Abtak Media Google News

સી.આર.પાટીલ કહે છે 50 કોર્પોરેટરોમાંથી લાયકાતના ધોરણે કોઈ પણ પસંદ થઈ શકે છે 

સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે ત્રણ નામની ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં ચર્ચા 

શહેરના મેયર, ડે.મેયર અને કારોબારી ચેરમેન માટે શહેર ભાજપ દ્વારા 11 નામો રજૂ કરાયા છે. જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને સ્ટેન્ડીંગ કમિટિના સભ્યોની ચૂંટણી શુક્રવારે મળનારી સૌ પ્રથમ સામાન્ય સભામાં થનાર છે ત્યારે ખાસ કરીને પાંચ મુખ્ય પદાધિકારીઓની પસંદગી પહેલા દાવેદારોના નામો અંગે ગઇકાલે સાંજે મુખ્યમંત્રી નિવાસે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં ચર્ચા થઇ હતી. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન માટે શહેર ભાજપ દ્વારા 11 નામો રજૂ કરાયા હતા. મહાનગરપાલિકાના પદાધિકારીઓની પસંદગી માટે ગઇકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિવાસે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક જામનગર મહાનગરપાલિકાના મુખ્ય પદાધિકારી સંદર્ભે મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, પ્રદેશ મહામંત્રી સહિતના અપેક્ષિત અગ્રણીઓ ઉપરાંત જામનગર શહેરના ધારાસભ્ય અને રાજય સરકારના મંત્રી આર.સી. ફળદુ, ધર્મેન્દ્રસિંહ (હકુભા)જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, પૂર્વ પ્રમુખ હસમુખભાઇ હિન્ડોચા, શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પ્રકાશભાઇ બાંભણીયા, પ્રભારી ધનસુખભાઇ ભંડેરી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જામનગર ભાજપ દ્વારા મેયરપદ માટે 4, ડેપ્યુટી મેયર પદ માટે 4 અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનપદ માટે 3 નામોની પેનલ રજૂ કરવામાં આવી હતી. આ દરેક 11 નામો અંગે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત શાસકપક્ષના નેતા અને દંડક માટે પણ ચર્ચા થઇ હતી તેમ જાણવા મળે છે.

ચર્ચા દરમ્યાન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એવુ કહ્યાનું પણ કહેવાય છે કે, ઉપરોકત 11 નામોમાંથી જ પસંદગી થાય તે જરૂરી નથી. ભાજપના વિજેતા 50 કોર્પોરેટરોમાંથી કોઇ પણની પસંદગી નિયત ધારા ધોરણને લઈ થઈ શકે છે.

મેયરપદ માટે મુખ્યત્વે વોર્ડ.નં.5ના બિનાબેન કોઠારીનું નામ મોખરે છે. કેમ કે તેઓની બીજી ટર્મ છે. ગત વખતે (5 વર્ષ પહેલા) તેમનું નામ મેયરપદે ચર્ચાયુ હતું. પરંતુ છેલ્લી ઘડીએ પ્રતિભાબેન કનખરાનું નામ જાહેર થયું હતું. વળી છેલ્લા 3 વર્ષમાં જૈન સમાજને કોઇ પદ મળ્યું નથી. સંગઠ્ઠનમાં પણ મુખ્યપદોમાંથી કોઇ પદે જૈન કાર્યકર્તા મુકાયા નથી. બિનાબેનના સસરા સંઘના ચુસ્ત કાર્યકર હતા. આ બધી બાબતોને ધ્યાને લઇ બિનાબેનનું નામ મોખરે હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત વોર્ડ નં.9માંથી કુલ ત્રીજી વખત ચુંટાયેલ કુસુમબેન પંડયાનું નામ પણ ચર્ચામાં છે. ડેપ્યુટી મેયર પદ માટે 4 અને સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન માટે 3 સંભવિત નામો પાર્લામેન્ટ્રી બોર્ડમાં રજૂ કરાયા હતા.

હોદેદારની પસંદગી માટેના પક્ષના માપદંડ કેવા છે?

