- નવી મેડિકલ કોલેજો થકી અંતરિયાળ વિસ્તારોમાં મળશે ગુણવત્તાયુક્ત તબીબી શિક્ષણ: સ્થાનિક વસ્તીને મળશે ફ્રી સારવારનો લાભ
ગુજરાત રાજ્યમાં તબીબી શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે વેરાવળ, જામખંભાળિયા, અને દ્વારકા સહિતના જિલ્લા મથકો પર આવેલા હાલના આરોગ્ય કેન્દ્રોને આધુનિક બનાવીને તેને મેડિકલ કોલેજોમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે. આ પહેલ જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલ હેઠળ અમલમાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ગુણવત્તાયુક્ત તબીબી સુવિધાઓ અને શિક્ષણની પહોંચ વધારવાનો છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક યુવાનોને તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની નવી તકો મળશે અને સામાન્ય જનતાને આધુનિક આરોગ્ય સેવાઓનો લાભ મળશે. જેને બ્રાઉન મેડિકલ કોલેજ કહેવામાં આવે છે. જોકે, આ વર્ષે માર્ચ સુધી અમલમાં રહેલી હાલની બ્રાઉનફિલ્ડ નીતિને લંબાવવા માટે રાજ્ય સરકારની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે.
જે નવ સ્થળોએ નવી બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજો શરૂ થશે તેમાં ગીર સોમનાથમાં વેરાવળ, બોટાદ, દેવભૂમિ દ્વારકામાં જામ ખંભાળિયા, ખેડામાં નડિયાદ, ડાંગના આહવા, મહિસાગરના લુણાવાડા, છોટા ઉદેપુર, આણંદ અને અરવલ્લીમાં મોડાસાનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં તબીબી સુવિધાઓ અને શિક્ષણની પહોંચ વધશે, જે સ્થાનિક વસ્તી માટે ફાયદાકારક રહેશે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઓક્ટોબર 2024માં જ રાજ્યમાં નવી બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજો માટેની યોજનાઓની જાહેરાત કરી હતી. બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ્સ એટલે હાલની સુવિધાઓનું અપગ્રેડેશન અને વિસ્તરણ, જ્યારે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ એટલે શરૂઆતથી નવું બાંધકામ. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક વસ્તીને ગુણવત્તાયુક્ત સારવાર આપવાનો અને રાજ્યના યુવાનોને તબીબી શિક્ષણની વધુ તકો પૂરી પાડવાનો છે. હાલમાં દાહોદ, ભરૂચ, અમરેલી, બનાસકાંઠા અને તાપી જિલ્લામાં બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજો કાર્યરત છે.
ડિરેક્ટર (તબીબી શિક્ષણ) ડોક્ટરે જણાવ્યું હતું કે નવી બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ પ્રોજેક્ટ્સ માટે હોસ્પિટલો અને ભાગીદારોની ઓળખ કરી લેવામાં આવી છે. સુધારેલી નીતિ અમલમાં આવ્યા પછી સહયોગ માટેની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. આ કોલેજો માટે ઘણી શરતો પણ રાખવામાં આવી છે. જેમ કે, હોસ્પિટલોએ સગર્ભા મહિલાઓને ડિલિવરી પછી 20 દિવસ સુધી અને એક વર્ષ સુધીના બાળકોને મફત સારવાર આપવી પડશે. આ ઉપરાંત, એનઆઇસીયુ અને ડાયાલિસિસ સેવા માટે 10-બેડ યુનિટ સ્થાપિત કરવા પડશે અને હૃદય, મગજ, કેન્સર અને અંગ પ્રત્યારોપણ સિવાયની તમામ સ્થિતિઓ માટે મફત સારવાર આપવી પડશે.
આ સંસ્થાઓને ટ્રોમા અને વાહન અકસ્માતના દર્દીઓને મફત સારવાર અને મફત બ્લડ બેંક સેવાઓ પૂરી પાડવા માટે પણ કહેવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે રાષ્ટ્રીય તબીબી આયોગની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે હોસ્પિટલના વિસ્તરણ અને અપગ્રેડ માટે આ હોસ્પિટલોને કોઈ વધારાની સરકારી ગ્રાન્ટ આપવામાં આવશે નહીં. તમામ રાજ્ય અને કેન્દ્રીય યોજનાઓનો અમલ કરવાનું પણ ફરજિયાત રહેશે. આ પ્રોજેક્ટ્સ ગુજરાતમાં તબીબી ક્ષેત્રે એક નવી ક્રાંતિ લાવશે અને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવશે.