Abtak Media Google News

પિયુષભાઇ શાહના કંઠે રેલાયા ભક્તિરસમાં દેશ-વિદેશના હજારો ભાવિકો ભીંજાયા

ભક્તિના ભાવોમાં ઓળઘોળ બનીને સ્વયંના અસ્તિત્વને ઓગાળીને ગુરૂ પરમાત્મારૂપી પરમ તત્વમાં એકાકાર થઇ જવાના મધુર સૂરો સાથે, રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે આયોજીત સપ્ત દિવસીય માનવતા મહોત્સવનો મંગલમય પ્રારંભ, પરમધામ સાધના સંકુલના પાવન પ્રાંગણે કરવામાં આવ્યો હતો.

આ અવસરે વિરલપ્રજ્ઞા પૂજ્ય વીરમતીબાઇ મ. તેમજ પૂજ્ય પરમ ઋષિમિત્રાજી મ.એ ગુરૂ તત્વની મહત્તા સમજાવતું પ્રેરણાત્મક પ્રવચન આપી સહુને પ્રેરિત કર્યા હતાં.

છેલ્લાં 43 વર્ષથી સમગ્ર ભારતમાં અલગ-અલગ ક્ષેત્રમાં ચાતુર્માસ બિરાજતાં એવા દરેક પંથના દરેકે દરેક સંતસતીજીઓના ચાતુર્માસ સ્થાનની વિગતવાર માહિતીનું સંકલન કરી રહેલા બાબુલાલજી જૈન દ્વારા સંકલિત આ વર્ષની ચાતુર્માસ સૂચિ પુસ્તિકાનું વિમોચન દિલ્હીના દિલીપભાઇ ધોળકીયા, પ્રવિણભાઇ પારેખ, લલિતભાઇ બાવીશી તેમજ દુબઇના પરાગભાઇ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. બાબુલાલજી જૈનના પુરૂષાર્થની પ્રશસ્તિ કરતા અવસરે એમનું બહુમૂલ્ય સન્માન કરવામાં આવ્યું હતું.

વિશેષમાં પૂજ્ય પરમ પ્રતિષ્ઠાજી મ., પૂજ્ય પરમ ઋષિતાજી મ., તેમજ પૂજ્ય પરમ પાવનતાજી મ.પૂજ્ય પરમ આત્મિયાજી મ. જ્યારે આજરોજ નવમા ઉપવાસની આરાધના સાથે આગળ વધી રહ્યાં છે ત્યારે એમની તપશ્ર્ચર્યાની ભાવભીની અનુમોદના કરીને સહુ ધન્ય બન્યા હતા. એ સાથે જ આ અવસરે દિલ્હીના ધોળકીયા પરિવારના ધર્મવત્સલા અનિલાબેન દિલીપભાઇ ધોળકિયાના 16 ઉપવાસની આરાધનાની નિર્વિઘન સંપન્નતા પર તેમને પારણાં કરાવવામાં આવ્યા હતાં.

ઉપરાંતમાં આજથી પ્રારંભ થઇ રહેલા માનવતા મહોત્સવના અનુલક્ષે રાજકોટ અર્હમ યુવા સેવા ગૃપ તેમજ પારસધામ યુથ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ ભાવિકોને સાધર્મિક સહાય અર્પણ કરવા સાથે માનવતા મહોત્સવની મહેક પ્રસારિત કરવામાં આવી હતી.

તા.26/9/2021 રવિવાર સુધી સાત દિવસ ચાલનારા માનવતા મહોત્સવ અંતર્ગત દરરોજ ઉત્તર ભારત, પૂર્વ ભારત, દક્ષિણ ભારત, આદિ અનેક ક્ષેત્રોનાં ભાવિકો દ્વારા તેમજ વિદેશના ભાવિકો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોની પ્રસ્તૃતિ સાથે ગુરૂચરણમાં ભાવ-ભક્તિ અને શુભેચ્છા વંદનાની અર્પણતા કરવામાં આવશે. ઉપરાંતમાં સાત દિવસ સુધી દેશના અનેક ક્ષેત્રોમાં અબોલ જીવોને, જરૂરીયાતમંદ ગરીબ લાચાર ભાવિકોને અનેક-અનેક સામાજીક સંસ્થાઓ, અનાથશ્રમો, વૃદ્વશ્રમો, પાંજરાપોળોને સહાય આપીને માનવતા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

7 દિવસીય માનવતા મહોત્સવ-માનવતાની પહેલના આ કાર્યક્રમોના આયોજનમાં સર્વ ભાવિકોને જોડાઇ જવા અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.