પરમાણુ સંલયનનો મેગા પ્રોજેકટ: કર લો ‘સુરજ’ મુઠ્ઠી મે

જો આ પ્રયત્ન સફળ થશે તો ૨૦૨૫ સુધીમાં આ વિશ્વ સૂર્ય સમાન ઉર્જાની ઉત્પત્તિનું સાક્ષી હશે

પૃથ્વી પર સજીવોનું અસ્તિત્વ આપણાં પર નિરંતર પડતી રહેતી સૂર્ય ઉર્જા ને આભારી છે. આપણે રોજબરોજના જીવનમાં અસંખ્ય રીતે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ફક્ત એક સ્વિચ દબાવી ને આપણે મહાપ્રયત્ને ઉત્પન્ન થતી ઉર્જાને વાપરી શકીએ છીએ. પરંતુ રોજબરોજ આપણાં ઉપયોગ માં આવતી આ ઉર્જા પર્યાવરણને નુકશાન કરીને ઉત્પન્ન થઈ રહી છે. સોલર પાવરના ઉપકરણોનું પ્રમાણ જરૂર થી વધી રહ્યું છે, પરંતુ તેના માટે હજુ આપણને અતૂટ ઉર્જા આપી શકે એટલી સક્ષમ પ્રણાલી વિકસી શકી નથી. પૃથ્વી પર મર્યાદિત માત્રામાં ઉપલભ્ધ અશ્મિ બળતણ વર્તમાન સમયમાં વીજ ઉર્જા માટે ના મુખ્ય સ્ત્રોત છે. આ સ્ત્રોત પર્યાવરણ ને જંગી માત્રા માં નુકશાન કરી રહ્યા છે. સોલર ઉર્જા, પરમાણુ ઉર્જા, જળઉર્જા અને બીજા બધા જ પ્રયોગો આ અસરો ને નિવારવા માટે કાર્યરત છે. વિશ્વ સ્તરે આ પ્રયોગો પર પુષ્કળ રોકાણ થઈ રહ્યા છે. ભારત દેશ પણ આમાં પાછળ નથી. ભારત દેશ વિશ્વ માં વિજ્ઞાન ક્ષેત્રે એક આગવું સ્થાન ધરાવે છે. આ કારણે તે વિશ્વ ના સૌથી મહત્વકાંશી પ્રયોગો નો ભાગ છે. ભારતદેશ વિશ્વના અગ્રણી દેશો સાથે પોતાના વર્ષો જૂના પ્રયત્ન માં સફળ થવા કૂચ કરી રહ્યો છે. જો આ પ્રયત્ન સફળ થશે તો ૨૦૨૫ સુધી માં આ વિશ્વ સૂર્ય સમાન ઉર્જા ની ઉત્પત્તિનું સાક્ષી હશે. વર્ષ ૧૯૫૫માં જીનીવા ખાતે પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ માટે સભા ભરાઈ હતી. સંયુક્ત રાષ્ટ્રની આ સભામાં સભાપતિ તરીકે સુવિખ્યાત પરમાણુ ભૌતિકશાસ્ત્રી શ્રી હોમી ભાભા એ ઉર્જા ની ઉત્પત્તિ માટે પરમાણુ સંલયનની પ્રક્રિયાનો ઉલ્લેખ કરેલો. અત્યાર સુધી વપરાતી પરમાણુ વિચ્છેદન પ્રક્રિયા યુરેનિયમ જેવા રેડિયોએક્ટિવ તત્વો ની મદદ થી થાય છે. આ પ્રક્રિયા જો કોઈ કારણોસર નિયંત્રણ ની બહાર જતી રહે તો વિનાશકારક નીવડી શકે છે. પરમાણુ બોમ્બ આનું ઉદાહરણ છે. અતિ વિનાશકરક આ પ્રક્રિયા ની જગ્યાએ શ્રી હોમી ભાભાએ પરમાણુ સંલયન ની પ્રક્રિયાને પ્રોત્સાહિત કરવાની સલાહ આપી હતી. તેઓ ના મુજબ જો પરમાણુના સંલયન દ્વારા ઉર્જા ની ઉત્પત્તિ કરી શકીએ તો પુષ્કળ માત્રમાં ઉપલભ્ધ દરિયાના પાણીથી જ ઉર્જા ઉત્પન્ન થઈ શકે.

