસ્ત્રનો એક પેટા વિભાગ છે. કે જે મનુષ્યમાં જીવન સાથે સંબંધ ધરાવે છે.

મંત્રોનું એક સ્વતંત્ર વિજ્ઞાના છે, આ અંધ વિશ્ર્વાસ પર આધારિત પરંપરા નથી પરંતુ શબ્દ વિજ્ઞાન પર આધારિત પ્રક્રિયા છે. મંત્રોએ ફકત કેટલાક શબ્દોનો સંગ્રહ અને વારંવાર રટણ માત્ર નથી, પરંતુ શબ્દ શકિતનો વૈજ્ઞાનિક રીતે સ્પંદનો ઉત્પન્ન કારક અસર થનાર ઉપયોગ છે. ભારતીય ઋષિ-મહર્ષિઓએ, શબ્દને ‘બ્રહ્મ’ કહ્યો છે. ‘બ્રહ્મ’ યા પરમાત્મા એક સર્વ વ્યાપી તેજસ સતાનું નામ છે. મનથી સંચાલિત થતી ક્રિયાને મંત્ર કહે છે. આપણા આર્ષદ્રષ્ટા, ઋષિ-મૂનિઓએ આ શબ્દો સ્વર ધ્વનિ અને એના લયને એ રીતે ગોવવ્યા છે કે, તેના યોગ્ય ઉચ્ચારણ અને ધ્વનિ (નાદ)ની યોગ્ય અસર થાય અને આ નાદ-પૂર્વક ગોઠવાયેલા શબ્દોએ જ મંત્રો મંત્ર જાપ કરતી વખતે શારીરીક અને માનસિક સ્થિતિ એવી જાગૃત બનાવવી પડે છે કે, જેમાં શબ્દ માત્ર ઉચ્ચારણ કે, રટણ બની ન રહે, પરંતુ તેમાંથી ઉત્પન્ન થતો નાદ, પ્રવાહ, મનો-વૈજ્ઞાનિક અસરની સાથોસાથ વિણાના તારને જાગૃત કરી, અને ઝંકૃત કરે.