Abtak Media Google News

Table of Contents

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં વીજળીના ડરામણા કડાકા-ભડાકા સાથે સતત બે કલાક સુધી કમોસમી વરસાદ પડ્યો: અનેક સ્થળોએ કરા પડ્યા: નદીઓમાં પુર આવ્યા, પાકનો સોથ વળી ગયો

કોટડા સાંગાણી અને બગસરામાં એક-એક ઇંચ વરસાદ ખાબકયો

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હોળીના તહેવારના ટાંકણે જ માવઠાની હોળી સર્જાય છે. જગતાતના હૈયે હોળી સળગી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 103 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. હજી 48 કલાક વરસાદની આગાહી આપવામાં આવી છે. ફાગણ મહિનામાં જાણે અષાઢી માહોલ સર્જાયો છે. નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. અનેક સ્થળોએ કરા પડ્યા હતાં. ખેતરોમાં તૈયાર થઇને ઉભેલા પાકનો સોંથ વળી ગયો છે. જગતાતને પારાવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકાર તાત્કાલીક અસરથી સર્વે બાદ યુધ્ધના ધોરણે સહાય ચૂકવે તેવી માંગણી ઉઠી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અને રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનીક સરક્યુલેશનના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે.

સોમવારે હોળીના દિવસે સમી સાંજે પવનના સુસવાટા અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. રાજકોટ જિલ્લાના જસદણ અને ત્રંબામાં વીજળી પડવાના કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા હતાં. અનેક સ્થળોએ બરફના કરા પડ્યા હતાં. રાજ્યના 103 તાલુકાઓમાં સામાન્યથી લઇ એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. સતાધાર નજીક આવેલી આંબાજળ નદીમાં નવા નીરની આવક થવા પામી છે. જ્યારે માણદીવા અને પોપરડી નદીમાં ઘોડાપુર આવ્યા હતાં. અમરેલી પંથકમાં ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતાં.

સાવરકુંડલા પંથકમાં વીજળી પડવાના કારણે ઘર વખરી બળીને ખાક થઇ ગઇ હતી. અનેક સ્થળોએ કરા પડ્યા હતાં. સમી સાંજે પડેલા વરસાદના કારણે કેટલાક ગામોમાં હોળી પ્રગટી શકી ન હતી. માવઠાના કારણે ઘઉં, ચણા, જીરૂ, ધાણા, મરચા અને કેરીના પાકને વ્યાપક નુકશાની થવા પામી છે. ખેતરોમાં તૈયાર થઇને ઉભેલા પાક અને વાઢીને ખેતરમાં રાખવામાં આવેલો પાક પલળી ગયો હતો. માર્કેટીંગ યાર્ડમાં પણ ખૂલ્લામાં રાખવામાં આવેલો પાક પલળી જતા ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવી પડી હતી.

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ ભારે નુકશાની વેઠવી પડી છે. આવામાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક ધોરણે માવઠાથી થયેલી નુકશાનીનો સર્વ બાદ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માંગણી ઉઠી રહી છે.

સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર સહિત 14 જિલ્લામાં આજે કમોસમી વરસાદની આગાહી

48 કલાક વરસાદી વાતાવરણ રહેશે 14 થી 16 માર્ચ ફરી માવઠાની સંભાવના

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અને રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનના કારણે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હજી 48 કલાક રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. આજે સૌરાષ્ટ્રના ત્રણ સહિત રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

આજે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર ઉપરાંત કચ્છમાં વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન આવતીકાલે અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, ડાંગ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતા સપ્તાહે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સક્રિય થવાના કારણે 14 થી 16 માર્ચ દરમિયાન ફરી કમોસમી વરસાદ પડશે.

