ગીરગઢડા પંથકમાં મેઘાની ધૂંઆધાર ઈનીંગ: ૨ કલાકમાં ૪ ઈંચ

દ્રોણેશ્વર ડેમ ઓવરફલો: ૧૫ ગામની જળ સમસ્યા હલ રાવલ ડેમ ૭૦ ટકા ભરાઈ જતા હેઠવાસનાં ૮ ગામોને એલર્ટ કરાયા

ગીર ગઢડા પંથકમાં ગઈકાલે સાંજે જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. તુલસીશ્યામ, જસાધાર, ભીમશાહ અને જંગલ વિસ્તારમાં બે કલાકમાં સાંબેલાધારે ૪ ઈંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. ગીરગઢડા તાલુકાનું નગડીયા ગામ સંપર્ક વિહોણુ થઈ ગયું હતું. ખેતરોમાં પણ પાણી ભરાય ગયા હતા. દ્રોણેશ્ર્વર ડેમ ધોધમાર વરસાદનાં કારણે ઓવરફલો થઈ ગયો હતો જેનાં કારણે ૧૫ ગામોની પાણીની સમસ્યા હલ થઈ જવા પામી છે અને ખેડુતોમાં પણ ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે તો રાવલ ડેમ ૭૦ ટકા જેટલો ભરાય જતા ૮ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

ગઈકાલે ગીરગઢડા પંથકમાં ભારે વરસાદ પડયો હતો. બે કલાકમાં ચાર ઈંચ વરસાદનાં કારણે ખેતરોમાં પાણી ભરાય ગયા હતા. રાવલ ડેમ ૭૦ ટકા ભરાઈ જવાનાં કારણે ચીખલકુબા, જસાધાર, ધોકડવા, મહોબતપરા, મોટા સમઢીયાળા, પરાપાદર, કાંધી, પાતાપરને એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ઉના તાલુકાનાં પણ ઉમેજ, સામતેર, કણકબરડા, મોઢા, ગરાડ, સંજવાપુર, રામેશ્ર્વર, માણેકપુર, ખત્રીવાડા ગામોને એલર્ટ કરાયા છે. ગીરગઢડાનાં ઈંટવાડા ગામે વિજળી પડવાથી એક મહિલાનું મોત થયું હતું જયારે બે વ્યકિતઓને ઈજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ગીરગઢડામાં પડેલા ધોધમાર વરસાદનાં કારણે દ્રોણેશ્ર્વર ડેમ ઓવરફલો થઈ જતાં ૧૫ ગામોની પાણીની સમસ્યા હલ થઈ જવા પામી છે.