મટકા હેક્સ : ઉનાળામાં માટલાનું પાણી ફ્રિજ જેવું ઠંડુગાર રહેશે..!
ગરમીમાં તડકામાંથી આવ્યા બાદ લોકો મોટા ભાગે ચિલ્ડ વોટર પીવાનું પસંદ કરે છે. પાણીને નેચરલી ઠંડુ કરવા માટે માટલાનો ઉપયોગ બેસ્ટ માનવામાં આવે છે, એટલા માટે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે, માટલાનું પાણી કેવી રીતે ઠંડુ કરવું, જેના માટેની ટિપ્સ અહીં આપી છે, જેને ફોલો કરીને આપ ફ્રિજ વિના ઠંડુ પાણી પી શકશો.
ઉનાળાની ગરમીમાં ઠંડુ પાણી પીવાથી શરીરને રાહત મળે છે. આજકાલ મોટાભાગના ઘર, ઓફિસમાં ફ્રિજનું ઠંડું પાણી ઉપલબ્ધ હોય છે. જો કે ફ્રિજનું પાણી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. લાંબા સમય સુધી ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી શરદી, કફ અને ગળાની સમસ્યા થઇ શકે છે. આવી સ્થિતિમાં માટલાનું પાણી પીવું આરોગ્ય માટે ફાયદાકારક હોય છે. અલબત્ત ઘણા લોકો ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ ન થવાની ફરિયાદ કરતા હોય છે. અમે અહીં આ સમસ્યાની સમાધાન આપવાનો પ્રયાસ કર્યો છે. અહીં એક સરળ ટીપ્સ આપી છે, જે કરવાથી ઉનાળામાં માટલાનું પાણી ફ્રિજ જેવું ઠંડુગાર રહેશે.
ગ્રામીણ વિસ્તારોમાં તો ફ્રિજ હોવા છતાં, આજે પણ લોકો ઠંડા પાણી માટે માટલામાં પાણી ભરીને રાખે છે. માટલાના પાણીની ખાસિયત એ હોય છે કે તે સ્વાદમાં મીઠુ હોય છે, સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભકારક હોય છે. પરંતુ ઘણા લોકો માટલાનું પાણી ઠંડુ ન થવાની સમસ્યાથી પરેશાન રહે છે.
તેવામાં અમે આ આર્ટિકલમાં માટલાનું પાણી ફ્રિજ જેટલું જ ઠંડુ રાખવા માટે એક સ્પેશિયલ ટ્રિક જણાવીશું, જેનાથી તમારે ફ્રિજની જરૂર નહીં પડે. તો ચાલો જાણીએ આ ટ્રિક વિશે.
માટલું ખરીદવાની ટિપ્સ
ગરમીમાં માટલાના ઠંડા પાણીનું સેવન કરવા માટે યોગ્ય માટલાની પસંદગી કરો. ત્યારે આવા સમયે માટલું ખરીદતી વખતે હાથથી વગાડીને જોઈ જુઓ. આપને માટલાનો સારો અવાજ પાક્કુ હોવાનું ખાતરી આપશે.
આમ પણ પાક્કા માટલામાં પાણી જલ્દી અને વધારે ઠંડુ થાય છે. એટલા માટે માટલુ ખરીદતી વખતે પાક્કા માટલા ખરીદવા જોઈએ. આ પ્રકારના માટલામાં પાણી રાખવાથી વધારે ઠંડુ રહે છે.
કોટનનું કાપડ લપેટો:
જો તમારા માટલાનું પાણી ઠંડુ ન થતું હોય તો તમે માટલાની ચારેય તરફ ભીનું કોટનનું કાપડ કે પછી શણ પલાળીને લપેટી દો. આવું કરવાથી બહારનું ગરમ તાપમાન માટલાને ગરમ નહીં કરે અને તેની અંદર રહેલું પાણી ઠંડુ રહેશે.
માટલુ સ્ટેન્ડ પર રાખો:
મોટાભાગના લોકો માટલાને ફર્શ પર રાખે છે, પરંતુ આવું કરવાથી તેમાં રહેલુ પાણી ઠંડુ નથી થઇ શકતું કારણ કે ફર્શનો ગરમાવો માટલાને પણ ગરમ કરી નાંખે છે. તેથી તમે માટલાને નીચે રાખવાના બદલે સ્ટેન્ડ પર કે પછી માટીના કોઇ વાસણ પર રાખો. આવું કરવાથી તેનું પાણી હંમેશા માટે ઠંડુ રહેશે.
માટલા પર ફટકડી લગાવો:
ઘરમાં રહેલા માટલાને સમયાંતરે સાફ કરો અને જ્યારે તમે તેમાં પાણી ભરીને રાખવા જઇ રહ્યાં હોય તો તેને ઢાંકતા પહેલા ફટકડીનો એક ટુકડો લઇને એક મિનિટ સુધી તેની ઉપર હલાવો. તેનાથી માટલાના છિદ્ર બંધ થઇ જશે. જેના કારણે તેમાં રહેલું પાણી એવું જ રહેશે.
રેતી પર મૂકો માટલુ:
માટલામાં પાણી ભર્યા બાદ માટીના વાસણ કે પ્લેટ કે વાટકીમાં રેતી ભરીને તેની ઉપર માટલુ રાખો. આવું કરવાથી પણ પાણી ઠંડુ રહેશે.
ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી અને તડકાના કારણે લોકોની હાલત દયનીય બની જાય છે. આવી સ્થિતિમાં દરેકને માત્ર ઠંડી હવા અને પાણીની જરૂર હોય છે. તેવામાં જો ફ્રિજના બદલે માટલાનું ઠંડુ પાણી મળી જાય તો મનની સાથે આત્મા પણ તૃપ્ત થઇ જાય છે. આધુનિકતાના સમયમાં પણ ગરમીમાં પાણી ઠંડુ રાખવા માટે લોકો માટલાનો ઉપયોગ કરી રહ્યાં છે. તમે પણ આ ટીપ્સ ટ્રાઈ કરી શકો છો.