મામલો મજધારે-કિસાન આંદોલનમાં બે મુદ્દે સમાધાન, બેમાં અસમંજસ

ખેડૂતો જણસના ભાવ બાંધણાનો કરે છે આગ્રહ: કૃષિ બિલો પાછા ખેંચવાની માંગ સરકાર માટે હાલ અસ્વીકાર્ય

કેન્દ્ર સરકાર અને ખેડુત સંગઠન વચ્ચે ચાલતી કૃષિ કાયદા મુદ્દે અસમંજસ ઉકેલવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. ગઈકાલે મળેલી બેઠકમાં પરાલ સળગાવવા અને  પાવર ટેરીફના મુદ્દે સમાધાન કરવામાં સફળતા મળી હતી જયારે લઘુતમ ટેકાના ભાવો અને ભાવ બાંધણાની સાથે સાથે ત્રણેય કૃષિ વિધેયકો પાછા ખેંચવાના મુદ્દે કોઈ નિર્ણય વગર બેઠક પુરી થઈ હતી. હવે બીજી બેઠક ચોથી જાન્યુઆરીએ મળશે. સરકારે કાયદામાં સુધારાઓ, પરાલ સળગાવવાના દંડ અને પાવર ટેરીફ મુદ્દે ખેડૂત સંગઠનોની માંગનો સ્વીકાર કર્યો હતો જયારે લઘુતમ ટેકાના ભાવ, ભાવબાંધણુ અને ત્રણ કૃષિ બિલો પાછા ખેંચવાના મુદ્દે સમાધાન થયુ ન હતું.

(૧) છઠ્ઠા તબકકાની વાતચીત દરમિયાન બપોરે ૨:૩૦ વાગ્યે શરૂ થયેલી મીટીંગમાં કૃષિ મંત્રી, વેપાર મંત્રી હાજર રહ્યા હતા.

(૨) સરકારે અડધોઅડધ મુદ્દાઓ ઉકેલાયા હોવાનો દાવો કર્યો હતો.

(૩) શાંતિપૂર્ણ રીતે કૃષિ આંદોલન આટોપવા માટે સરકારની પ્રતિબઘ્ધતા વચ્ચે ખેડૂતોએ ભાવબાંધણુ અને કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ બરકરાર રાખી હતી.

(૪) ખેડૂતોએ ભાવબાંધણુ અને કાયદા પાછા ખેંચી લેવાના મુદાના ઉકેલ માટે ૪થી જાન્યુઆરીની બેઠક પર આશા બાંધી છે.

(૫) ખેડૂતોના લંગરમાં ત્રણેય કેન્દ્રીય મંત્રીઓએ પ્રસાદ લીધો.

(૬) કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ સરકાર ઉપર ખેડૂતોના વિશ્વાસ ગુમાવવાનો આક્ષેપ કર્યો હતો.

(૭) ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતે ખેડૂતોએ સરકારના હિતના પગલાઓની કદર કરવી જોઈએ. (૮) ખેડુતોના મતે ખેતી ઉપજના પુરા ભાવ મળે તેવી બાંહેધરી મળવી જોઈએ.

(૯) ખેડુતોના આગેવાનો સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી વાતચીતની તરફેણમાં.

(૧૦) દેશના કેટલાક વિસ્તારોમાં ખેડુતોને પાણીના ભાવે માલ વેંચવાની ફરજ પડતી હોવાનો કર્યો આક્ષેપ.