આ શક્યતાની નોંધ લેતા ૧૯૮૦ના દાયકામાં આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા સંસ્થા એ આંતરરાષ્ટ્રીય સમુદાયને એક બીજાના સહયોગથી થર્મોનુક્લેયર (તાપનાભિકીય) રિએક્ટર સ્થાપવાની ભલામણ કરી. આ મુજબ લગભગ ૧૫ કરોડ સેલ્સિયસ તાપમાન પર પરમાણુના સંલયનની નિયંત્રિત પ્રક્રિયા શરૂ કરવાની એક પહેલ દુનિયામાં ફેલાઈ. વિજ્ઞાન ક્ષેત્રે અગ્રણી દેશોએ આ પડકાર ઝીલીને વાટાઘાટો શરૂ કરી. સંખ્યાબંધ પ્રયત્નો બાદ વિશ્વના અગ્રણી દેશો ભારત, યુરોપીયન યુનિયન, જાપાન, રશિયા, અમેરિકા, સાઉથ કોરિયા અને ચીન મળીને વિશ્વના એક પ્રચંડ પ્રયોગના સ્થાપકો બન્યા. આ પ્રયોગનું નામ છે, ઇન્ટરનેશનલ થરમોનુકલેયર એક્ષ્પેરિમેંટલ રિએક્ટર (ITER). વર્તમાન સમયમાં ૩૫ જેટલા દેશો આ પ્રયોગમાં પોતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપી રહ્યા છે. આ પ્રયોગ દક્ષિણ ફ્રાંસના વિસ્તારમાં સ્થાપવામાં આવ્યો છે. તાજેતરમાં જ (જૂન, ૨૦૨૦) વર્ષોના પ્રયત્નો બાદ હવે તેનું અસેમ્બ્લિંગ શરૂ થયું છે. દિસેમ્બર ૨૦૨૫ સુધીમાં વિશ્વમાં પ્રથમ વખત નિયંત્રિત પરમાણુ સંલયન પ્રક્રિયા શક્ય થઈ જશે. અતિ ઊંચા તાપમાને પદાર્થની પ્લાઝમા અવસ્થામાં પરમાણુના સંલયન થી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થઈ શકે છે. આ ઉર્જા પર્યાવરણને પણ નુક્સાનકારક નથી. જો આ પ્રયોગ સફળ થશે તો રોજ સવારે જે સૂર્યદેવ ની કિરણો ના દર્શન કરીએ છીએ તે પૃથ્વી પર કૃત્રિમ રીતે ઉત્પન્ન થશે. સૂર્ય માં પણ અતિ ઊંચા તાપમાને આ પરમાણુ સંલયન ની પ્રક્રિયા નિરંતર ચાલુ હોય છે. આપણાં સૂર્યદેવ આ જ પ્રક્રિયા થી ઉર્જા ની ઉત્પત્તિ કરી રહ્યા છે.

શ્રી હોમી ભાભા ના જણાવ્યા અનુસાર પરમાણુ સંલયનથી ઉત્પન્ન થતી આ પ્રચંડ ઉર્જા દરિયાના પાણીના ઉપયોગથી ઉત્પન્ન કરી શકાય છે. દરિયાના દરેક ક્યુબિક મિટર માં ૩૩ ગ્રામ જેટલા પ્રમાણમાં ડ્યુટેરિયમ ઉપલબ્ધ હોય છે. આ તત્વ વાતાવરણ ને પણ નુકસાન કરતું નથી અને પરમાણુ સંલયન માટે શ્રેષ્ઠ ગણાય છે.

આ મેગા પ્રોજેકટ માં ભારત નું વિશેષ યોગદાન રહ્યું છે. ભારત આ પ્રયોગમાં ૯ ટકા ભાગીદારી સાથે જોડાયેલુ છે. આ વિશાળ પ્રોજેકટને ભારત ના પરમાણુ ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (પીઆરએલ) ભારત તરફ થી સંભાળી રહી છે. ભારત આ પ્રયોગને સફળ બનાવવા આધુનિક તકનીકો તથા નાણાંની વ્યવસ્થા પૂરી પાડી રહ્યું છે. આ સંપૂર્ણ પ્રોજેકટ ના એક મહત્વ ના ભાગ ક્રાયોસ્ટેટને ભારતમાં જ બનાવવા માં આવ્યું હતું. આઇટીઇઆર પ્રોજેકટ ના ડિરેક્ટર જનરલ શ્રી બેરનાલ્ડ બાઈગોટ એ ભારતના તકનીકી યોગદાન ને એક અભૂતપૂર્વ એન્જિનિયરિંગ પડકાર અને સિદ્ધિ તરીકે આલેખ્યા હતા. આ પ્રયોગ સફળ થતાં ભારત ને પોતાની વિશાળ વસ્તી માટે સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા પ્રાપ્ત થઈ શકશે.

