એક તરફ કોરોના બીજી બાજુ તૌકતે: CM રૂપાણીની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે બેઠક, અપાયા આ આદેશ

ભાવનગર: કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી ‘તૌકતે’ વાવાઝોડા અંગે વહીવટી તંત્રની તૈયારીઓની પણ સમિક્ષા કરી હતી.

જેમાં મુખ્યમંત્રીએ ભાવનગર શહેર તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા,ઓકિસજનની સુવિધા,ઓકિસજનના નવા પ્લાન્ટ, વેન્ટીલેટર, દવાઓ, સારવારની સુવિધા,આરોગ્ય સ્ટાફ ,રસીકરણની સ્થિતિ- આયોજન સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.

મુખ્યમંત્રીએ આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં ‘મારું ગામ કોરોનામુકત ગામ’ અને શહેર વિસ્તારમાં ‘મારો વૉડ કોરોનામુકત વૉર્ડ’ અભિયાનને વધુ બળ મળે તે માટે વહીવટી તંત્ર,શહેરીજનો અને ગામ લોકોના સહકારથી કાર્યરત કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર અંગે પણ વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતાં.

સીએમ રૂપાણીએ ‘તૌકતે’ વાવાઝોડા અંગે વહીવટી તંત્રની તૈયારીઓની પણ સમિક્ષા કરીને સ્ટેન્ડબાય રહેવા જરૂરી સૂચનાઓ આપી હતી. સૌરાષ્ટ્રના સાગરકાંઠે રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. વાવાઝોડા લઈને NDRFની 44 ટુકડી અને 85 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ કરવામાં આવી છે. 150 કિલોમીટરની ઝડપે વાવાઝોડું સૌરાષ્ટ્રમાં આવે તેવી શક્યતા છે.

રાજ્યની 1300 હોસ્પિટલમાં ડિજિ સેટ વસાવવા આદેશ આપ્યા છે. દરેક સામાજિક સંસ્થાની સેવા માટે આગળ આવવા અપીલ હતી અને અસોમ અને મંગળવારે સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન બંધ રહેશે તેવી સીએમ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.