Abtak Media Google News
તાલીમબદ્ધ માનવબળ ઊભો કરીને રોજગારી વધારવા ઉદ્યોગકારો, શૈક્ષણિક સંસ્થાઓ સાથે વિચાર વિમર્શ કરાયો

રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (એન.એસ. ડી.સી.)ના પ્રતિનિધિઓએ આજે રાજકોટના વિવિધ ઉદ્યોગ એસોસિએશન સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકનો હેતુ સ્પષ્ટ કરતા નિગમના પ્રતિનિધિ પારૂલ મહાજને જણાવ્યું હતું કે, એકતરફ ઉદ્યોગોમાં તાલીમબદ્ધ માનવબળની અછત છે, બીજીતરફ શૈક્ષિણક સંસ્થાઓમાં ઉદ્યોગોની વર્તમાન અને બદલાતી જરૂરિયાત મુજબની તાલીમ મળતી નથી.

તેમણે કહ્યું કે, આ ગેપને કેમ પૂર્ણ કરવા ઉદ્યોગો પોતાની જરૂરિયાતો નિગમને જણાવે, અને એ મુજબ શૈક્ષણિક સંસ્થાઓ તાલીમ આપે તેવી વ્યવસ્થા ઊભી કરવા કવાયત ચાલી રહી છે.

જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટના ઉદ્યોગો દ્વારા દેશના સકલ ઘરેલુ ઉત્પાદન (જી. ડી.પી.)માં આપતા યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, જિલ્લાના ઉદ્યોગો ચારથી પાંચ લાખ લોકોને રોજગારી આપે છે. સમગ્ર દેશમાં રાજકોટને નેશનલ સ્કીલ એવોર્ડ મળ્યો છે, જે ઉદ્યોગોને આભારી છે.

આ બેઠકમાં અધિક કલેક્ટર એસ. જે. ખાચર, એન.એસ.ડી.સી.ના પ્રતિનિધિ ઉદય શ્રોફ, રાકેશ કુમાર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરી તથા અન્ય અધિકારીઓ, જિલ્લા ઉદ્યોગ સલમતી અને સ્વાસ્થ્ય ખાતાના અધિકારીઓની ટીમ, ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ જી.આઈ.ડી.સી.ના ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.