મેયર, સ્ટે.ચેરમેન અને મ્યુનિ.કમિશનર ગાંધીનગરમાં: સીએમ સાથે સાંજે બેઠકl

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી પણ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં રહેશે હાજર: કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટ અને પ્રશ્ર્ન અંગે ચર્ચા

 

અબતક, રાજકોટ

મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીનો કાફલો ગાંધીનગર પહોંચી ગયો છે.

સાંજે 7 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે ખાસ બેઠક યોજાશે. જેમાં કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટ અને પ્રશ્ર્નો અંગે વિસ્તુત ચર્ચા કરવામાં આવશે.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા આજે ગાંધીનગર ખાતે વિશેષ બેઠક બોલાવવામાં આવી હોય તેમાં સામેલ થવા માટે મેયર ડો.પ્રદિપ ડવ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સવારે જ ગાંધીનગર પહોંચી ગયા હતાં. દરમિયાન બપોરે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓને મળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલેએ સાંજના 7 વાગ્યાનો સમય આપતા બપોરે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા મારતી ગાડીએ પાટનગર જવા માટે રવાના થઇ ગયા હતાં. છેલ્લા સવા મહિનાથી કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી પાસે સમય માંગવામાં આવી રહ્યો છે. અગાઉ જ્યારે એક વખત ભૂપેન્દ્રભાઇ પટેલે મળવા માટેનો સમય આપ્યો તે દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હોવાના કારણે ગાંધીનગર પદાધિકારીઓ જઇ શક્યા ન હતા.

ત્યારબાદ બે વખત અલગ-અલગ પદાધિકારીઓએ મુખ્યમંત્રી પાસે સમય માંગ્યો હતો પરંતુ સીએમ મુંબઇ અને દુબઇના પ્રવાસે હોવાના કારણે મળી શક્યા ન હતાં.

આજે સવારે પ્રદેશ ભાજપ આયોજીત વિશેષ બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓને મળવા માટે સાંજના 7 વાગ્યાનો સમય આપ્યો હતો.

મેયર ડો.પ્રદિપ ડવ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી ગાંધીનગર જ રોકાઇ ગયા હતા જ્યારે બપોરે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા મ્યુનિ.કમિશનર અમિત અરોરા ગાંધીનગર જવા માટે રવાના થયા હતાં.

મુખ્યમંત્રી સાથેની બેઠક દરમિયાન કોર્પોરેશનના પદાધિકારીઓ રાજકોટમાં હાલ ચાલતાં બ્રિજ સહિતના વિવિધ પ્રોજેક્ટ, પેન્ડિંગ ટીપી સ્કિમ સહિતના મુદ્ે વિસ્તૃત રજૂઆત કરશે. તેવું જાણવા મળી રહ્યું છે.