Abtak Media Google News

રાજકોટના સાંસ્કૃતિક વારસાને મળશે નૂતન નજરાણું: મહોત્સવનો હરિભકતોને લાભ લેવા અનુરોધ

રાજકોટની સત્સંગ પ્રવૃતિને વધુ વેગવંતી બનાવવા માટે મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટમાં મવડી ખાતે ત્રીજા સંસ્કારધામનું નિર્માણ કાર્ય સંપન્ન થઈ ચુકયું છે. પૂ.પ્રમુખસ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે આવતીકાલથી તા.૩૦ સુધી મવડી વિસ્તારના ભવ્ય મંદરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ બીએપીએસના વિદ્ધાન સદગુરુવર્ય સંત પૂ.ડોકટર સ્વામીના સાંનિધ્યમાં યોજાશે.

આવતીકાલે શનિવારના રોજ સાંજે ૫:૩૦ થી ૮:૩૦ વાગ્યા સુધી સમગ્ર વિશ્ર્વમાં સુખ-શાંતિ અને પરિવારની સુખાકારી માટે વિરાટ વૈદિક મહાપુજાનું આયોજન કરાયું છે. જેમાં સાળંગપુરથી સંગીત વિશારદ સંતો સંગીતમય મહાપૂજાવિધિનો લાભ આપશે. દ્વિતીય દિવસે તા.૨૯ રવિવારના રોજ સાંજે ૪ થી ૮:૩૦ વાગ્યા સુધી મવડી વિસ્તારના રાજમાર્ગો પર શોભાયાત્રા યોજાશે. જેમાં વિવિધ કલાત્મક રાજહંસ, મયુરરથ, વ્યસનમુકિત અભિયાનનો રથ, પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના જીવન કાર્યને દર્શાવતો અદભુત ફલોટ તેમજ વિવિધ આકર્ષક ફલોટસનો દર્શન લાભ મળશે. સદગુરુવર્ય પૂ.ડોકટર સ્વામીના દર્શન આશીર્વચનનો પણ લાભ મળશે.

તૃતીય દિવસે તા.૩૦ને સોમવારના રોજ સવારે ૭:૩૦ થી ૧૨:૦૦ વાગ્યે પૂ.મહંતસ્વામી મહારાજ દ્વારા પૂજિત થયેલા ભગવાન સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, રાધાકૃષ્ણ દેવ, ગણપતિજી, હનુમાનજી અને ગુરુપરંપરાના મનોહર દિવ્ય સ્વરૂપોની પ્રાણપ્રતિષ્ઠાવિધિ બીએપીએસના વિદ્ધાન સદગુરુવર્ય સંત પૂ.ડોકટર સ્વામીના હસ્તે થશે.

આ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે આયોજીત વૈદિક વિરાટ મહાપૂજા, ઠાકોરજીની શોભાયાત્રા અને પ્રતિષ્ઠા સમારોહમાં પરિવાર-મિત્રજનો સાથે ઉપસ્થિત રહેવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી તથા સંત નિર્દેશક પૂ.અપૂર્વમુનિ સ્વામીએ રાજકોટની તમામ ભાવિક જનતાને અનુરોધ કર્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.