Abtak Media Google News

શેરબજારે ૪૧૦૦૦ની સપાટી કુદાવી, નિફટી નવા ઉચ્ચત્તમ સ્તરે: મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં નજીવી ખરીદદારી: ફાર્મા, મેટલ અને ફાયનાન્સ સર્વિસમાં કારોબાર વધ્યો

કોર્પોરેટ ટેકસ સહિતના સુધારા આગામી બજેટમાં થવા જઈ રહ્યાં છે. જેના અનુસંધાને સતત બીજા દિવસે પણ શેરબજાર ટનાટન જોવા મળ્યું છે. ગઈકાલે સેન્સેકસમાં ૫૩૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને માર્કેટ ૪૦૮૮૯ એ બંધ રહ્યું હતું. જ્યારે આજે બજાર ખુલતાની સાથે ૨૦૦ પોઈન્ટ ઉછળ્યું હતું. બજારે આજે ૪૧૦૦૦ની મહત્ત્વની સપાટી કુદાવી હતી. નિફટી-ફિફટીમાં ૫૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ સેન્સેકસ ૪૧૦૯૦ ટચ થઈ ગયું હતું. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૧૯૨ પોઈન્ટના ઉછાળા સાથે ૪૧૦૮૩ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

ગઈકાલે બીએસઈમાં ૫૩૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળતા રોકાણકારો ગેલમાં આવી ગયા હતા. તેમની વેલ્થમાં  ૧.૮૧ લાખ કરોડનો વધારો થયો હતો. ગઈકાલે માર્કેટમાં આવેલો ઉછાળો આજે પણ જળવાયો છે. આગામી બજેટમાં સરકાર કોર્પોરેટ ટેકસમાં ઘટાડો કરવાનો સુધારો કરવા જઈ રહી છે. જેની સકારાત્મક અસર માર્કેટ ઉપર થઈ છે. આ ઉપરાંત અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરમાં જોવા મળેલી શાંતિના કારણે પણ એશિયાના બજારોમાં પોઝીટીવ વાતાવરણ જોવા મળ્યું હતું. આ અસર પણ ભારતીય બજાર પર થઈ હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.

અમરિકા અને ચીન વચ્ચે જોવા મળેલી ટ્રેડવોરના કારણે ભારતના બીએસઈ અને એનએસઈ સહિતના ઈન્ડેક્ષ લાંબા સમય સુધી દબાણ અનુભવતા હતા. જો કે, સમયાંતરે આ બન્ને દેશ વચ્ચે વાતાવરણ શાંત બન્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે સધાયેલી સમજૂતીના કારણે ભારતીય બજાર આજે ૪૧૦૦૦ની સપાટીને પાર કરવામાં સફળ રહ્યું છે.

7537D2F3 2

આજે માર્કેટ ખુલતાની સાથે જ આઈઆઈએફએલ, એસીસી, અદાણી એન્ટરપ્રાઈઝ અને અદાણી પોર્ટ સહિતની કંપનીઓના શેર ઉંચકાયા હતા. બીજી તરફ બેન્કિંગ સેકટર પર દબાણનો માહોલ જોવા મળ્યો હતો. ભારત જેવા વિકાસશીલ બજારમાં વિદેશી મુડી રોકાણકારોનો ફલો વધ્યો હોવાથી આજે માર્કેટ સકારાત્મક રહ્યું હતું. યશ બેન્ક, ગેઈલ, ટાઈટન, ઓએનજીસી જેવા શેરમાં ૧ થી ૫ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ઝી એન્ટરટેઈનમેન્ટ, ભારત ઈન્ફા ટેલ., ભારતી એરટેલ અને ગ્રાસીમમાં કડાકો બોલી ગયો હતો. આજે શરૂઆતથી કારોબારમાં ઘરેલુ બજારોમાં વધારાની સોનો કારોબાર જોવા મળી રહ્યો હતો. નિફટી ૧૨૧૦૦ની પાર છે. જ્યારે સેન્સેકસ-નિફટીમાં ૦.૫ ટકાની મજબૂતાઈ જોવા મળી છે. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ મામૂલી ખરીદદારી દેખાઈ રહી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્ષમાં ૦.૫૦ ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે નિફટીના મિડકેપ ૧૦૦ ઈન્ડેક્ષમાં ૦.૪૬ ટકાનો નજીવો વધારો દર્જ થયો છે. ફાર્મા, મેટલ, આઈટી, પીએસયુ બેન્ક, ફાયનાન્સીયલ સર્વિસ અને રીયલ્ટીના શેરોમાં ખરીદદારી જોવા મળી છે. બેન્ક નિફટી વધારાની સાથે ૩૧૭૨૧ની સપાટી પર કારોબાર કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.