ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને અમરેલી જિલ્લામાં સવારથી વરસાદ: આજથી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની આગાહી, અમુક સ્થળોએ અતિભારે વરસાદ પણ પડે તેવી શક્યતા

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આજથી સતત ત્રણ દિવસ સુધી સાર્વત્રિક મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં સવારથી મેઘરાજાના મંડાણ થયા છે. સુત્રાપાડામાં અઢી ઇંચ અને કોડીનારમાં બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય તંત્ર એલર્ટ થઇ ગયું છે. રાજકોટમાં પણ આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં શુક્રવારે વરસાદનું જોર વધુ હતું.

રાજ્યના 31 જિલ્લાઓના 126 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયુ છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના સિનોરમાં બે ઇંચ જેટલો વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં સવાર સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યા બાદ સવારે ફરી એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. રાજ્યમાં આજથી સોમવાર સુધી સાર્વત્રિક મધ્યમથી ભારે અને અમૂક છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જામનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી રવિ-સોમવારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, મોરબી અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે. આજે સવારથી ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા, કોડીનાર, વેરાવળ, ઉના, તાલાલા, જૂનાગઢ જિલ્લાના કેશોદ, માળીયા હાટીના, ભેંસાણ, જૂનાગઢ શહેર, રાજકોટ જિલ્લાના ધોરાજી, જેતપુર અને અમરેલી જિલ્લાના વડીયા તાલુકામાં હળવા ઝાપટાથી લઇ પોણો ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. આજથી ત્રણ દિવસ સતત મેઘાવી માહોલ રહેશે. ગઇકાલ શુક્રવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે.રાજ્યમાં સિઝનનો 61.01 ટકા વરસાદ વરસી ગયો છે.

કચ્છ રિજીયનમાં સૌથી વધુ 105.23 ટકા ઉત્તર ગુજરાત રિજીયનમાં સૌથી ઓછો 36.40 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 51.46 ટકા, સૌરાષ્ટ્રમાં 58.84 ટકા, દક્ષિણ ગુજરાતમાં 76.24 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. આજે સવારથી રાજ્યમાં મેઘાવી માહોલ જામ્યો છે. આ વર્ષ ચોમાસાની સિઝનમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી જાય તેવી શક્યતા જણાય રહી છે.

11 જળાશયોમાં નવા નીરની આવક

સૌરાષ્ટ્રમાં શુક્રવારથી મેઘાનું જોર વધતા જળાશયોમાં પાણીની આવક પણ શરૂ થવા પામી છે. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 11 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. જેમાં રાજકોટ જિલ્લાના વેણુ-2 ડેમમાં 0.16 ફૂટ, વાછપરીમાં 0.79 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ, છાપરવાડી-1માં 0.16 ફૂટ, છાપરવાડી-2માં 0.33 ફૂટ, જામનગર જિલ્લાના ફૂલજર (કોબા)માં 0.07 ફૂટ, વગડીયામાં 0.07 ફૂટ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્તુ-1 ડેમમાં 0.39 ફૂટ, વર્તુ-2 ડેમમાં 0.16 ફૂટ, વેરાડી-2 ડેમમાં 0.16 ફૂટ, સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિવેણી ઠાંગામાં 0.49 ફૂટ પાણીની આવક થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.