મેઘરાજા મન મૂકીને વરસ્યા, જુઓ રાજકોટમાં મેહુલિયાની મોજના દ્રશ્યો

ગુજરાતમાં છેલ્લા 3/4 દિવસ થયા મેઘરાજા મન મૂકીને વર્ષી રહ્યા છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધમધોકાર વરસાદ જોવા મળે છે. રાજકોટમાં સૌ કોઈ વરસાદની રાહ જોઈ બેઠા હતા. તાઉતે વાવાઝોડાના કારણે રાજકોટ જિલ્લાની વરસાદી સીસ્ટમ ખોરવાઈ હતી ત્યારે હવે લાગી રહ્યું છે કે, સીસ્ટમ ફરી બની હોય.

આજે બપોરે રાજકોટ શહેરમાં ફરી પાછા ભારે મેઘ ખાંગા થયા હતા. રાજકોટના ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ, કાલાવાડ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. શહેરમાં બપોરનાં 1 વાગ્યા થી 2 વાગ્યા સુધીમાં ફાયર બ્રિગેડનાં કંટ્રોલ રૂમમાં વેસ્ટ ઝોનમાં 41 મી.મી, સેન્ટ્રલ ઝોનમાં 27 મી.મી તથા ઈસ્ટ ઝોનમાં 21 મી.મી વરસાદ નોંધાયો છે.

ગઈ કાલ સવારથી રાજકોટમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ગઈ કાલે સવારે 8 વાગ્યાથી જ વરસાદ વરસવાનું ચાલુ થયું હતું, અને રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં 11 વાગ્યા સુધીમાં લગભગ 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત જૂનાગઢ, સુરેન્દ્રનગર, માંગરોળ, ભાવનગર સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ બેટીંગ કરવાનું શરૂ કર્યું છે. જયારે ગોંડલ શહેરમાં મુશળધાર 24 કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે જામનગર ખંભાળિયા હાઈવે પર જોરદાર વરસાદ પડવાથી રસ્તો પર પાણી ફરી વર્યું છે.