મહાનગરપાલિકાના પાંચ મુખ્ય પદાધિકારીઓ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન, શાસકપક્ષના નેતા અને દંડકના નામો પસંદ કરતી વખતે સામાન્ય રીતે ભાજપના કેટલાક પરંપરાગત માપદંડ છે તે મુજબ શહેરના બંને વિધાનસભા વિસ્તારનું બેલેન્સ, બંને ધારાસભ્યોની ભલામણ, સાંસદનો અભિપ્રાય, જ્ઞાતિ બેલેન્સ, સિનિયોરીટી, પક્ષમાં સક્રિયતાની બાબતનો સમાવેશ થાય છે. જો કે આમ છતાં ભુતકાળની માફક આ વખતે પણ ભાજપ કોથળામાંથી બિલાડુ કાઢે તો નવાઇ નહી ગણાય કેમ કે જે નામોની ભારે ચર્ચા કે લોબીંગ હોય તેવા એકાદ-બે નામોમાં ફેરફાર થઇ જતા હોય છે. ઉપરોકત માપદંડ અન્વયે મુખ્ય પદાધિકારીઓ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન સિવાયના 11 સભ્યોની પસંદગી કરાશે.

શહેરમાં હિંદુ ઉત્સવ સમિત્તિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે છેલ્લા 39 વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રની પરંપરા આ વર્ષે 40 માં વર્ષે પણ જાળવવામાં આવશે. આ વખતે શિવ શોભાયાત્રાના ચાર દાયકા પૂર્ણ થયા છે ત્યારે ગુરૂવારે યોજાનારી આ ભવ્યાતિભવ્ય શિવ શોભાયાત્રામાં 11 કિલો ચાંદી મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભિત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત 11 સંસ્થાના 21 જેટલા ચલિત ફ્લોટ્સ વિશેષ આકર્ષણ જગાવશે. શિવજીને ત્રિશુલ, ડમરૂં, ચંદ્ર, કુંડળ, માળા, જનોઇ, છત્તર જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરવામાં આવશે. જે શોભાયાત્રા નાગેશ્ર્વર મંદિરથી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન મહાદેવ મંદિરે પૂર્ણ થશે અને મહાઆરતી યોજાશે.

ચાલીસમાં વર્ષે પણ સરકારની કોરોનાની ગાઇડ લાઇનને અનુસરીને ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શિવ શોભાયાત્રામાં સ્થાન પામતી શિવજીની રજત મઢીત પાલખીનો પૂજનવિધિ સમારોહ ગુરૂવારને મહાશિવરાત્રીના દિવસે સવારના 10 થી 12 શ્રી રામદૂત હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યોજાશે. જેમાં પાલખીની પ્રાસાદ પ્રતિષ્ઠા અને ભગવાનની પૂજા શહેરના 11 અગ્રણી દંપતિઓ દ્વારા થશે. ઉપરાંત અન્ય ભાવિકજનો પણ આ પાલખીનું પૂજન-અર્ચન-દર્શન તે જ સ્થળે કરી શકશે. ત્યારપછી બપોરના ત્રણ વાગ્યે અહીંથી પાલખી સિધ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતી કરવામાં આવશે. જ્યાં સંતો-મહંતોની અને શહેરના શ્રેષ્ઠિઓની ઉપસ્થિતિમાં પૂજનવિધિ પછી શિવ શોભાયાત્રાનો પ્રારંભ થશે. શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફ્લોટ તદ્ ઉપરાંત રૂદ્રાય ચેરીટેબલ ટ્રસ્ટ (બે ફ્લોટ), શિવસેના (એક ફ્લોટ), સતવારા સમાજ (ચાર ફ્લોટ), મહાસેના મિત્ર મંડળ (બે ફ્લોટ), બ્રહ્મદ્વ સમાજ (એક ફ્લોટ), ભગવા રક્ષક (બે ફ્લોટ), હિન્દુ સેના (એક ફ્લોટ), શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફ્લોટ), ઓમ યુવક મંડળ (એક ફ્લોટ), મહાદેવ કલાસીસ (બે ફ્લોટ), વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ (એક ફ્લોટ), સહિતના મંડળો દ્વારા 21 જેટલા સુંદર અને આડર્ષક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા સમગ્ર શોભાયાત્રા દરમિયાન મહાદેવહર મિત્ર મંડળ દ્વારા સતત શિવ ભજનાવલિ-ધૂન રજૂ કરાશે. બેંડ વાજા, ઢોલ, શરણાઇની સુરાવલી સાથે શ્રધ્ધાળુ ભાઇ-બહેનો વગેરે જોડાશે. કેટલાક યુવક મંડળો દ્વારા તલવારબાજી, લાઠીદાવ, લેઝીમ, પીરામીડ તેમજ અંગ કસરતના કરતબોના કારણે શોભાયાત્રા ભવ્ય બનશે. ઉપરાંત ડી. જે. સાથેના પણ કેટલાક ફ્લોટ્સ જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.