માતાજી… આવી ‘દશામાં’, જુઓ તસ્વીરો

લોકો ભારે શ્રધ્ધા અને ઉત્સાહ સાથે ધાર્મિક પર્વ દરમિયાન પોતાના ઘર આંગણે માતાજી કે, દેવી-દેવતાઓનું સ્થાપન કરતા હોય છે. દિવસો સુધી ભક્તિભાવ અને હોંશભેર પૂજન-અર્ચન કરવામાં આવતું હોય છે પરંતુ વિસર્જન બાદ ભગવાન કે માતાજીની કેવી દશા થતી હોય છે તે જોવાની કોઈ તસ્દી લેતું નથી. તાજેતરમાં ભક્તો દ્વારા સતત 10 દિવસ સુધી હોંશભેર દશામાંની પૂજા કરવામાં આવી હતી અને દશમાં દિવસે જળાશયોમાં માતાજીની મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

આજી નદીના બન્ને કાંઠે જે રીતે મુર્તિ વિસર્જન બાદ માતાજીની સ્થિતિ જોવા મળી રહી છે તેનાથી ખરેખર ધાર્મિક લાગણીને ઘણી ઠેસ પહોંચે છે. આજી નદીમાં હાલ ગટરના ગંધાતા પાણી વહી રહ્યાં છે. આવા પાણીમાં માતાજીનું વિસર્જન કરવાથી શું પુણ્ય કમાઈ શકાશે તે પણ એક સવાલ મનમાં ઉભો થાય તે સ્વાભાવીક છે.

માત્ર એક જ પર્વ નહીં પરંતુ આગામી દિવસોમાં ગણેશ મહોત્સવનો તહેવાર આવશે ત્યારે પણ લોકો દ્વારા દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવશે. 10 દિવસ તેની પૂજા કર્યા બાદ તેમની મુર્તિનું પણ આડેધડ વિસર્જન કરી દેવાશે. ખરેખર ભાવિકોએ ઈકો ફ્રેન્ડલી મૂર્તિને ઘરમાં પધરાવી તેનું ઘર આંગણે જ વિસર્જન કરવાની પરંપરા શરૂ કરવાની હવે સમયની માંગ છે.