- 294 મકાનો પર બુલડોઝર ફર્યુ
- ડિમોલેશન માટે 12 જેસીબી મશીન, 3 હિટાચી મશીન, 12થી વધુ ટ્રેકટર સહિતની મશીનરીને વહેલી સવારથી જ કામે લગાડાઈ
- પોલીસ સહિત 100 થી વધુ પોલીસ જવાનોનો કાફલો સુરક્ષા માટે જોડાયો
જામનગર મહાનગરપાલિકા દ્વારા આખરે આજે બચુ નગર વિસ્તારમાં મેગા ડિમોલેશનનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું છે, અને 294 જેટલા મકાનો સહિતના દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરીને અંદાજે 200 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
જેના માટે મનપા ના 100 થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા છે, અને 100 થી વધુ નો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 12 જેસીબી મશીનો 3 હિટાચી અને 12 ટ્રેક્ટર સહિતની મશીનરી નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદી ને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે અને દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી, અને ગત એપ્રિલ માસ થી શરૂ થયેલી આ કાર્યવાહી આજે અંતિમ તબક્કામાં છે.
ખાસ કરીને બચુ નગર વિસ્તારમાં અંદાજે 394 જેટલા મકાનો ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા હોવાથી તે તમામ દબાણો ખાલી કરી દેવા માટેની તમામ પ્રકારની અંતિમ નોટિશો આપી દેવામાં આવી હતી, અને માલ સામાન કાઢવા માટેની પણ મહેતલ અપાઈ હતી, જે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગયા બાદ આજે સવારથી મેગા ડીમોલેશન કાર્ય હાથ ધરી લેવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા ખુદ હાજર રહ્યા હતા. તેઓની રાહબરીમાં આસી. કમિશનર ભાવેશભાઇ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશભાઈ વરણવા, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની, ઉપરાંત ઊર્મિલ દેસાઈ, અનિલ ભટ્ટ, એસ્ટેટ વિભાગના નિતિન દીક્ષિત, તથા અન્ય અધિકારીઓની ટીમ સહિત 100 કર્મચારીઓ જોડાયા હતા.જ્યારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ સીટી ડીવાયએસપી જે. એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી એ. ડિવિઝન ના પી.આઈ. એન. એ. ચાવડા ની રાહબરી હેઠળ મહિલા પોલીસ સહિત 100 થી વધુ પોલીસ જવાનોનો કાફલો સુરક્ષા માટે જોડાયો હતો.
જુદી જુદી ત્રણ ટીમો બનાવીને તેમાં ત્રણ હિટાચી મશીનો, 12 જેસીબી મશીન, અને 12 ટ્રેક્ટર સહિતની મશીનરી દ્વારા વહેલી સવારથી ડિમોલેશનનો કાર્ય હાથ ધરી લેવામાં આવ્યું છે.
આ કામગીરી સમયે સ્થાનિક લોકોના મોટા ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા, જોકે વિના વિરોધે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.