- પરિવહનના નિયમ નેવે મૂકી મનોરંજન માણવાનો મામલો
- જીલ્લાની 2 શાળાઓના વિદ્યાર્થીઓને ટ્રેકટર અને આઈશરમાં જાદુ જોવા લઈ જવાયા
- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બંને શાળાઓને અપાઈ નોટિસ
મહેસાણામાં પરિવહનના નિયમ નેવે મૂકી મનોરંજન માણવાનો મામલો સામે આવ્યો છે. જેમાં મહેસાણાની રામોસણા પગાર કેન્દ્ર શાળા અને તળેટી શાળા દ્વારા ટ્રેકટર અને આઈશરમાં વિદ્યાર્થીઓને જાદુ જોવા લઈ જવામાં આવ્યા હતા. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બંને શાળાઓને નોટિસ આપવામાં આવી છે. જેમાં તપાસ બાદ દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, મહેસાણા જિલ્લામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડ લાઈનનો શરેઆમ ભંગ કરતા શિક્ષકોએ વિદ્યાર્થીઓના જીવન જોખમે મનોરંજનની મજા માણી હતી. શાળાના ભૂલકાઓની સલામતીને ભૂલી શિક્ષકોએ ટ્રેકટર અને ટ્રકમાં જોખમી મુસાફરી કરાવી જાદુગરનો શો માણતા ભારે વિવાદ સર્જાયો હતો.
મહેસાણામાં એક તરફ તંત્ર જ્યાં માર્ગ સલામતીની વાતો કરી રહ્યું છે ત્યાં શિક્ષણથી જ સારા નાગરિકોનું ઘડતરની જવાબદારી સંભળાતા શિક્ષકોએ પોતાના વિભાગની જ ગાઈડ લાઈનનો ભંગ કરી વિદ્યાર્થીઓને જોખમી પરિવહન કરાવ્યું હતું. મહેસાણા શહેરમાં આવેલ ટાઉન હોલ આગળ વિદ્યાર્થીઓ ભરેલ ટ્રક અને ટ્રેકટર સહિતનો મોટો કાફલો જોવા મળ્યો હતો.
જેમાં ઘેટા બકરાની જેમ ઘીચો ઘીચ વિવિધ શાળાના વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા હતા. જે અંગે તપાસ કરતા મહેસાણા પંથકની તળેટી ગુજરાતી શાળા, રામોસણા પગાર કેન્દ્ર શાળા સહિતના વિદ્યાર્થીઓની સલામતીના ભોગે ટાઉન હોલમાં આવેલ જાદુગરના શોનું મનોરંજ માણવાનું આયોજન કરાયું હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે જિલ્લા પ્રા. શિક્ષણ અધિકારીને જાણ થતાં પોતે આ આયોજનથી અજાણ હોઈ અને શિક્ષણિક પ્રવાસ સિવાય આ પ્રકારના આયોજનોની તેમને જાણ ન કરાતી હોવાનું જણાવ્યું હતું. જોકે વિદ્યાર્થીઓના જોખમી પરિવહનના મુદ્દે તેમને ગંભીરતા દાખવી જેતે શાળાના આચાર્યને નોટિશ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.
મહેસાણા પંથકની એક બે નહિ પરંતુ અનેક શાળાઓ માંથી વિદ્યાર્થીઓના જોખમી પરિવહન સાથે મહેસાણા શહેરમાં આવેલા ટાઉન હોલ સુધી પહોંચ્યા હતા. તેમ છતાં રસ્તામાં ન તો કોઈ પોલીસ પોઇન્ટ પર તેમને રોકાયા ન તો માર્ગ સલામતીની મોટી વાતો કરતા તંત્રએ તેમને અટકાવ્યા હતા.
મનોરંજન માટે ફી પણ વસુલાઈ હતી મહેસાણા પંથકની વિવિધ શાળાના વિધાર્થીઓ જોખમી પરિવહન મામલે તપાસ કરતા પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી 50 રૂપિયા ફી વસુલવામાં આવી હતી. તેમ છતાં તેમના પરિવહન માટે શિક્ષકોએ કોઈ કાળજી લીધી ન હતી.