- કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં તિરંગાયાત્રાની પૂર્વ તૈયારીની બેઠક યોજાઇ
- 14મી મે એ સાંજે પાંચ વાગ્યે ભાવનગર શહેરમાં વિવિધ સંસ્થાઓના સંકલનથી તિંરગાયાત્રાનું ભવ્ય આયોજન
- મોતીબાગ ટાઉન હોલથી શહીદ સ્મારક સુધી તિરંગાયાત્રા યોજાશે
- ભાવનગર જિલ્લાની વિવિધ સંસ્થાઓ, એનજીઓ તેમજ ભાવેણાવાસીઓને તિંરગાયાત્રામાં સ્વયંભૂ જોડાવવા મંત્રીનો અનુરોધ
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આજે કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે ભાવનગર શહેરમાં તા.14 મે, બુધવારના રોજ યોજાનાર તિરંગા યાત્રાની પૂર્વ તૈયારીની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ તિરંગા યાત્રા અંગે જણાવ્યું હતું કે, શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા, ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે ભાવનગર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તારીખ 14 મે, બુધવારના રોજ શહેરમાં વિવિધ સંસ્થાઓના સંકલનથી તિંરગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે પાંચ વાગ્યે મોતીબાગ ટાઉન હોલથી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે તેમજ શહીદ સ્મારક ખાતે તિરંગા યાત્રાનું સમાપન થશે. આ તિરંગાયાત્રામાં જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, આર્મી, નેવી, એરફોર્સના જવાનો, પૂર્વ સૈનિકો સહિત ભાવનગર જિલ્લાની વિવિધ સંસ્થાઓ, એનજીઓ તેમજ ભાવેણાવાસીઓને આ યાત્રામાં સ્વયંભૂ જોડાવવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ આતંકવાદ વિરુધ્ધ કડક કાર્યવાહી કરી છે. સેનાની હિંમતથી આ ઓપરેશન સફળ બન્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. બેઠકમાં મેયર ભરત બારડ અને જિલ્લા કલેક્ટર ડૉ.મનિષ કુમાર બંસલે તિરંગાયાત્રામાં સહભાગી બનવા લોકોને અપીલ કરી હતી.
બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર એન. કે. મીના, પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઇ રાબડીયા, આગેવાન કુમાર શાહ સહિત જિલ્લાની વિવિધ સંસ્થાઓ, એનજીઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આનંદસિંહ રાણા