આ પ્રચંડ પ્રોજેકટ ને શરૂ કરવાની ચળવળ શરૂ થઈ ચૂકી છે. અલબત તેની પાછળ જંગી રોકાણ લાગેલું છે. આ પ્રોજેકટ પાછળ કુલ ખર્ચ લગભગ ૨૪ અબજ ડોલર છે. ભારત તેમાથી ૨.૨ અબજ ડોલર એટલે કે લગભગ ૨૦,૦૦૦ કરોડ આપવા કટિબદ્ધ છે. પરંતુ આ ખર્ચ ભારત ને લાખો ટન ના ક્રમ માં કોલસા ના વપરાશ થી મુક્તિ આપવી શકે છે. આ સાથે પર્યાવરણ ને કાર્બન થી થતાં નુકશાન ને પણ નિવારી શકાય છે. આંકડાઓ મુજબ ભારતે વર્ષ ૨૦૧૯-૨૦ માં લગભગ ૭૨૯ મિલ્યન ટન કોલસાનું ઉત્પાદન કર્યું હતું. જે ભારત ની લગભગ ૭૧.૮ ટકા વીજળી(૨૦૧૯-૨૦)ના ઉત્પાદન માં વપરાયું હતું. દર વર્ષે ૧૦૦૦ મેગાવોટ વીજળી ના ઉત્પાદન માટે ૨.૭ મિલ્યન ટન ઈંધણ વપરાય છે. જ્યારે આઇટીઇઆર ની સફળતા બાદ આટલી વિદ્યુત ઉર્જા ફક્ત ૨૫૦ કિલો ઈંધણ થી ઉત્પાદિત કરી શકાશે. અહી એ નોંધવું મહત્વનુ છે કે આઇટીઇઆર માં ડ્યુટેરિઅમ અને ટ્રીટ્યમ ઈંધણ તરીકે વપરાય છે. જે પુષ્કળ માત્ર માં ઉપલબ્ધ છે.

વિશ્વસ્તરના આ મેગા પ્રોજેકટમાં ભારતના દ્રષ્ટિકોણથી યથાર્થતા જોવા જઈએ તો ભારતની પ્લાસમા ક્ષેત્રે સંશોધન કરતી સંસ્થા પીઆરએલ પોતાના ક્ષેત્રે ખૂબ જ સફળ છે. આઇટીઇઆરને પ્રાપ્ત કરવામાં આવેલ તકનિકો ભારત ને અનોખી ખ્યાતિ અપાવી ચૂકી છે. જો ભારત ને ભોગવવા પડતાં ખર્ચનીનું વિશ્લેષણ કરીએ તો આ ખર્ચ કોલસાના બળતણ કરતાં તો પરવડી શકે એમ જ છે. અત્યારે ભારતમાં લગભગ ૬૧.૮ ટકા વીજળી થર્મલ પાવર પ્લાન્ટ માં ઉત્પન્ન થાય છે. આઇટીઇઆરની સફળતા બાદ આ ભાગ પરમાણુ સંલયન ઉર્જા દ્વારા ખૂબ જ સહેલાઈ થી આવરી શકાશે.

અમુક અહેવાલો મુજબ ભારતને આઇટીઇઆર માં હજુ માનવસંસાધન તથા નાણાં વિષય પર પોતાનું યોગદાન વ્યવસ્થિત કરવાની જરૂર છે. ભારત પોતાના નિષ્ણાંત વૈજ્ઞાનિકો આઇટીઇઆર માં રોકી રહ્યું છે પરંતુ આઇટીઇઆર માં બીજા દેશો ની સરખામણીએ ભારત ના  માનવસંસાધન ની સંખ્યા ઓછી છે. ઉર્જા ક્ષેત્રે આઇટીઇઆર પોતાની પ્રચંડ છવી તો દર્શાવી જ રહ્યું છે, પરંતુ આ જ પ્રયોગ ભવિષ્ય માં માનવજાતિ ને એવા આગ ના ગોળા ની અંદર ડોકયુ કરવા દેશે કે જેની આસપાસ પણ આજે આપણે બહુ મુશ્કેલીથી ઊભા રહીએ છીએ. અબજો કિલોમીટર દૂર રહેલા જે સૂર્ય ની કિરણ આપની આંખો આંજી દે છે તે જ સૂર્ય મનુષ્ય ની મુઠ્ઠી માં હશે.