Abtak Media Google News

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ ૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ ધોલેરા સત્યાગ્રહના અવસરે ૧૫ શૌર્ય ગીતોનો સંગ્રહ સિંધુડો પ્રસિધ્ધ કર્યો ’તો: ધોલેરા,ધંધુકા અને રાણપુરમાં ભાવાંજલિ કાર્યક્રમ યોજાશે

સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભક્તિનાં ૧૫ શૌર્ય ગીતોનો સંગ્રહ ‘સિંધુડો’ ૬ એપ્રિલ ૧૯૩૦નાં રોજ ધોલેરા સત્યાગ્રહના અવસરે પ્રસિધ્ધ થયો હતો. સ્વતંત્રતાની મીઠાશ, છેલ્લી પ્રાર્થના, શિવાજીનું હાલરડું, બીક કોની મા તને, તરુણોનું મનોરાજ્ય, કવિ તને કેમ ગમે, મોતનાં કંકુઘોળણ, ગાઓ બળવાનાં ગાન, કાલ જાગે, ઊઠો, નવ કહેજો, ઝંખના, ભીરુ, યજ્ઞ-ધૂપ, વીર જતીન્દ્રનાં સંભારણાં જેવાં શૌર્ય તથા દેશપ્રમનાં ૧૫ ગીતો આ સંગ્રહમાં છે. આ ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ થઈ ગયાં હતાં. આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતાં બ્રિટિશ સરકાર પણ ચોંકી ગઈ અને ગભરાઈને સિંધુડોને જપ્ત કર્યો હતો. પરંતુ તેની હસ્તલિખિત કાનૂનભંગ-આવૃત્તિની સેંકડો સાઇક્લોસ્ટાઈલ્ડ નકલો જોતજોતામાં લોકોમાં ફરી વળી હતી.

‘સિંધુડોના ૮૯મા પ્રાગટ્ય દિન તથા ધોલેરા સત્યાગ્રહની ૮૯મી જયંતી નિમિત્તે — ૬ એપ્રિલ ૨૦૧૯ ને શનિવારે — ઘોલેરા (ગાંધી ચોક અને શહીદ સ્મારક), ધંધુકા (જિલ્લા પંચાયતનું ઐતિહાસિક રેસ્ટ હાઉસ) અને રાણપુર (પોલીસ સ્ટેશન પાસે આવેલ ખાતે ભાવાંજલિ અર્પણ થશે. ‘સિંધુડોના શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોનું સમૂહ-ગાન પણ કરાશે. સહુ ભાવિકજનોને આ ભાવાંજલિ કાર્યક્ર્મમાં પધારવા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી તથા ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન અને ખાદી ક્ષેત્રના અગ્રણી ગોવિંદસંગ ડાભીએ નિમંત્રણ પાઠવ્યું છે.

રાજદ્રોહના ખોટા આરોપસર ધરપકડ કરીને ઝવેરચંદ મેઘાણીને ૨૮ એપ્રિલ ૧૯૩૦નાં રોજ ધંધુકાની વિશેષ અદાલતમાં રજૂ કરાયા. મેજિસ્ટ્રેટ ઇસાણીની અનુમતિ મેળવીને ‘સિંધુડો’માંનું દર્દભર્યું ગીત ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ (‘છેલ્લી પ્રાર્થના’) ઝવેરચંદ મેઘાણીએ ધીરગંભીર અવાજે ગાયું ત્યારે ઉપસ્થિત માનવમેદની તથા મેજિસ્ટ્રેટ સમેત સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી.

૨ વર્ષની કેદની સજા ફરમાવાઈ. સાબરમતી જેલમાં રખાયા. જેલમાં એમના સાથીઓ હતા : સરદાર વલ્લભભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, અબ્બાસ અલી તૈયબજી, રવિશંકર મહારાજ  અને અન્ય મહાનુભવો. જેલવાસ દરમિયાન કોઈનો લાડકવાયો, સૂના સમદરની પાળે, અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં જેવાં અમર ગીતોની રચના કરી.

સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર-સેનાની તેમજ સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભક્તિના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. મહાત્મા ગાંઘીએ તેમને ‘રાષ્ટ્રીય શાયરનાં ગૌરવપૂર્ણ બિરુદથી નવાજ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.