Abtak Media Google News

સવારે 7 વાગે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યા બાદ સવારે 4 કલાકમાં સાંબેલાધારે 3 ઈંચ ખાબક્યો: વાતાવરણ એકરસ, સુપડાધારે હેત વરસાવતા વરૂણદેવ: નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાયા, અમીન માર્ગ પર વરસાદી પાણીમાં ફોર વ્હીલ ફસાતા ફાયર બ્રિગેડ શાખા દ્વારા રેસ્ક્યુ કરાયું

Advertisement

મેયર ડો.પ્રદિપ ડવ સવારથી ફિલ્ડમાં: વોર્ડ નં.12માં ગોકુલપાર્ક મેઈન રોડ પર પાણી ભરાવાના કારણે જેસીબીથી દિવાલ તોડવી પડી: સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ અને નીતિન ભારદ્વાજે કંટ્રોલરૂમનો હવાલો સંભાળ્યો, નીચાણવાળા વિસ્તારમાં સતત તંત્રની નજર: જળાશયોમાં પાણીની ધોધમાર આવક

Rain Monsoon 1

ગઈકાલે દિવસ દરમિયાન ધીમીધારે હેત વરસાવ્યા બાદ મધરાતથી રાજકોટમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. મધરાતથી શહેરમાં એકધારો વરસાદ વરસી રહ્યો હોવાના કારણે સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાયા છે. એકધારો વરસાદ વરસી રહ્યો હોવાના કારણે રાજમાર્ગો પર જાણે સ્વયંભુ સંચારબંધી લાદી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

150 ફૂટ રીંગ રોડ પર કેળસમા પાણી ભરાવાના કારણે સ્થિતિ કફોડી બની જવા પામી હતી. આજે સવારે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં 7 ઈંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ સવારે 2 કલાકમાં સાંબેલાધારે 3 ઈંચ વરસાદ પડતા જળબંબાકાર થઈ જવા પામ્યું છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ વાતાવરણ એકરસ છે અને ધોધમાર વરસી રહ્યો છે.

Rain Monsoon 3

ભારે વરસાદના કારણે શહેરમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. મેયર ડો.પ્રદિપ ડવ સવારથી ફિલ્ડમાં ઉતર્યા છે જ્યારે સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને નીતિન ભારદ્વાજે જ્યુબેલી સ્થિત કંટ્રોલરૂમનો કબજો સંભાળી લીધો છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો લોકોનું સમયસર સ્થળાંતર કરવા માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. નદીના પટમાં લોકોને અવર-જવર ન કરવા પણ સુચના આપી દેવામાં આવી છે.

ગઈકાલે સવારથી રાજકોટમાં મેઘાવી માહોલ જામ્યો હતો. મધરાતે વીજળીના ડરામણા કડાકા-ભડાકા વચ્ચે વરસાદ તૂટી પડ્યો છે. આજે સવારે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં 173 મીમી, સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 94 મીમી અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં 88 મીમી વરસાદ વરસી ગયો હતો.

Rain Monsoon 2

સવારે થોડીવાર માટે મેઘરાજાએ વિરામ લીધા બાદ ફરી સાંબેલાધારે વરસવાનું શરૂ ર્ક્યું હતું. સવારે 7 થી 10 એમ 3 કલાકના સમયગાળામાં સેન્ટ્રલ ઝોનમાં 71 મીમી, વેસ્ટ ઝોનમાં 61 મીમી અને ઈસ્ટ ઝોનમાં 76 મીમી વરસાદ વરસી ગયો છે. આ સાથે ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં સેન્ટ્રલ ઝોનમાં 836 મીમી, વેસ્ટ ઝોનમાં 830 મીમી અને ઈસ્ટ ઝોનમાં 755 મીમી વરસાદ પડ્યો છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ રાજકોટમાં સાંબેલાધારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

Rain Monsoon 8

150 ફૂટ રીંગ રોડ, મવડી પ્લોટ, અટીકા ફાટક, સ્વામીનારાયણ ચોક, જાગનાથ, યાજ્ઞીક રોડ, યુનિ. રોડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ગોઠણડુબ પાણી ભરાયા છે. વરસાદી પાણીમાં અમીન માર્ગ પર એક કાર ફસાવાના કારણે કાર ચાલકનું ફાયર બ્રિગેડ શાખા દ્વારા તાત્કાલીક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કાલાવડના છાપરગામે પણ પુરમાં કાર ફસાતા ફાયર બ્રિગેડના રેસ્કયુ ટીમ દોડી ગઈ હતી. શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ઈન્દ્ર દેવે મહાદેવનો જલાભિષેક ર્ક્યો હતો. શહેરમાં ગત મધરાતથી એકધારો સાંબેલાધારે વરસાદ વરસી રહ્યો હોવાના કારણે આજે સવારથી મેયર ડો.પ્રદિપ ડવ ફિલ્ડમાં ઉતર્યા છે.Rain Monsoon 5

જ્યારે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જ્યુબીલી સ્થિત કંટ્રોલરૂમનો કબજો સંભાળી લીધો છે. વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર સજ્જ થઈ ગયું છે. સતત વરસાદ ચાલુ રહે તો નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા માટેની પણ પુરતી તૈયારી કરવામાં આવી છે. અનરાધાર વરસાદ ચાલુ હોવાના કારણે શહેરની મુખ્ય બજારો બંધ છે. બીજી તરફ જિલ્લા કલેકટર દ્વારા શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે.

Rain Monsoon 4

ન્યારી ડેમમાં પાણીની ધોધમાર આવક, સાંજ સુધીમાં ઓવરફલો થઈ જાય તેવી પ્રબળ સંભાવના

સવાર સુધીમાં ડેમમાં 5 ફૂટ પાણીની આવક: ઓવરફલો થવામાં હવે માત્ર 4 ફૂટ જ છેટુRain Monsoon 6

ન્યુ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા અને મહાપાલિકાની માલીકીના એકમાત્ર જળાશય એવા ન્યારી ડેમમાં પાણીની ધોધમાર આવક થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 5 ફૂટનો વધારો થવા પામ્યો છે. 25.10 ફૂટે છલકાતા ન્યારી ડેમની સપાટી 21 ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમ ઓવરફલો થવામાં હવે માત્ર 4 ફૂટ છેટું રહ્યું હોય સાંજ સુધીમાં ન્યારી ઓવરફલો થાય તેવી સંભાવના જણાય રહી છે.

Rain Monsoon 7

રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ભાદર, ન્યારી અને લાલપરી સહિતના ડેમમાં પણ પાણીની આવક ચાલુ છે. મહાપાલિકાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉપરવાસના વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ન્યારી ડેમમાં પાણીની ધોધમાર આવક થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 5 ફૂટનો વધારો થયો છે. હવે ન્યારી ડેમ ઓવરફલો થવામાં માત્ર 4 ફૂટ બાકી છે.

Rain Monsoon 9

ડેમમાં પાણીની અનરાધાર આવક થઈ રહી હોય આજ સાંજ સુધીમાં ડેમ ઓવરફલો થાય અને દરવાજા ખોલવા પડે તેવી સંભાવના જણાય રહી છે. બીજી તરફ આજી ડેમમાં આજ સુધીમાં માત્ર સૌની યોજના અંતર્ગત ઠલવાતા નર્મદાના નીરના કારણે ડેમની સપાટીમાં વધારો થતો હતો પરંતુ હવે સવારથી વરસાદી પાણીની આવક થઈ રહી છે. ગોંડલ પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે ભાદરની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.