ત્રંબા ગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત

જસદણમાં વીજળી પડતાં પતરા નીચે દટાઈ જતા બે બાળક સહિત ત્રણ ઘવાયા

હોળીના પર્વ પર જાણે કુદરતને કઈક અલગ જ પસંદ હોય તેમ ગઇ કાલે સૌરાષ્ટ્રમાં પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે જગતનો તાત મુંજવણમાં મુકાયો છે. પરંતુ રાજકોટના ત્રંબા ગામે એક ખેડૂત પરિવાર પર દુ:ખનું આભ ત્યારે ફાટ્યું જ્યારે વરસાદના કારણે વાડીએ સરખું કરતા વીજળી પડી હતી અને પરિવારના મોભી અને ખેડૂતનું મોત નિપજ્યું હતુ. તો બીજી તરફ જસદણમાં પણ વીજળી પડતા મકાનના પતરા નીચે દટાઈ જતા બે બાળકો સહિત ત્રણ લોકો ઘવાયા હતા. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેર અને તાલુકામાં ગઇ કાલે જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદના પગલે લોકો સહિત ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પરંતુ રાજકોટ અને જસદણમાં કમોસમી વરસાદ સાથે વીજળી પડ્યાની ઘટના પણ સામે આવી છે.

જેમાં રાજકોટના ભાગોળે આવેલા ત્રંબા ગામમાં રહેતા અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા કમલેશભાઈ ભીખાભાઈ ટીમ્બડીયા નામના 44 વર્ષીય ખેડૂત કમોસમી વરસાદના પગલે પોતાની વાડીએ પાકને બચાવવા માટે સરખું કરવા ગયા હતા. પરંતુ વાડીમાં કામ કરતી વેળાએ ખેડૂત પર વીજળી પડતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા ખેડૂત પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

તો જસદણમાં પણ ગઇ કાલે સાંજે ગાજવીજ સાથે વરસાદ પડતાં એક મકાનમાં રહેતા 17 સભ્યનો પરિવાર મૂંઝાયો હતો. જે મકાનમાં આ પરિવાર જમવા બેઠો હતો તે મકાન પર એકાએક વીજળી પડતા દીવાલમાં તિરાડ પડી જતાં પતરા પડી જતાં તેમાં અર્પિતા (ઉ.વ.7), બાદલ (ઉ.વ.15) અને મહેશ (ઉ.વ.25) એમ ત્રણેયને સામાન્ય ઇજા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નુકશાનીનો સર્વે કરવા મુખ્યમંત્રીનો આદેશ

વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલની જાહેરાત

વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાયકલોઝીક સરકયુલેશનના કારણે રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યા છે. જેના કારણે ખેડુતોએ પારવાર નુકશાની વેઠવી પડી છે. માવઠામાં થયેલી નુકશાનીનો સર્વ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા આદેશ આપવામાં આવ્યા હોવાની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા માવઠાથી થયેલી નુકશાની અંગે તાત્કાલીક ધોરણે સર્વ કરવામાં આવશે અને સર્વના આધારે સહાયની જાહેરાત કરવામાં આવશે આગામી દિવસોમાં સર્વ શરુ કરવામાં આવશે. તમામ જિલ્લાના કલેકટરને નુકશાનીના સર્વનો આદેશ આપવામાં આવશે. તાત્કાલીક ધોરણે સર્વ રિપોર્ટ  આપવા પણ જણાવવામાં આવશે ખેડુતોને શકય તેટલું ઝડપથી નુકશાનીના સર્વ બાદ સહાયની રકમ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

જાણે ચોમાસું બેઠું: રાજયના 103 તાલુકાઓમાં કમોસમી વરસાદ

ફાગણ મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો જાણે ચોમાસુ બેઠુ હોય તેમ છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 103 તાલુકાઓમાં વરસાદ પડયો હતો. હજી 48 કલાક વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી અને અમરેલી જિલ્લાના બગસરામાં એક-એક ઇંચ વરસાદ પડયો હતો. ખેડુતોને પારાવાર નુકશાનીનો સામનો કરવો પડયો છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, નર્મદા, ડાંગ, તાણી, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, વલસાડ, મહિસાગર, મહેસાણા, મોરબી, અરવલ્લી, ભાવનગર, જુનાગઢ, પાટણ સહીતના જિલ્લાઓમાં વરસાદ પડયો હતો. અમુક સ્થળોએ કરા પડયા હતા. આજે પણ 14 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.